કચ્છખબરડૉટકોમ, ભુજઃ પશ્ચિમ કચ્છમાં દારુ જુગારના વકરેલાં દૂષણ, રાજકીય આકાઓને ખુશ કરવા તોડબાજ પોલીસ કર્મચારી સહિત રીઢા ચીટરોને જવા દેવા, લોકોની ફરિયાદો લેવામાં પોલીસ દ્વારા કરાતા અખાડા સહિતના અનેક મુદ્દે આમજનતા પરેશાન છે. પશ્ચિમ કચ્છના ધારાસભ્યો અને સાંસદ સૌ કોઈ ચૂપ બનીને બેહાલ જનતાનો તમાશો જોઈ રહ્યાં છે. ત્યારે, વ્યાપક લોક ફરિયાદો જોઈને હવે ખુદ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય લોકોની રજૂઆતો ફરિયાદો જાણવા ભુજ આવી રહ્યાં છે. ડીજીપી વિકાસ સહાયે આજે ટ્વિટ કરીને જણાવ્યું છે કે આવતીકાલે તેઓ ભુજની સત્તાવાર મુલાકાત લેશે અને ફરિયાદ નિવારણ માટે નાગરિકોને બપોરે ૩થી ૪ વાગ્યા દરમિયાન હરિપર રોડ ખાતે રેન્જ આઈજીની કચેરી ખાતે રૂબરૂ મળશે.
ગુજરાતના પોલીસ વડાને આમજનતાની ફરિયાદો સાંભળવા જિલ્લા કક્ષાએ આ રીતે દોડી આવવું પડે તે બાબત ખૂબ ગંભીર છે. ભૂતકાળમાં કોઈ ડીજીપી આ રીતે જિલ્લા કક્ષાએ નાગરિકોની ફરિયાદ સાંભળવા દોડી આવ્યાં હોય તેવું કદી બન્યું નથી.
વર્તમાન પોલીસ અધિકારીઓ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળવામાં થાપ ખાઈ રહ્યાં છે તે સંદેશ પણ આ બાબતથી પરોક્ષ રીતે સ્પષ્ટ થઈ રહ્યો છે. જે લોકોને તેમની રજૂઆત ફરિયાદો કરવી હોય તે આવતીકાલે શુક્રવારે સહાય સમક્ષ વિનાસંકોચ કરી શકશે.
Share it on
|