|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ માનકૂવા પોલીસે ગૌવંશની કતલના આરોપસર પકડેલાં દહીંસરા ગામના બે સગાં ભાઈને કાવતરાંથી અમે ત્રણ જણે ફસાવ્યાં હોવાની કબૂલાત કરતો કેબલ ચોરી કરતાં પકડાયેલાં ગામના જ એક યુવકનો વીડિયો વાયરલ થતાં મુસ્લિમ સમાજ લાલઘૂમ થઈ ગયો છે. પોલીસે જ બે નિર્દોષ ભાઈઓને ફસાવવાનું કાવતરું ઘડ્યું હોવાની રજૂઆત કરી અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિએ નિર્દોષ યુવકોને તત્કાળ છોડી મૂકવા અને કૌમી સૌહાર્દ ડહોળવા પ્રયાસ કરનાર જવાબદાર લોકો સામે કડક પગલાં લેવા એસપી સમક્ષ માગ કરી છે. કોંગ્રેસના આગેવાન હાજી જુમા રાયમાએ પણ ઘટનાની તટસ્થ તપાસ કરવાની એસપી સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું છે કે જો વીડિયોવાળી ઘટના સત્ય હોય તો તે પાલીસ માટે શરમજનક છે. જે ગુનેગારો છે તેને સજા કરવામાં આવે અને નિર્દોષ માલધારી પર થયેલ કેસ પાછો ખેંચી પોલીસે જપ્ત કરેલાં તેમના પશુઓ પરત કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે દહીંસરા ગ્રામ પંચાયતના સરપંચ ઉપ સરપંચ સહિતના આગેવાનો પણ માનકૂવા પોલીસે પકડેલાં બેઉ ભાઈ નિર્દોષ હોવાનું જણાવીને તેમને છોડી મૂકવા લેખીત રજૂઆત કરી ચૂક્યાં છે.
બીજી તરફ, જે યુવકે કબૂલાત કરી છે તેને માર મારીને કબૂલાત કરાવાઈ હોવાનું જણાવી માનકૂવા પોલીસ પોતે કરેલી કામગીરી સાચી હોવાનો દાવો કરી ચૂકી છે.
પોલીસનું કાર્ય દેશના નાગરિકો કાયદાનું પાલન કરે તે જોવાનું અને કાયદાનું ઉલ્લંઘન કરનારને શિક્ષા થાય તે માટે ન્યાયની અદાલત સમક્ષ પ્રસ્તુત કરવાનું છે. કાયદાનું ઉલ્લંઘન કરનાર અથવા ગુનો કરનાર વ્યક્તિના ગુના અંગેની હકીકતો શોધી તેને ન્યાય માટે કૉર્ટ સમક્ષ રજૂ કરવાનું છે.
પોલીસ તપાસનો હેતુ સત્ય શોધવાનો છે
પોલીસની તપાસનો ઉદ્દેશ સત્ય શોધવાનો છે, નહીં કે ફરિયાદમાં કરાયેલા આરોપ મુજબ તેને ગુનેગાર તરીકે જ ફીટ કરી દેવાનો. પોલીસની ફરજ છે કે નિર્દોષને હેરાનગતિ ના થાય અને ગુનેગાર છટકી ના જાય. જ્યારે આ પ્રકારનો વિવાદ થાય ત્યારે ખરેખર તો અન્ય ડિવિઝનના ડીવાયએસપી સમકક્ષના અધિકારી પાસે આવી ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરાવવી જોઈએ.
સમગ્ર મામલે કેટલાંક મહત્વના પ્રશ્નો ઉદભવે છે. જે નિષ્પક્ષ તપાસમાં જ બહાર આવી શકે છે.
♦કેબલ ચોરી કરતાં પકડાયેલા દિનેશ કોલીના વાયરલ વીડિયોમાં પ્રશ્ન પૂછનાર તેને દહીંસરાના કતલના મુદ્દે ‘તમે કોણ કોણ ભેગાં છો?’ તેમ પૂછે છે. સ્વયંસ્પષ્ટ છે કે પ્રશ્ન પૂછનાર અને સંભવતઃ સાથે રહેલાં અન્ય લોકો વાછરડાંની કતલના કેસની પડદા પાછળની સાચી ‘સ્ટોરી’ની અસલિયતથી વાકેફ છે.
♦જો માર મારીને આરોપી પાસે ખોટી રીતે કબૂલાત કરાવાઈ હોય તો પોલીસની કાર્યવાહી પર સંદેહ સર્જવાના કરતૂત બદલ માર મારનાર અને પ્રશ્નોત્તરી કરનાર લોકો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કેમ કરાઈ નથી?
♦આરોપી એક પટેલની વાડીમાં કેબલ ચોરી કરવા ઘૂસેલો અને પટેલ ખેડૂત સહિતના લોકોએ તેને રંગેહાથ ઝડપેલો. બંને સમાજના લોકોની હાજરીમાં જ સ્થળ પર તેની મારકૂટ કરાયેલી અને દહીંસરાકાંડ અંગે પ્રશ્નોત્તરી કરાયેલી.
