|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજની ધોબી શેરીમાં સોના ચાંદીના ઘરેણાં પૉલિશ કરવાનું કામ કરતા અમજદઅલી અલ્લાહરખા શેખને તેનો ભાણેજ ‘મામુ’ બનાવીને ૨૭.૮૨ લાખના સોનાના ઘરેણાં ચોરી ફરાર થઈ ગયો છે. અમજદ ભુજના બાપા દયાળુનગર-1માં બનેવી આબિદઅલી ફકીરમામદ શેખના પરિવાર સાથે છેલ્લાં દસ વર્ષથી રહે છે. સાળો બનેવી ધોબી શેરીમાં સોના ચાંદીના ઘરેણાં પૉલિશ કરવાનું કામ કરે છે. આબિદના પુત્રના નિકાહ હોઈ તે વતન પશ્ચિમ બંગાળના હુગલી ગયો છે. અમજદે મદદ માટે સુરતમાં રહીને દાગીનાની પૉલિશ કરવાનું કામ કરતા ભાણેજ બાદશાહ અલી ઈદ્રીશઅલી શેખને ભુજ બોલાવ્યો હતો. છેલ્લાં દસ દિવસથી બાદશાહ મામા સાથે દુકાને કામ કરતો હતો.
ગ્રાહક અરજન્ટમાં પૉલિશ કરાવવા ઘરેણાં આપી ગયેલો
ગઈકાલે સોમવારે અમજદની દુકાને કાયમી ગ્રાહક જેનિસ પ્રતાપભાઈ પોમલ સોનાના ૪ હાર, સોનાની બે પાયલ અને એક પેન્ડન્ટ લઈને અરજન્ટમાં પૉલિશ કરાવવા આવેલો. જેનિસને બીજા દિવસે સવારે ઘરેણાં જોઈતા હતા. મામા ભાણેજે રાત્રે ૧૧ વાગ્યા સુધી તમામ ૧૯૭.૪૬ ગ્રામના સોનાના ઘરેણાંની પૉલિશ કરેલી અને સવારે જ ડિલિવરી આપવાની હોઈ અમજદે બધા ઘરેણાં પોતાની સાથે લઈને ઘરે આવીને તીજોરીમાં મૂકી હેન્ડલ લૉક કરી દીધું હતું.
ઘરેણાં ચોરી મામાની નજર સમક્ષ ભાણેજ ફરાર
આજે સવારે અમજદ ઉઠ્યો હતો અને આઠ વાગ્યે રસોઈ બનાવતો હતો. તે સમયે ભાણેજ બાદશાહ ફોન પર વાતો કરતો કરતો ઘરની બહાર નીકળ્યો હતો. લાંબો સમય થયાં બાદ બાદશાહ ઘરે આવ્યો નહોતો. અમજદે તીજોરી ખોલી ચેક કર્યું તો રાત્રે મૂકેલાં ઘરેણાં ગાયબ હતા. અમજદનો ફોન બંધ થઈ ગયો હતો.
પોલીસે ગાંધીધામથી બાદશાહને પકડી પાડ્યો
ઘરાકના ૨૭.૮૨ લાખના ઘરેણાં ચોરીને ભાણિયો ફરાર થઈ જતાં મામાના પગ નીચેથી ધરતી સરકી ગઈ હતી. સ્વસ્થ થયાં બાદ પડોશી જોડે ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશને હાંફળો ફાંફળો થઈ દોડી આવ્યો હતો. પોલીસે ગુનો દાખલ કરીને તુરંત જ એક્ટિવ થઈને બાદશાહને ટ્રેસ કરવા ચક્રો ગતિમાન કર્યાં હતા. દરમિયાન, દાગીના ચોરીને નાઠેલો બાદશાહ ગાંધીધામ હોવાનું ટ્રેસ થતાં તેને ત્યાંથી દબોચી લેવાયો છે અને ચોરીના દાગીના રીકવર કરી લેવાયાં છે. પીએસઆઈ એમ.એચ. પટેલ ઘટનાની તપાસ કરી રહ્યાં છે.
Share it on
|