કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજમાં વિશાળ સંખ્યામાં હિંદુ અને મુસ્લિમ સમાજે એકઠાં થઈને ભુજના દહીંસરા ગામમાંથી માનકૂવા પોલીસે વાછરડાંની કતલના ગુનામાં પકડેલાં બે સગાં ભાઈ સંપૂર્ણ નિર્દોષ હોવાના મુદ્દે એકસૂરે રજૂઆત કરી છે. ‘ચોર પોલીસનો ખેલ, માલધારીને જેલ’ ‘ક્યાં છે સરકાર? માલધારી પર અત્યાચાર’ ‘પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરો’ ‘ચોર બને બાતમીદાર ને પોલીસ ગાયોની રખેવાળ?’ વગેરે સૂત્રો લખેલાં બેનર સાથે લોકોએ શાંતિપૂર્ણ રીતે એસપી કચેરીએ એકઠાં થઈ વિરોધ દર્શાવ્યો હતો.
વિરોધ પ્રદર્શન બાદ આગેવાન પ્રતિનિધિઓએ ઈન્ચાર્જ એસપી ગૌતમ વિવેકાનંદનને રૂબરૂ મળીને કતલના આરોપમાં પકડાયેલાં દહીંસરાના બેઉ ભાઈ માલધારી હોવાના અને કેબલ ચોર ગેંગે પોલીસ જમાદારના કહેવાથી કાવતરું ઘડીને તેમને ખોટી રીતે ફસાવ્યાં હોવાની રજૂઆત કરી હતી.
બેઉ ભાઈ પેઢીઓથી દૂધનો વ્યવસાય કરતાં હોવાનું સૌએ એકસૂરે જણાવ્યું હતું. પોલીસે વાડામાં રહેલાં ૮૫ અબોલ જીવોને કતલના હેતુથી બાંધી રખાયાં હોવાનું જણાવી તેમને પાંજરાપોળ મોકલી આપ્યાં હતા!
ઉલ્લેખનીય છે કે પોલીસ કાર્યવાહીના બે દિવસ બાદ નજીકના વેકરા ગામે વાડીમાં કેબલ ચોરી કરવા ઘૂસેલાં દિનેશ કોલીને લોકોએ રંગેહાથ પકડ્યાં બાદ, હિંદુ મુસ્લિમ સમાજના લોકોની હાજરીમાં પોતે અને અન્ય ત્રણ જણે ભેગાં મળીને કાવતરું રચીને વાછરડું કાપ્યું હોવાનું અને પોલીસને બાતમી આપ્યાં બાદ પોલીસે બેઉ ભાઈને પકડ્યાં હોવાની કબૂલાત કરતો વીડિયો વાયરલ થયાં બાદ પોલીસની કામગીરી પર ઘેરો સંદેહ સર્જાયો છે.
માનકૂવા પોલીસે દરોડાને લગતી આપેલી વિગતોના મુદ્દા પણ અનેક સંદેહ સર્જે છે. રજૂઆતના પગલે સમગ્ર કેસની તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્ચને સુપરત કરાય તેવી શક્યતા છે.
સ્થાનિક સ્વરાજ્યની તોળાતી ચૂંટણીઓ વચ્ચે અચાનક આ વિવાદ ઘેરો બન્યો છે. નેતાઓના ફેંકેલા ટુકડાં પર પોતાની રાજકીય કારકિર્દી બનાવવા નીકળેલાં અને પોતાને ધર્મના ઠેકેદાર માની બેસેલાં છાપેલાં કાટલાં જેવા અમુક તત્વો પણ તેમના રાજકીય રોટલાં શેકવા મેદાને ઉતરતાં શંકા કુશંકા વધુ પ્રબળ બની રહી છે.
Share it on
|