|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ વિધિ કરવાના બહાને યુવતીને એકાંતમાં લઈ જઈ સંમોહિત, અર્ધ બેહોશ કરી શારીરિક અડપલાં કરનારા માધાપરના તાંત્રિક વિશાલ મોતા (રાજગોર) ઊર્ફે વિશાલ મા’રાજ વિરુધ્ધ હવે ૨૦ વર્ષની પરિણીતાએ માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ભુજના મમુઆરા ગામની યુવતીએ જણાવ્યું કે જૂલાઈ ૨૦૨૪માં ઘરમાં બીમારી અને ઘરની અન્ય તકલીફોના લીધે તે માતા, પિતા અને ભાઈ સાથે વિશાલ મા’રાજને મળવા આવેલી. તે સમયે આરોપી માધાપર હાઈવે પર તુલસી હોટેલ સામે ટ્રેક્ટરના શૉરૂમના ઉપરના માળે રહેતો હતો. વાળ ખુલ્લાં કરાવીને ઝાપટો મારી અડપલાં કરતો
આરોપીએ તકલીફો દૂર કરવા માટે તાંત્રિક વિધિ કરવી પડશે તેમ જણાવેલું. આરોપી વિશાલ ફરિયાદીને અવારનવાર ઘરે એકલી બોલાવતો હતો. ફરિયાદી મળવા જાય ત્યારે તે કપાળે કંકુનો ચાંદલો કરીને મંત્રોચ્ચારના નાટક કરતો. ‘તારા શરીરમાં આત્મા છે, તેને બહાર કાઢવાની છે’ કહીને ઝાપટો મારતો. વાળ ખુલ્લાં કરાવતો અને વિધિના બહાને શારીરિક અડપલાં કરતો રહેતો.
બીક બતાડીને ૩.૧૧ લાખ રૂપિયા પડાવ્યાં
તાંત્રિક વિધિના નામે આરોપીએ ફરિયાદી મહિલા અને તેના પરિવારજનો પાસેથી ટુકડે ટુકડે ૩.૧૧ લાખ રૂપિયા પડાવી લીધા હતા. એટલું જ નહીં, રૂપિયા નહીં આપો તો તમને ઘરમાં ઘણી તકલીફો આવશે તેવી બીક બતાડતો રહેતો હતો. ગુનાનો સમયગાળો જૂલાઈથી સપ્ટેમ્બર ૨૦૨૪નો છે.
પોલીસની જેલમાંથી કબજો મેળવવા કવાયત્
માધાપર પોલીસે વિશાલ મોતા વિરુધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૭૫ ૧ (i), ૩૦૮ (૨) અને ૩૫૪ હેઠળ ખંડણી સહિતની કલમો તળે ગુનો દાખલ કર્યો છે. આરોપી હાલ પાલારા જેલમાં છે. માધાપર પો.સ.ઈ. બી.એ. ડાભીએ ગુનાની તપાસ માટે જેલમાંથી આરોપીનો કબજો લેવા તજવીજ હાથ ધરી છે.
Share it on
|