click here to go to advertiser's link
Visitors :  
19-May-2026, Tuesday
Home -> Bhuj -> West Kutch Police Allegedly Allow Illegal Liquor Sales in Two Shocking Cases Read more
Monday, 18-May-2026 - Bhuj 1691 views
ભુજમાં મહિલાઓએ રેઈડ કરી ૨૦ હજારનો દારૂ ઝડપ્યો! માધાપરમાં હાર્દિકના પોઈન્ટનો VDO
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ચૂંટણી બાદ ભુજ અને આસપાસના વિસ્તારોમાં ઈંગ્લિશ દારૂની લાઈનને ફરી લીલી ઝંડી મળી જતાં બૂટલેગરોએ ખુલ્લેઆમ પોઈન્ટ શરૂ કરી દીધા છે. આ તમામ પોઈન્ટનું કેન્દ્રબિંદુ  ભુજના ગણેશનગરના પુના અને નવઘણ સુધી લંબાતું હોવાનું ચર્ચાય છે. જેમાં સૂત્રધાર તરીકે કેરાનો અનોપ અને ભુજમાં સ્થાયી થયેલો વાગડનો પુનો મુખ્ય પાર્ટનર હોવાનું જગજાહેર છે.
ભુજમાં મહિલાઓની જનતા રેઈડ

ભુજ શહેરના જયનગર ત્રણ રસ્તા પાસે રૂપમ ફર્નિચરવાળી ગલીમાં થોડાંક સમયથી એક શીખ યુવક ખુલ્લેઆમ ઈંગ્લિશ દારૂનું વેચાણ કરતો હોઈ આસપાસની મહિલાઓએ ગઈકાલે સાંજે રોષે ભરાઈને જનતા રેઈડ પાડેલી. મહિલાઓએ તેને વ્હિસ્કીની એક પેટી જેમાં ૧૨ બોટલ હતી અને ૧૮૦ એમ.એલ.ના ૨૭ નંગ ક્વાર્ટરીયા મળી કુલ ૨૦ હજારથી વધુ રૂપિયાનો દારૂ જપ્ત કર્યો હતો. બાદમાં ભુજ એ ડિવિઝન પોલીસને જાણ કરાતાં પોલીસે આવીને તે યુવકની દારૂના જથ્થા સાથે ધરપકડ કરી હતી.

પોલીસે ‘બાતમીના આધારે’ દરોડો પાડ્યો હોવાનું દર્શાવ્યું

પોલીસે ‘બાતમીના આધારે’ અહીંથી હરવિન્દરસિંઘ સરદાર (રહે. ગણેશનગર, રામદેવપીર મંદિર) નામના ૨૩ વર્ષિય યુવકની ઈંગ્લિશ દારૂના જથ્થા સાથે ધરપકડ કરી હોવાનું દર્શાવીને ‘જનતા રેઈડ’નો મુદ્દો જ ડિલિટ કરી દીધો છે! મજ્જા તો એ છે કે એ ડિવિઝન પીઆઈ એમ.આર. નકુમ કહે છે યુવક કોની પાસેથી દારૂ લઈને અહીં વેચતો હતો તે હજુ સ્પષ્ટ થયું નથી, તપાસ ચાલુ છે! નકુમભાઈ, નવઘણ નામના ગણેશનગરના બૂટલેગરે આ માલ આપેલો તેવું ચર્ચાય છે.

માધાપરમાં હાર્દિકના પોઈન્ટ પર ખુલ્લેઆમ વેચાય છે દારૂ

માધાપરમાં સોની સમાજવાડી પાસે હાર્દિક ગોસ્વામી નામના બૂટલેગરનો ઈંગ્લિશનો પોઈન્ટ પણ પૂરબહારમાં ધમમધી રહ્યો છે. ભુજના નાસિર રાયમા નામના જાગૃત યુવકે હાર્દિકના આ પોઈન્ટ પર સ્ટીંગ ઓપરેશન કરીને તેના વીડિયો સાથે  માધાપર પોલીસને દારૂનો આ જાહેર પોઈન્ટ બંધ કરાવવા રજૂઆત કરી છે.

