|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ૬ વર્ષ અગાઉ ૧ કરોડ ૯૩ લાખની કિંમતના અંદાજે બે કિલો જેટલાં બ્રાઉન સુગર/ હેરોઈન સાથે ઝડપાયેલા માંડવીના ત્રણ યુવકોને આજે ભુજની વિશેષ કૉર્ટે ૨૦ વર્ષની સખ્ત કેદ સાથે બબ્બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ત્રણે પાસેથી મળી આવેલો માદક પદાર્થનો જથ્થો હજારો યુવાનોના જીવનને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે અને આ ગુનો માત્ર કાયદા વિરુધ્ધનો નહીં પરંતુ સમાજ વિરોધી છે તેમ જણાવી સ્પે. જજ વિરાટ બુધ્ધે ત્રણે જણને મહત્તમ સજા ફટકારી છે. જાણો શો હતો સમગ્ર કેસ
બાતમીના આધારે અમદાવાદ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડની ટીમે ૨૮-૦૭-૨૦૧૯ના રોજ માંડવીના કોડાય ત્રણ રસ્તા પર વૉચ ગોઠવીને બાઈક પર માદક દ્રવ્ય લઈને વેચવા માટે ભુજ જઈ રહેલા નાદીર હુસેન ઊર્ફે રાજા અબ્દુલ સત્તાર સમેજા (રહે. જબલેશ્વર કોલોની, માંડવી) અને કાઠડા ગામના ઉમર હુસેન વાધેરને ૯૬.૬૦ લાખના ૯૭૬ ગ્રામ બ્રાઉન સુગર સાથે ઝડપી પાડ્યાં હતા.
બેઉની પૂછપરછમાં બહાર આવેલું કે ડ્રગ્ઝનો જથ્થો તેમને ઈમરાન અબ્દુલ કાદર મણિયાર (રહે. છાપરા શેરી, કે.ટી. શાહ રોડ, માંડવી) વેચવા આપ્યો હતો. ડ્રગ્ઝનો જથ્થો માંડવીના કાંઠેથી મળી આવેલો.
જેથી ATSએ ત્રીજા દિવસે ઈમરાનની અટક કરી તેની માસી અફસાના મણિયારના ઘરમાંથી વધુ ૯૬ લાખ ૫૦ હજાર રૂપિયાની કિંમતનું ૯૬૫ ગ્રામ ડ્રગ્ઝ જપ્ત કર્યું હતું.
કૉર્ટે ગુનાને ગંભીર ગણી મહત્તમ સજા ફટકારી
આ ગુનામાં આજે ભુજની વિશેષ અદાલતે ત્રણે જણને NDPS Actની કલમ ૮ (c), ૨૧ (c) અને ૨૯ હેઠળ દોષી ઠેરવી વીસ વીસ વર્ષની સખ્ત કેદ સાથે બે-બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એટીએસના તત્કાલિન પીઆઈ વી.આર. મલ્હોત્રાએ બાતમીના આધારે રેઈડ કરીને ડ્રગ્ઝનો જથ્થો જપ્ત કરેલો. ગુનાની તપાસ એટીએસના તત્કાલિન પીઆઈ એચ.પી. પાલિયાએ કરી હતી. આ કેસમાં સરકાર તરફે અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશ એ. મહેશ્વરીએ દલીલો કરી હતી.
Share it on
|