♦સામાન્યતઃ ગૌવંશ હત્યાના કેસમાં પોલીસ કદાપિ એફઆઈઆરને ઈ ગુજકોપના ઓનલાઈન પોર્ટલ પર ‘સંવેદનશીલ’ જાહેર કરતી નથી. પરંતુ, આ બનાવમાં માનકૂવા પોલીસે આ ઘટનાની ફરિયાદને ‘સંવેદનશીલ’ જાહેર કરી હોઈ ફરિયાદને લગતી વિગતવાર માહિતી પબ્લિક ડોમેઈનમાં ઉપલબ્ધ નથી. ફક્ત પોલીસે બીજા દિવસે આરોપી ભાઈઓના ફોટો સાથે જાહેર કરેલી પ્રેસનોટ અને તેમાં રજૂ કરેલી નિયંત્રિત અને ઈચ્છિત માહિતી જ પબ્લિક ડોમેઈનમાં ઉપલબ્ધ છે. માનકૂવા પોલીસે આ એફઆઈઆર કોને પૂછીને સંવેદનશીલ તરીકે દર્શાવી? શા માટે?
♦દરોડા સમયે હાજર પંચો, સાક્ષીઓ અને તેમના નિવેદનો, ઈ સાક્ષ્યમાં કરાયેલાં રેકોર્ડીંગનું પુનઃઅવલોકન ઊંડાણપૂર્વકની તપાસમાં ખૂબ દિશાસૂચક બની રહે તેમ છે
♦વાયરલ વીડિયોની કબૂલાત મુજબ દિનેશ અને તેના સાગરીતોએ વાછરડાંની કતલ ક્યાં કરેલી? પોલીસે પકડેલાં આરોપીઓની વાડામાં જ કે અન્યત્ર?
♦જો વાછરડાંની કતલ અન્યત્ર કરાયેલી તો પોલીસે વાડામાં જ્યાંથી કપાયેલું વાછરડું કબજે કરેલું ત્યાં કેટલું લોહી હતું? કારણ કે આવા પ્રકારના વિવાદમાં સ્થળ તપાસનું ઝીણવટપૂર્વકનું વૈજ્ઞાનિક અવલોકન અને સ્થળ પર રહેલી લોહીની માત્રા ખૂબ ચાવીરૂપ પુરાવો બની રહે છે
♦કતલ પૂર્વે જો વાછરડાંને બાંધવામાં આવેલું તો શેનાથી બાંધવામાં આવેલું? તે રસ્સી કે દોરી ક્યાં?
♦કતલ કરાયેલું વાછરડું ક્યાંથી આવ્યું હતું? તે દિશામાં પોલીસ તપાસ મહત્વની બની રહેશે.
♦સામાન્યતઃ પશુઓની કતલ કરવા માટે નાનાં મોટાં છરાં, છરી કે કોયતા - કુહાડી, બાંધવા માટે રસ્સા કે રસ્સી, માંસને ઢાંકવા કે પેક કરવા માટે કોથળાં યા પ્લાસ્ટિકની મોટી બેગ્સ વપરાતી હોવાનું ગેરકાયદે કતલના મોટાભાગના કેસોમાં સ્થળ પરથી જપ્ત કરાતું હોય છે. પરંતુ આ કિસ્સામાં પોલીસની પ્રેસનોટ મુજબ પોલીસે આરોપીઓ પાસેથી કેવળ એક છરી કબજે કરી હતી!
♦માનકૂવા પોલીસે વાડામાં ગૌવંશના અન્ય નાનાં મોટાં ૮૫ જીવો બાંધવામાં આવેલાં તેને પણ મુક્ત કરાવેલાં અને પાંજરાપોળ મોકલી આપેલાં. ગુજરાત પોલીસના ઈતિહાસમાં આજ દિન સુધી કદી કોઈ એવી રેઈડ નોંધાઈ છે કે જેમાં ગેરકાયદે કતલ કરનારાઓએ કોઈ જ બીક વગર વાડામાં બે પાંચ નહીં પણ ૮૫ ગૌવંશ જીવો બાંધી રાખ્યાં હોય? આટલાં બધા ઢોર માલધારી પાસે જ હોય તે મુદ્દો પણ સહજ રીતે સમજાય છે.
♦પોલીસના દાવા મુજબ ધારો કે આ ૮૫ ઢોર કતલ માટે બાંધી રખાયેલાં તો તે ઢોર ક્યારે લવાયેલાં અને ક્યાંથી લવાયેલાં તે શોધવું પણ ખૂબ જરૂરી છે
♦ગુનેગાર કોણ છે તે નક્કી કરવાનું કામ કૉર્ટનું છે પરંતુ તેનો અર્થ એવો પણ નથી કે નિર્દોષ લોકોને ખોટાં આરોપમાં ફીટ કરી જેલમાં ધકેલી દેવાય. ખરેખર તો કોઈ નિર્દોષ ખોટી રીતે ફીટ ના થાય તે જોવાની પ્રાથમિક અને પાયાની જવાબદારી પણ પોલીસની જ છે
♦કેબલ ચોરી કરતાં પકડાયેલાં દિનેશ કોલીનું નિવેદન કાયદાની નજરે એક્સ્ટ્રા જ્યુડિસિયલ કન્ફેશન છે. કૉર્ટમાં પુરાવા તરીકે તે રજૂ થઈ શકે (એડમિસિબલ) છે
♦આ ઘટનાએ વર્ષો અગાઉ જ્યારે નિવૃત્ત આઈપીએસ ઑફિસર એ.કે. સિંઘ કચ્છના એસપી હતા ત્યારે બરાબર પંદર ઑગસ્ટના દિવસે દહીંસરામાં જ એક વાડીમાં મૃત ગાયનું આંચળ કાપીને ચોક્કસ લત્તામાં ફેંકી કૌમી સંવાદિતા ડહોળવાનો જે પ્રયાસ થયેલો તે ઘટનાની યાદ તાજી કરાવી દીધી છે. ત્યારે પણ આજની ઘટના જેવો વિવાદ સર્જાયો હતો. યોગાનુયોગ ત્યારે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવતી હતી.
Share it on
|