કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છમાં ચાલી રહેલા નશાના બેફામ કારોબાર પર પોલીસની તવાઈ યથાવત્ રહી છે. પૂર્વ કચ્છમાં લાકડીયા પોલીસે ૫૮ હજારની કિંમતના ૫ કિલો ૮૦૦ ગ્રામ ગાંજા સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. પશ્ચિમ કચ્છમાં SOGએ ગત મધરાત્રે મુંદરામાં દરોડો પાડીને ૪૭૦૦ રૂપિયાના ૪૭૦ ગ્રામ ગાંજા સાથે બે યુવકોની ધરપકડ કરી છે.
સાઢુ ભાઈ ગાંજો વાવે, બીજો વેચવા કચ્છ આવે
લાકડીયા પોલીસે બાતમીના આધારે જૂના કટારીયા ચાર રસ્તા નજીક આવેલા અજમેર પંજાબી ઢાબા પાસે પંક્ચરની દુકાનના ઓટલાં પર બેસેલાં સાબરકાંઠાના બે યુવકોને ૫૮ હજારના ૫ કિલો ૮૦૦ ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યાં છે. ઝડપાયેલાં યુવકોમાં વિષ્ણુ બાબુભાઈ ગમાર અને અજય મણાભાઈ પરમારનો સમાવેશ થાય છે.
બેઉ જણ લાકડીયામાં રહેતા અને સામખિયાળી નજીક હાઈવે પર રેડિયમ પટ્ટીની લગતી કેબિન ચલાવતાં દિનેશ બાવાજીને ગાંજો ડિલિવર કરવા આવ્યા હતા.
પ્રાથમિક પૂછતાછમાં તેમણે કબૂલ્યું કે અજય પરમારનો સાઢુભાઈ મુકેશ બુંબડીયા ઉદેપુરના અજની ગામે રહે છે તેની પાસેથી ગાંજો લાવીને દિનેશને આપવા આવેલાં. અગાઉ પણ તેઓ ત્રણેકવાર દિનેશને ગાંજાની ડિલિવરી આપી ગયેલા છે. ઝડપાયેલો વિષ્ણુ અને અજય બેઉ સાબરકાંઠાના ખેડબ્રહ્માના પોશીનાના ગામના રહેવાસી છે. આ ગામ બનાસકાંઠા અને રાજસ્થાન બોર્ડર નજીક આવેલું છે.
અજય અને તેનો સાઢુ ભાઈ મુકેશ બેઉ બોર્ડર વિસ્તારમાં પડતર સરકારી જમીન પર ગાંજો વાવતાં હતા.
કેસની તપાસ ગાગોદર પીએસઆઈને સોંપાઈ છે. બેઉ આરોપીને કૉર્ટે ચાર દિવસના રીમાન્ડ પર મોકલી આપ્યાં છે. કામગીરીમાં લાકડીયા પીઆઈ જે.એમ. જાડેજા અને તેમનો સ્ટાફ જોડાયો હતો.
મુંદરામાં મધરાત્રે SOGએ બે જણને ૪૭૦ ગ્રામ ગાંજા સાથે ઝડપ્યાં
પશ્ચિમ કચ્છ SOGએ બાતમીના આધારે ગત મધરાત્રે બે વાગ્યે મુંદરાના નદીવાળા નાકા પાસે જાહેર રોડ પર બાઈક સાથે ઊભેલાં બે યુવકોની ૪૭૦૦ રૂપિયાના ૪૭૦ ગ્રામ ગાંજા સાથે ધરપકડ કરી છે. પોલીસે ઝડપેલાં રમજાન ઊર્ફે બાનાડો સિધિક જુણેજા (રહે. સુખપરવાસ, મુંદરા) અને રફિક અબ્દુલ સુણા (રહે. ભુવડ, અંજાર) પૈકી રમજાનના કબજામાંથી ગાંજો મળી આવ્યો હતો.
રફિકે કબૂલ્યું કે રમજાને તેના ભાઈ અકરમના બેન્ક ખાતામાં જીપેથી આઠ હજાર રૂપિયા ટ્રાન્સફર કરેલાં. આ રૂપિયા એટીએમમાંથી કઢાવીને તે ગાંધીધામ કાર્ગો વિસ્તારમાં રહેતી સુનિતાદીદી નામની મહિલા પાસેથી ગાંજો ખરીદીને બાઈક પર રમજાનને આપવા આવ્યો હતો.
SOGએ બંનેના કબજામાંથી મળેલાં ૩ મોબાઈલ ફોન, રમજાનના કબજામાંથી મળેલાં રોકડાં ૪ હજાર, ૫૦ હજારની મોટર સાયકલ વગેરે મળી કુલ ૭૩ હજાર ૭૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી બંને સામે મુંદરામાં ગુનો નોંધાવ્યો છે. દરોડામાં SOG પીઆઈ કે.એમ. ગઢવી, એએસઆઈ સિધ્ધરાજસિંહ ઝાલા સહિતનો સ્ટાફ જોડાયો હતો.
Share it on
|