કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજમાં મટન શોપ ચલાવતા ૨૫ વર્ષિય અપરિણીત યુવકનો કહેવાતી પરિણીત સ્ત્રી સાથે ફોટો પાડીને ૨૨ લાખ રૂપિયા પડાવવાના ગુનામાં ભુજના કોંગ્રેસી નગરસેવક અબ્દુલ્લ હમીદ સમા સાથે મુંદરાના કોંગ્રેસી હરિસિંહ જાડેજાની સંડોવણી સામે આવી છે. આ ગુનામાં હરિસિંહે નકલી પોલીસ બનીને ગુનાનો ભોગ બનનાર યુવકને ફોન કર્યો હોવાનું તપાસમાં સ્પષ્ટ થયું છે. પોલીસે ગુનાના સૂત્રધાર અબ્દુલ્લ હમીદ સમા, હરિસિંહ જાડેજા અને સરફરાઝ ખાટકીની ધરપકડ કરી લીધી છે. માત્ર દોઢ કલાકની મુલાકાત બની મુસીબત
ગુનાનો ભોગ બનનાર મહેબુબ શબ્બિર ખાટકીએ પોલીસને જણાવ્યું કે ૧૭ નવેમ્બરના રોજ તેને બાબુ કી જાન નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ફ્રેન્ડ રીક્વેસ્ટ આવેલી. આ એકાઉન્ટ હતું મુસ્કાન નામની યુવતીનું. બીજા દિવસે વોટસએપ નંબરની આપ લે થયેલી અને પછી વાતચીતનો દૌર શરૂ થયેલો.
અઠવાડિયા બાદ ૨૫ નવેમ્બરે મુસ્કાને મહેબુબને ફોન કરીને પોતે માધાપર બસ સ્ટેન્ડ હોવાનું જણાવી તેને મળવા માંગતી હોવાનો ફોન કરેલો.
મહેબુબ તેની બુલેટ લઈને મુસ્કાનને મળેલો અને બેઉ જણ શાંતિથી વાતો કરવાના હેતુથી ભુજ હિલ ગાર્ડનમાં આવ્યાં હતાં.
દોઢેક કલાક વાતો કરીને બેઉ પરત નીકળતાં હતા ત્યાં હિલ ગાર્ડનના ગેટ પર એક મૂછવાળો શખ્સ ઉભેલો હતો. મુસ્કાને આ શખ્સ પોતાનો કાકાજી સસરાં હોવાનું જણાવતાં મહેબુબ ગભરાઈ ગયેલો.
આ શખ્સે બેઉ સામે ઈશારો કરતાં મહેબુબ ફટાફટ મુસ્કાનને બુલેટ પર બેસાડીને ત્યાંથી પરત માધાપર ઉતારી ગયો હતો. મુસ્કાનને માધાપર લઈ આવતો હતો ત્યારે રસ્તામાં મુસ્કાનને ફોન પર ફોન આવતાં હતાં. જેમાં વાત કરનાર ‘અમને તે છોકરો જોઈએ છે’ તેમ બોલાતું હતું અને મુસ્કાને તે મહેબુબને સંભળાવેલું.
મુસ્કાન સાથેનો ફોટો મોકલી કહ્યું તેના ઘરવાળા તને શોધે છે
ડરી ગયેલો મહેબુબ મુસ્કાનને માધાપર ઉતારીને સીધો લખુરાઈ ચોકડી આવ્યો હતો. હજુ તેનો શ્વાસ બેઠો નહોતો કે ફળિયામાં રહેતા સરફરાઝ ખાટકીનો ફોન આવેલો.
સરફરાઝે તેને પૂછ્યું હતું કે ‘તું કોઈ છોકરીને મળવા ગયેલો? તું કોઈ છોકરી જોડે બેઠો હોય તેવો ફોટો મને ધારાનગરમાં રહેતા હમીદ સમાએ મોકલ્યો છે. છોકરીનો કાકા તમને જોઈ ગયો છે, છોકરીના ઘરવાળા બહુ ખરાબ છે અને તને ગોતે છે’
સરફરાઝે મહેબુબને તે ફોટો મોકલી આપ્યો હતો. ગભરાઈ ગયેલાં મહેબુબે સરફરાઝને મળવા માટે લખુરાઈ ચોકડી બોલાવેલો અને મિત્ર અફીદ ચાકીને પણ બોલાવી લીધો હતો.
