|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ નખત્રાણા તાલુકા પંચાયતની પ્રાથમિક ગ્રાહક ધિરાણ સહકારી મંડળીનો માનદ મંત્રી અને કારોબારી સભ્ય ઘનશ્યામભાઈ મનોરભાઈ પટેલ ભુજમાં ૨ લાખ ૮૦ હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીના છટકામાં આબાદ સપડાઈ ગયો છે. ઘનશ્યામ પટેલ વ્યવસાયે નખત્રાણાના મથલની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવે છે. એસીબીએ જણાવ્યું કે મંડળીના સભાસદોને વાર્ષિક ગિફ્ટ આપવા માટે ફરિયાદીને ગિફ્ટ આર્ટિકલ્સ સપ્લાય કરવા ઓર્ડર અપાયો હતો. ઓર્ડર મુજબ ફરિયાદીએ માલ સપ્લાય કરેલો અને ૭.૫૨ લાખનું બિલ આપ્યું હતું. સહકારી મંડળીના માનદ મંત્રી ઘનશ્યામ પટેલે બિલ મંજૂર કરવા પેટે ૨.૮૦ લાખ રૂપિયાના કમિશનની માંગણી કરી હતી.
જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરેલો. આજે લાંચની રકમ સ્વિકારવા માટે ઘનશ્યામ પટેલે ફરિયાદીને ભુજમાં વીડી પાસે આવેલી લોહાણા મહાજન વાડીમાં જલારામ લોજ પાસે બોલાવ્યો હતો. ભુજ એ.સી.બી. બોર્ડર એકમના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના સુપરવિઝનમાં ભુજ એસીબી પીઆઈ લાલજીભાઈ ચૌધરીએ લોજના ગેટ પાસે ટ્રેપ ગોઠવીને ઘનશ્યામને લાંચના રૂપિયા સ્વિકારતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. હાલ કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.
Share it on
|