આજે બનાસકાંઠા અને ભુજમાં પોલીસ પરિવારોએ મેવાણીના પટ્ટા ઉતરી જવાના બયાનના વિરોધમાં વિરોધ પ્રદર્શન કર્યાં હતા.
શિસ્તબધ્ધ દળ ગણાતાં પોલીસ ખાતામાં પોલીસ કર્મચારીઓ ડ્યુટી પર જતી વખતે જો કારમાં ગીત વગાડી ગણગણે તો સસ્પેન્ડ થાય છે, પૂર્વ કચ્છ પોલીસ દળમાં આવો બનાવ બની ચૂકેલો છે. એ જ રીતે, કોઈ બાબતે પોલીસ કર્મી વિરોધ કરે તો ડિસિપ્લનીરી ફોર્સના નામે સસ્પેન્ડ પણ થાય છે.
આજે બનાસકાંઠામાં યુનિફોર્મ ધારણ કરીને કેટલીક મહિલા પોલીસ કર્મચારીઓ ખુલ્લેઆમ મેવાણીનો વિરોધ કરતી વિવિધ વીડિયોમાં જોવા મળી છે.
જેથી, આ પ્રકારના વિરોધ પ્રદર્શનને અંદરખાને ઉપરથી છૂટ હોવાનો સૂચક સંદેશ ગયો છે.
LCB PSIએ વિવાદી શખ્સનો વીડિયો પોસ્ટ કર્યો
ભુજ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઈન્સ્પેક્ટર હિતેશ જેઠીએ આજે લોકલ ક્રાઈમ બ્રાન્ચે મીડિયાને માહિતી આપવા બનાવેલા વોટસએપ ગૃપમાં મેવાણીના નિવેદન સામે પોલીસ ખાતાનું સમર્થન કરતાં એક શખ્સની વીડિયો ક્લિપ પોસ્ટ કરતાં ખુદ પોલીસ ખાતાના લોકો જ માથું ખંજવાળી રહ્યાં છે. કારણ કે, આ શખ્સ સહિતના પંદર લોકોના ટોળાં સામે ૯ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ માધાપર પોલીસ મથકે ઘેટાં બકરાં લઈ જતી ટ્રકના ડ્રાઈવર સહિતના ત્રણ જણ પાસે જીવદયાપ્રેમીના નામે રૂપિયાની માંગણી કરીને, ધોકાથી ઘાતક હુમલો કરી ૩૦ હજાર રુપિયાની લૂંટ ચલાવી હોવાની ગંભીર કલમો તળે ફરિયાદ નોંધાયેલી.
એ જ રીતે, આ શખ્સ સહિતના બે લોકો સામે પત્રકારના નામે ભુજના નાડાપા ગામે ૧.૨૦ લાખનો તોડ કર્યો હોવાની પધ્ધર પોલીસ મથકે મે ૨૦૨૧માં ફરિયાદ નોંધાઈ હતી.
આવા વિવાદી અને ગંભીર ગુનાના આરોપી પોલીસ ખાતાને સમર્થન આપતું બયાન આપે અને લોકલ ક્રાઈમ બ્રાન્ચનો જવાબદાર અધિકારી તેને પ્રમોટ કરે તેનાથી સામાન્ય જનતામાં શો સંદેશ જાય છે તે સૌ પોત પોતાની સમજ મુજબ નક્કી કરે.
મેવાણી, લાલજીભાઈ અને રાજુલા MLAના નિવેદન ચર્ચામાં
જિજ્ઞેશ મેવાણીના બયાનના વિરોધના પ્રત્યાઘાત સામે સોશિયલ મીડિયા પર જબરો જંગ છેડાયો છે. સોશિયલ મીડિયા પર મેવાણીએ એક બે દિવસ અગાઉ અંબાજી ખાતે આપેલું વધુ એક સ્ટેટમેન્ટ વાયરલ થયું છે. જેમાં તે ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના પટ્ટા ઉતરશે અને ઉતરશે જ તેવું ભારપૂર્વક કહે છે. બીજી તરફ, ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતા લાલજી દેસાઈએ પણ સમગ્ર મામલે વ્યક્ત કરેલા વેધક વિધાનોનો વીડિયો ભારે વાયરલ થયો છે. ત્રીજી તરફ, રાજુલાના ભાજપના ધારાસભ્યએ ત્રણેક વર્ષ અગાઉ કોઈક બનાવમાં પોલીસ કર્મચારીઓના પટ્ટા ઉતરી જવાની કરેલી કથિત ધાકધમકીનો જૂનો વીડિયો પણ વાયરલ થયો છે. લોકો પૂછી રહ્યાં છે આની સામે કેમ વિરોધ નહોતો થયો?