મુલાકાત બાદ મુસ્કાને જણાવ્યું ‘મને ઘરેથી કાઢી મૂકી છે’
થોડીવાર બાદ સરફરાઝ લખુરાઈ ચોકડી આવેલો. તેણે ત્યાંથી હમીદ સમાને ફોન કરતાં હમીદે તેમને પોતે એલસીબી ઑફિસ બહાર ઊભો હોવાનું જણાવીને મળવા માટે ત્યાં બોલાવ્યાં હતાં. ત્રણે જણ ત્યાં જતા હતા ત્યારે રસ્તામાં મહેબુબને મુસ્કાનનો ફોન આવેલો. મુસ્કાને જણાવેલું કે ‘મને ઘરમાંથી કાઢી મૂકી છે’ એલીસીબી ઑફિસ બહાર હમીદ અને અબ્બાસ ખાટકી બેઉ ઊભાં હતાં. હમીદે મહેબુબ પાસેથી મુસ્કાનનો નંબર મેળવીને તેની જોડે વાત કરતાં મુસ્કાન પોતે બસમાં બેસીને અંજાર જતી હોવાનું જણાવેલું. જેથી તમામ લોકો મુસ્કાનને મળવા અંજાર જવા નીકળેલાં.
૧૯ લાખ રૂપિયામાં પતાવટ કરવા નક્કી કરાયું
આદિપુર તોલાણી ચાર રસ્તા ખાતે મુસ્કાન તેમને મળેલી. મુસ્કાને તેમને કહેલું કે ‘મને મારા પતિએ ઘરમાંથી કાઢી મૂકી છે, હવે ક્યાં જાઉં?’ હમીદે મહેબુબને મુસ્કાન માટે ઘર લઈ આપવા જણાવેલું.
અચાનક બલેનો કારમાં મુસ્કાનનો પતિ મામદ નોડે આવ્યો હતો.
મામદ મહેબુબ જોડે ઝઘડવા માંડતા હમીદ તેને શાંત પાડીને સાઈડમાં લઈ ગયો હતો. બાદમાં સરફરાઝ, હમીદ, મામદ અને મુસ્કાન અંદરોઅંદર વાતો કરવા માંડેલાં. મામદે તેના મોબાઈલમાં બધાના વીડિયો રેકોર્ડ કર્યા હતા. ‘મને મારી બાયડી જોઈતી નથી, હવે આની જવાબદારી તારી છે’ કહીને ત્યાંથી ગાડી લઈને મામદ જતો રહેલો. મુસ્કાનને લઈ બધા પરત ભુજ આવેલાં. હમીદે મુસ્કાન માટે ઘર ખરીદવા માટે પાંત્રીસ લાખ થશે, પૈસા આપી દે તો મામલો પતી જશે તેમ જણાવીને મહેબુબને રૂપિયા આપવા દબાણ કરેલું. રકઝકના અંતે ૧૯ લાખ રૂપિયામાં પતાવટ કરવાનું નક્કી થયેલું.
યુવકને આ રીતે સતત ટેન્શનમાં રખાયેલો
મહેબુબે તે જ રાત્રે ઘરમાથી અઢી લાખ રોકડાં અને મહેરુન પાર્કના પ્લોટનો દસ્તાવેજ ખાતરી માટે હમીદને આપી બાકીનો હિસાબ સવારે પતાવી દેવાનો વાયદો કરેલો. હમીદ મુસ્કાનને માંડવી મૂકવા જાઉં છું કહીને તેને લઈ રવાના થયેલો. મહેબુબને ટેન્શનમાં રાખવા થોડીકવાર બાદ સરફરાઝે તેને ફોન કરીને જણાવેલું કે મુસ્કાન બીમાર પડી ગઈ છે અને જી.કે. જનરલમાં દાખલ કરાઈ છે, તું સવારે મેટર પતાવી દેજે કહીને મુસ્કાનને હોસ્પિટલમાં બાટલો ચઢતો હોય તેવા ફોટો મોકલેલાં.
૯ લાખ મેળવી બાકીના રૂપિયા સપ્તાહમાં આપી દેવા ચીમકી
બીજા દિવસે મહેબુબે ગોલ્ડ લોન પર નવું મકાન લેવાના બહાને તેની માતાના દાગીના પર ૫.૭૫ લાખની લોન મેળવેલી. મોટા બાપા પાસેથી બે લાખ રોકડાં મેળવેલાં, ૨.૨૦ લાખમાં બુલેટ વેચી મારેલું, પાંચ લાખમાં પ્લોટ વેચેલો, મિત્ર પાસેથી પચાસ હજાર રોકડાં અને અંગત બચતના ત્રીસ હજાર એકઠાં કરીને ૧૦ લાખ ભેગાં કરીને હમીદને આપી દીધેલાં અને બાકીના રુપિયાનો થોડાં સમયમાં મેળ કરી દઈ આપી દેવાનો વાયદો કરેલો.
રાત્રે હમીદ અને મુસ્કાને તેને ભુજમાં ગણેશનગર પાસે બોલાવીને જોર જોરથી બોલાચાલી કરીને ગમે તે રીતે અઠવાડિયામાં બાકીના નવ લાખ આપી દેવા ધમકી આપેલી.