હાર્દિક અને તેના માણસો વચ્ચે લાખોના હિસાબની ચર્ચા

સ્ટીંગ ઓપરેશનનમાં હાર્દિકના માણસો દારૂ વેચતાં સ્પષ્ટ રીતે દેખાય છે. એટલું જ નહીં, જામુન ફ્લેવરની વોડકાના પાંચસો રૂપિયાનો ભાવ હોવાનું જણાવીને વોડકાની બાટલી આપતો દેખાય છે. ગ્રાહક પાંચસો રૂપિયા વધુ હોવાની દલીલ કરે છે ત્યારે આ શખ્સ ‘પહેલાં સાતસો હતા, હવે પાંચસો થયાં છે’ તેમ કહીને હડધુત કરતાં કહે છે કે ‘રૂપિયા ના હોય તો દેશી પી લે’ આ જ સમયે હાર્દિક નામનો શખ્સ ત્યાં આવે છે અને તે બેઉ જોડે મેં ૧.૨૦ લાખનો હિસાબ કરેલો તેમાંથી ૧.૧૬ લાખનો હિસાબ મળ્યો, બે હજાર પગારના કાપી લીધા પણ બાકીના બે હજારનું શું?’ તેવી ચર્ચા કરે છે. ત્યારે દારૂ વેચનાર માણસ ‘હજુ ૧૩૦૦ રૂપિયા અને ૯૦૦ કેટલાં થયાં? તે વધ્યાં છે’ તેમ જણાવે છે.

‘ખંડણી સ્પેશિયાલિસ્ટ’ જેઠીએ હાર્દિક વતી FIR નોંધેલી!

હાર્દિક પશ્ચિમ કચ્છનો લિસ્ટેડ બૂટલેગર છે. અનેકવાર પાસામાં જઈ આવેલો છે. ભૂતકાળમાં ‘મારા હપ્તા આઈજી અને એસપી સુધી જાય છે’ તેવી શેખી મારીને પ્રામાણિક અધિકારીઓના નામે ચરી ખાતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠેલી. હાર્દિક સહિતના બૂટલેગરોની લોકલ ક્રાઈમ બ્રાન્ચ સાથેની હપ્તાની સાંઠગાંઠ અંગે ગુજરાતના પોલીસ વડાથી લઈ ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરનાર એક યુવકને ભૂતકાળમાં એલસીબીના તત્કાલિન પીએસઆઈ હિતેશ જેઠીએ હાર્દિકની ફરિયાદ મારફતે ખંડણીના તથાકથિત કેસમાં ફીટ કરી દીધો હતો. 

જેઠીએ પોલીસના આવા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનારાં અનેક લોકોને ખંડણીના કેસોમાં ફીટ કરેલાં તે સૌને યાદ છે.

ભુજના વડવાળા ગામે સ્ટેટ મોનિટરીંગ સેલે ગત ફેબ્રુઆરીમાં જે ઐતિહાસિક ચાર કરોડનો દારૂ ઝડપેલો તેમાં જે બૂટલેગરો નાસી ગયેલાં તે જ બૂટલેગરોને જાણે કે લીલી ઝંડી મળી ગઈ હોય તેવો તાલ છે. વક્રતા એ છે કે મોટાભાગના બૂટલેગરો પોલીસ ચોપડે હજુ નાસતાં ફરે છે.

Share it on
   

Recent News  
રાપર નજીક મામાદેવના મંદિરમાં ગાંજાનું વાવેતરઃ ૧૪ લીલા છોડ સાથે પૂજારીની ધરપકડ
 
ભારતમાં પહેલીવાર મુંદરાથી ૧૮૨ કરોડના કેપ્ટાગોન ‘જિહાદી ડ્રગ્ઝ’નો જથ્થો ઝડપાયો