|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ તાલુકાના કુકમા ગામે રહેતા લાંચ કેસના આરોપી ફાયર ઑફિસર અનિલ મારુએ મહિલા પોલીસ કર્મચારીની શારીરિક છેડતી, હત્યાના પ્રયાસના દાખલ થયેલા ગુનામાં નિયમિત જામીન મેળવવા હાઈકૉર્ટમાં અરજી કરી છે. આ અરજીની સુનાવણી દરમિયાન કૉર્ટે સમગ્ર મામલા અંગે પોલીસ વિભાગ પર વેધક ટીપ્પણી કરી છે. ફાયર ઑફિસર અનિલ મારુ પર હત્યાના પ્રયાસનો ગુનો
૧૭ ઓક્ટોબરના રોજ બપોરે ભુજોડી બસ સ્ટેશન પાસે મહિન્દ્રા સ્કોર્પિયો કાર લઈને જતી જખૌ પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ કોન્સ્ટેબલને અટકાવી, પોતાની સાથે સંબંધ રાખવા દબાણ કરીને અનિલે ફેંટ મારીને કારનો કાચ તોડી નાખી યુવતીનું ગળું દબાવેલું.
લેડી કોન્સ્ટેબલ ભાગવા જતા અનિલે તેની ક્રેટા કારથી યુવતીની કારને પાછળથી ટક્કર મારેલી.
ત્યારબાદ યુવતીને કારમાંથી બહાર ખેંચી કાઢી શારીરિક છેડતી કરીને એસિડ એટેક અને મારી નાખવાની ધમકી આપેલી. માધાપર પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો દાખલ કરેલો.
અનિલે લેડી કોન્સ્ટેબલ પર વળતી ફરિયાદ નોંધાવેલી
આરોપી અને ફરિયાદી બેઉ એક જ ફળિયામાં અડોશપડોશમાં રહે છે. સામા પક્ષે અનિલ મારુએ લેડી કોન્સ્ટેબલ આશા પાયણ, તેના પિતા ગોવિંદ અને ભાઈ વિશાલ સામે વળતી ફરિયાદ નોંધાવેલી.
અનિલે જણાવેલું કે આશાને તેણે અગાઉ ગુગલ પેથી રૂપિયા આપીને મદદ કરેલી. બનાવના દિવસે આશાએ ફરી તેની પાસે રૂપિયા માગેલા પરંતુ અગાઉ પોતાને બ્લેકમેઈલ કરીને આશાએ અનિલનો તેની પત્ની સાથે ઝઘડો કરાવ્યો હોઈ તેણે રૂપિયા આપવાનો ઈન્કાર કરેલો.
જેથી આશાએ પોતે અન્ય પોલીસ કર્મચારી વિરુધ્ધ કાર્યવાહી કરાવેલી તેવી જ રીતે તેને પણ ખોટાં કેસમાં ફસાવી દેવાની ધમકી આપેલી. આ દરમિયાન આશાના પિતા ગોવિંદભાઈ અને ભાઈ વિશાલે મોટર સાયકલથી ત્યાં આવી ચઢેલાં. તેમણે અનિલને આશા સાથે સારા સંબંધ રાખવા દબાણ કરીને કોલ્ડ્રીંક્સ પીવડાવેલું. તે પીધા પછી ત્રણે બાપ, બેટી, બેટાને અનિલને કારમાં બેસાડીને મારકૂટ કરેલી.
માધાપરના વિવાદાસ્પદ પૂર્વ PI પર ગંભીર આરોપ
હુમલામાં પોતાને ગંભીર ઈજા થઈ હોવાનું દર્શાવીને અનિલ મારુ હોસ્પિટલભેગો થઈ ગયેલો. માધાપર પોલીસે ૧૪ નવેમ્બરની રાત્રે અમદાવાદથી તેની ધરપકડ કરેલી. અનિલના ભાઈ અમરતે માધાપરના તત્કાલિન પીઆઈ ડી.એમ. ઝાલા પર ગંભીર આરોપ કરેલો કે ફરિયાદી મહિલા પોલીસ કર્મચારી હોઈ આ કેસમાં પીઆઈ અંગત રસ લઈને તેની તરફેણમાં કામ કરે છે. અનિલે રેગ્યુલર બેઈલ માટે અરજી કરતા ૨૮ નવેમ્બરે સેશન્સ કૉર્ટે અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ અનિલે હાઈકૉર્ટમાં અરજી કરી છે.