મહેબુબે મિત્રો સંબંધીઓ પાસેથી બાકીના નવ લાખ રૂપિયા મેળવીને ભુજમાં વ્યાયામ શાળાએ તેમને આપ્યાં હતાં. આ સમયે હમીદે ગાડીમાંથી સમાધાન પત્ર કાઢીને તેના પર મુસ્કાનનો અંગુઠો અને મહેબુબની સહી કરાવી તે પત્ર પોતાની પાસે રાખી દીધેલો. સરફરાઝ કોરો સ્ટેમ્પ પેપર લઈ આવેલો તેના પર તેણે સમાધાન અંગેનું લખાણ કરેલું.
રૂપિયા આપ્યા બાદ એકાએક મામદનો આવ્યો ફોન
મહેબુબે ૧૯ લાખ ચૂકવ્યાં બાદ માંડ નિરાંતનો દમ લીધેલો પરંતુ ૭ ડિસેબરે એકાએક તેને વોટસએપ પર મુસ્કાનના પતિ મામદ નોડેનો ફોન આવેલો.
મામદે તેને ધમકી આપતાં જણાવેલું કે ‘મારી બૈરી ક્યાં છે? અને મારા છોકરાને પણ લઈ જા નહીંતર હું તારા ઘેર આવું છું’ મહેબુબ ગભરાઈ ગયેલો.
તેણે હમીદને પૂછતાં હમીદે જણાવેલું કે ‘મુસ્કાન પતિ મામદના ચાર લાખના દાગીના લઈ ગઈ છે અને દાગીના તને આપ્યાં હોવાનું કહે છે. મામદે આ મુદ્દે ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં અરજી આપી છે’ મહેબુબે પોતાની પાસે કોઈ દાગીના હોવાનો ઈન્કાર કરેલો.
૧ જાન્યુઆરીના રોજ મહેબુબને ભુજ એ ડિવિઝનના પોલીસ કર્મચારી તરીકે કોઈએ ફોન કરેલો અને મામદની અરજી સંદર્ભે પોલીસ સ્ટેશન બોલાવેલો.
ડરી ગયેલા મહેબુબે હમીદનો સંપર્ક કરતાં તેણે પોતે આડેસર હોવાનું જણાવી રાત્રે મળવાનું કહેલું. રાત્રે રિલાયન્સ સર્કલ ખાતે હમીદ, સરફરાઝ, અફીદની હાજરીમાં મહેબુબ તેમને મળેલો. હમીદે પોલીસમાં મામલાની પતાવટ માટે ત્રણ લાખ રૂપિયા આપવા પડશે તેમ કહેલું. ડરી ગયેલાં મહેબુબે બીજા દિવસે હમીદને ત્રણ લાખ રૂપિયા આપી દીધાં હતાં.
પોલીસના નામનો આ રીતે કરાયો દુરુપયોગ
આરોપીઓએ ફરિયાદીને ડરાવવા અને વિશ્વાસમાં લેવા પોલીસના નામનો ભયંકર દુરુપયોગ કર્યો હતો. ત્રણ લાખ રૂપિયા બાદ મેટરની પતાવટ થઈ ગઈ હોવાની ખાતરી આપવા માટે સરફરાઝે તેના વોટસએપ પરથી મહેબુબને પીઆઈનો આભાર માનતા પત્રની કોપી મોકલેલી. જેમાં મામદ નોડે અને હમીદ સમા, ઓસમાણ શેખ, સરફરાઝની સાક્ષી તરીકે સહીઓ હતી.
મામદ મુસ્કાનનો પતિ ના હોવાનો ઘટસ્ફોટ
થોડાંક દિવસો અગાઉ મહેબુબના મિત્ર અફીદને જાણ થયેલી કે મુસ્કાને માંડવીમાં પણ આ પ્રકારે કોઈને ફસાવીને ફરિયાદ નોંધાવેલી અને મામદ તેનો પતિ છે જ નહીં. જેથી પોતાની સાથે આરોપીઓએ કાવતરું રચીને રૂપિયા પડાવ્યાં અંગે મહેબુબે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આરોપીઓએ મહેબુબને એટલી હદે ટોર્ચર કર્યો હતો કે એક તબક્કે તેણે ગળેફાંસો ખાઈ અથવા હમીરસરમાં પડતું મૂકીને આપઘાત કરવાનો વિચાર કર્યો હતો.
જો કે, મિત્ર અફીદે તેને સાંત્વના આપીને વાર્યો હતો. મામદે ફોન કરી પોલીસમાં અરજી કર્યાની જાણ થતાં તે ભાંગી પડેલો. રડતાં રડતાં તેણે હમીદને કહેલું કે ‘મારી સાથે આ શું થઈ રહ્યું છે?’ આદિપુરની મુસ્કાન સહિતના અન્ય આરોપીઓને દબોચી લેવા પોલીસ તપાસ ચલાવી રહી છે.
Share it on
|