|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજમાં એરપોર્ટ રોડ પર આવેલી પોલીસ રહેણાક વસાહત છત્રીસ ક્વાર્ટર્સ ખાતે કોન્સ્ટેબલ પતિએ કોન્સ્ટેબલ પત્નીને જીવતી સળગાવવા પેટ્રોલ છાંટી, માતા સાથે બેડરૂમમાં પૂરી દઈ, LPG સ્ટવનો નૉબ ચાલું કરીને ભાગી ગયો હોવાનો બનાવ બન્યો છે. ભુજ એ ડિવિઝન પોલીસે હત્યાના પ્રયાસ, એટ્રોસિટી, ગોંધી રાખવા સહિતની કલમો તળે ગુનો દાખલ કર્યો છે. ફરિયાદી કિરણ તુલસીભાઈ સોલંકી નલિયા પોલીસ મથકમાં લોકરક્ષક દળ પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે અને નલિયામાં તેની માતા જોડે રહે છે. રથયાત્રા બંદોબસ્ત સમયે અલ્ફાઝ જોડે પ્રેમ થયેલો
અમદાવાદમાં રથયાત્રાના બંદોબસ્ત સમયે ગઢશીશા પોલીસ સ્ટેશનમાં લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા અલ્ફાઝ ઈકબાલ પંજા સાથે પરિચય થયેલો. પરિચય પ્રેમમાં પરિણમેલો અને બેઉ જણે અમરેલીમાં સ્પેશિયલ મેરેજ એક્ટ તળે લગ્ન કરી લીધા હતા. કિરણ નલિયા રહેતી હોઈ અલ્ફાઝ અવારનવાર નલિયા આવતો રહેતો તો કિરણ ઘણીવાર ગઢશીશા પતિને મળવા જતી. માતાને ઘૂંટણની સારવાર માટે અવારનવાર ભુજ આવવું પડતું હોઈ કિરણ ભુજમાં તેની બહેનપણીના છત્રીસ ક્વાર્ટરમાં આવેલા મકાનમાં માતા સાથે રહેવા આવી ગયેલી.
પતિને શેરમાં રોકાણ ના કરવા જણાવતાં ઉશ્કેરાઈ ગયો
લગ્ન બાદ ઘણાં સમયથી અલ્ફાઝ ઘર અને નોકરીની બાબતે વહેમ રાખીને કિરણની મારઝૂડ કર્યાં કરતો હતો. ગઈકાલે મંગળવારે સવારે કિરણે અલ્ફાઝનો મોબાઈલ ચેક કરતાં તેણે શેર માર્કેટમાં ૪૫ હજાર રૂપિયા રોક્યાં હોવાનું જાણવા મળતાં કિરણે તેને શેર માર્કેટમાં રોકાણ કરીને રૂપિયાનો બગાડ ના કરવા જણાવતાં અલ્ફાઝ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે જાતિવાચક અપશબ્દો બોલીને પત્નીની મારઝૂડ કરવાનું શરૂ કરેલું. સાસુ વચ્ચે પડ્યાં તો તેને પણ માર મારેલો.
પત્ની-સાસુને જીવતાં સળગાવી દેવા આ કૃત્ય આચર્યું
અલ્ફાઝના મગજમાં જાણે શૈતાન સવાર થઈ ગયેલો. પત્નીએ ઘરમાં રાખેલી અડધો લીટર પેટ્રોલ ભરેલી પ્લાસ્ટિકની બાટલી ખોલીને સળગાવી દેવાના ઈરાદે પત્ની પર પેટ્રોલ રેડી દીધું હતું. બાદમાં પત્ની અને સાસુને મુક્કા લાતોથી માર મારતો બેડરૂમમાં લઈ ગયેલો અને બેડરૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો.
ત્યારબાદ બહાર આવેલા રાંધણગેસના સ્ટવનો નૉબ ચાલું કરીને બેઉને જાનથી મારી નાખવાની ધમકી આપતો જતો રહ્યો હતો. આખા ઘરમાં ગેસ પ્રસરી ગયો હતો.
કિરણે જોરજોરથી દરવાજો પછાડતાં ઉપરના બ્લોકમાં રહેતા પડોશીએ નીચે દોડી આવીને દરવાજો ખોલ્યો હતો. સદભાગ્યે ઘરમાં આગ લાગી નહોતી. કિરણે સ્ટવનો નૉબ બંધ કરીને, ન્હાઈ ધોઈ કપડાં બદલાવી દીધા હતા. બનાવ અંગે તેણે પતિના પરિચિતને વાત કરતાં તેણે અલ્ફાઝને ફોન કરેલો. ત્યારે અલ્ફાઝે કિરણને જે કરવું હોય તે કરે હું કોઈથી ડરતો નથી તેવું જણાવ્યું હતું. હવે આની જોડે જીવતર નહીં જ જાય તેમ માનીને કિરણે પોલીસ મથકે પહોંચી પતિ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.
Share it on
|