|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ માધાપરમાં તાંત્રિક વિધિના નામે ૧૯ વર્ષની અપરિણીત યુવતીને અર્ધ બેહોશ કરી શારીરિક છેડતી કરનારા હવસખોર તાંત્રિકની પોલીસે ધરપકડ કરી છે. શનિવારે બનેલા બનાવ અંગે યુવતીએ રવિવારે તાંત્રિક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી યુવતીએ કેટરર્સની બહેનો મારફત માધાપરના ગંગેશ્વર રોડ પર આવેલા ભક્તિ પાર્ક, જલારામનગર પાછળ રહેતા વિશાલ મા’રાજ નામનો તાંત્રિક ઘરમાં કોઈ ‘નડતર’ હોય તો વિધિ કરી આપતો હોવાનું જાણેલું. જેથી યુવતી તેની માતા, અન્ય પરિચિત સાથે શનિવારે વિશાલ મા’રાજના ઘેર આવેલી. આરોપીએ પ્રારંભે તેમના દુઃખ દર્દની વાતો જાણીને ઘરમાં નડતર હોવાનું કહીને વિધિ કરવાનું શરૂ કરેલું. થોડીકવાર બાદ અલગથી વિધિ કરવી પડશે તેમ કહીને યુવતીને ઘરની અંદરના રૂમમાં લઈ ગયેલો
અર્ધબેહોશ કરી કપડાં ઉતારવા કર્યો પ્રયાસ
યુવતીએ જણાવ્યું કે અંદરના રૂમમાં લઈ ગયા બાદ આરોપીએ ધુપ અગરબત્તીનો ધુમાડો કરીને યુવતીને સંમોહિત કરવા પ્રયાસ કરેલો. યુવતી અર્ધબેભાન જેવી થઈ ગઈ હતી. ત્યારબાદ વિશાલે દુષ્કર્મના ઈરાદે યુવતીના કપડાં ઉતારવા પ્રયાસ કરી શારીરિક અડપલાં કરવાનું શરૂ કરેલું. યુવતીએ તેનો પ્રતિકાર કરીને બહાર આવી ગયેલી.
પોતાને તાબે ના થયેલી યુવતી આ બાબત અંગે બીજા કોઈને વાત ના કરે તે હેતુ આરોપીએ ‘આ અંગે કોઈને વાત કરીશ તો તારા માતા કે પિતાનું મૃત્યુ થઈ જશે તેવી આ વિધિ છે’ તેમ કહી ડરાવવા ધમકાવવા પ્રયાસ કરેલો.
ઘટનાની ગંભીરતાને પારખીને પોલીસે આરોપી વિશાલ ચંદુલાલ મોતા (ઉ.વ. ૨૪, રહે. મૂળ. બાગ, માંડવી)ની અટક કરી, વિધિવત્ ફરિયાદ નોંધી સત્તાવાર ધરપકડ કરી લીધી છે. માધાપર પીએસઆઈ ડાભીએ જણાવ્યું કે કૉર્ટે તેને પાલારા જેલના હવાલે કર્યો છે.
ક્રાઈમ પેટ્રોલ જોઈને ગુનો આચરવાનું શરૂ કરેલું
આરોપીની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આરોપી વિશાલે કર્મકાંડ કરતા કરતા કથિત તાંત્રિક વિધિની દુકાન ખોલેલી. ક્રાઈમ સિરિયલ ‘ક્રાઈમ પેટ્રોલ’માં એક તાંત્રિક યુવતીઓને સંમોહિત અને બેહોશ કરીને ગુના આચરતો હોવાનો એપિસોડ જોઈને તેણે પણ તેનું અનુકરણ કરવાનું શરૂ કરેલું. યુવતીઓને અર્ધબેહોશ કરવા માટે તે પરફ્યુમ જેવા પદાર્થનો છંટકાવ કરતો હતો. વિશાલે અગાઉ આ રીતે અન્ય સ્ત્રીઓને પણ હવસનો શિકાર બનાવી હોય તેવી આશંકા છે.
Share it on
|