અંગત લાભ ખાતર પોલીસનો દુરુપયોગ ના થવો જોઈએ
અનિલની અરજી પર સુનાવણી કરતા હાઈકૉર્ટના જસ્ટિસ નિખિલ કેરિયલે વેધક ટીપ્પણી કરતાં જણાવ્યું કે અંગલ લાભ ખાતર કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ થવો જોઈએ નહીં. જો તમે કોઈની સાથે અંગત સંબંધ રાખ્યો હોય, આ સંબંધમાં ખટાશ સર્જાય તો પોલીસ ખાતા અને કાયદાકીય પ્રક્રિયાનો આ રીતે દુરુપયોગ થવો જોઈએ નહીં. જસ્ટિસે એકદમ સ્પષ્ટ જણાવ્યું હતું કે અંગત લાભ ખાતર પોલીસ તંત્રનો દુરુપયોગ ના જ થવો જોઈએ તે સંદેશ એકદમ સ્પષ્ટ રીતે જવો જોઈએ તેની ખાતરી કરો.
કાર પર સ્ક્રેચીસ પડ્યાં એટલે ૩૦૭ લાગે?
અનિલે લેડી પોલીસ કર્મીની સ્કોર્પિયો કારને ટક્કર મારેલી તેમાં કારને કેટલું નુકસાન થયેલું? તેનું પંચનામું કરેલું? તેવું પૂછતાં સરકારી વકીલે બચાવ કરેલો કે પોલીસ કર્મીને સામાન્ય ઈજા (સોફ્ટ ટિસ્યૂ ઈન્જરી) થયેલી. કારમાં લિસોટાં (સ્ક્રેચીસ) પડેલાં. જવાબ સાંભળીને જસ્ટિસે પ્રત્યુત્તર આપેલો કે શું સ્ક્રેચીસ પડેલાં છે એટલે હત્યાના પ્રયાસની કલમ લાગે? ફરિયાદી પોલીસ કર્મચારી છે એટલે ૩૦૭ લગાડી છે?
કોન્સ્ટેબલના ખાતામાં ૧.૭૭ લાખ જમા થયાં તે તપાસ કરી?
મહિલા પોલીસ કર્મી પર થયેલી ફરિયાદ અન્વયે અત્યાર સુધીમાં શું પગલાં લેવાયાં છે? શું તેણે આગોતરા જામીન અરજી દાખલ કરી છે? એક હેડ કોન્સ્ટેબલના ખાતામાં થર્ડ પાર્ટી દ્વારા ૧.૭૭ લાખ જમા થતાં હોય તો શું નિયમ મુજબ તેણે ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરવાની જરુર રહેતી નથી? આ નાણાંકીય ટ્રાન્ઝેક્શનની તપાસ થયેલી છે? તમારા પોલીસ અધિકારી સમજતાં નથી કે આ રૂપિયા કેમ આવે છે? એક કોન્સ્ટેબલ મહિન્દ્રા સ્કોર્પિયોમાં ફરે છે, શું અમે નથી સમજતાં કે આ બધું કેવી રીતે ચાલે છે?
આગામી સોમવારે થશે અંતિમ સુનાવણી
આ અગાઉ કેસની સુનાવણી સમયે જસ્ટિસે તપાસ પીઆઈના બદલે ડીવાયએસપીને સોંપવા સૂચન કરેલું. જે અન્વયે આજે ભુજના ડીવાયએસપી એમ.જે. ક્રિશ્ચિયન હાઈકૉર્ટમાં હાજર રહેલાં. કૉર્ટે આગામી ૧૫મી તારીખે લેડી કોન્સ્ટેબલ સામે શું પગલાં લેવાયા છે તે સહિતની નક્કર વિગતોના ફાઈનલ રિપોર્ટ સાથે પોલીસને હાજર રહેવા સૂચના આપી મુદ્દત પાડી છે.
Share it on
|