કચ્છખબરડૉટકોમ, ભુજઃ પોતાના વાલીપણામાં રહેલી નાના ભાઈની ૧૩ વર્ષની બાળાને ઊંઘની ગોળીઓ ખવડાવીને દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરવાના ગુનામાં આજે ભુજ સેશન્સ કૉર્ટે બાળાના ૩૫ વર્ષિય મોટા બાપુને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. ગત ૦૫-૦૮-૨૦૨૪ના રોજ ભુજ એ ડિવિઝનમાં દાખલ થયેલા આ ગુનામાં વિશેષ પોક્સો કૉર્ટે ટ્રાયલ ચલાવીને ૧૧ માસમાં ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. બાળા દાદી, પિતા, મોટા બાપા જોડે રહેતી હતી
ગુનાનો ભોગ બનનારી દીકરી અને તેનો ભાઈ પિતા, દાદી અને મોટા બાપુ પાસે રહેતા હતા. માતાએ પિતા જોડે છૂટાછેડાં લઈ લીધેલાં અને બીજી બે નાની બહેનો સાથે ભુજમાં બીજા પુરુષ જોડે ઘર માંડેલું.
દુષ્કર્મના હેતુ ઘેનની ગોળીઓ પીવડાવેલી
બનાવના દિવસની સાંજે બાળાને માથું દુઃખતું હોઈ, દુઃખાવો મટાડવાના નામે મોટા બાપુએ તેને ચાર ગોળી આપી એકસાથે ગળી લેવા જણાવેલું. દવાની ગોળીઓ ગળ્યાં બાદ બાળાનું માથું ભારે થઈ ગયેલું અને ઘેન ચઢવા માંડેલું.
છકડામાં બેસાડી નિર્જન વિસ્તારમાં દુષ્કર્મનો પ્રયાસ
અર્ધ બેહોશી જેવી હાલતમાં મોટો બાપુ ‘તારી મમ્મીના ઘેર તને મૂકી આવું’ કહીને બાળાને પોતાના છકડામાં બેસાડીને નીકળ્યો હતો. રસ્તામાં નિર્જન બાવળની ઝાડી આવતાં બાળાને ઝાડીમાં લઈ ગયેલો. ત્યાં તેણે બાળાના કપડાં ઉતારવાનું શરૂ કરેલું.
અર્ધ બેહોશીની હાલતમાં બાળાએ મોટા બાપુનો પ્રતિકાર કરેલો. મોટા બાપુએ તેને ધક્કો મારીને પટમાં ફગાવી દીધી હતી.
બાળાની રાડારાડ અને પ્રતિકારના પગલે ગભરાઈ જઈને મોટો બાપુ તેને ફરી છકડામાં બેસાડીને તેની મમ્મીના ઘર બહાર ઉતારીને નાસી ગયેલો.બાળાની સલવાર ઉતરી ગયેલી હતી. અર્ધબેહોશ દીકરીને માતા હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયેલી. બીજા દિવસે સંપૂર્ણ સ્વસ્થ થયાં બાદ દીકરીએ મોટા બાપુએ આચરેલાં પાપની વિગતે વાત કરતાં માતાએ ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવેલી.
કૉર્ટનો ધાક બેસાડતો ચુકાદો
આ ગુનામાં ફરિયાદ પક્ષે રજૂ થયેલાં ૭ સાક્ષી અને ૧૨ દસ્તાવેજી આધારોને તપાસીને આજે પોક્સો કૉર્ટના વિશેષ જજ જે.એ. ઠક્કરે આરોપીને દોષી ઠેરવીને પોક્સો એક્ટની કલમ ૧૮ હેઠળ ૧૦ વર્ષની સખ્ત કેદની સજા સાથે ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે.
આ ઉપરાંત કૉર્ટે બીએનએસની અન્ય કલમો જેવી કે ૧૨૩, ૭૪, ૭૬, પોક્સો એક્ટની કલમ ૮ અને ૧૨ હેઠળ પાંચ-પાંચ વર્ષની કેદ અને પાંચ પાંચ હજાર રૂપિયા દંડ ફટકાર્યો હતો.
તો, બીએનએસની કલમ ૭૫ (૧), (૨) હેઠળ ૩ વર્ષની કેદ સાથે ૩ હજાર દંડ તથા કલમ ૧૧૫ (૧) હેઠળ ૬ માસની કેદ અને ૧ હજાર દંડ મળી કુલ ૩૪ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
આરોપી ધરપકડ થઈ ત્યારથી જેલમાં જ છે
ગુનાની તપાસ તત્કાલિન પીઆઈ એ.જી. પરમારે કરી હતી અને સમગ્ર કેસની પેરવી પોક્સો કૉર્ટના વિશેષ સરકારી વકીલ એચ.બી. જાડેજાએ કરી હતી. આરોપીની ધરપકડ થઈ ત્યારથી તે જેલની અંદર જ છે. દુષ્કર્મીનું નામ લખવાથી પરોક્ષ રીતે બાળકીની ઓળખ છતી થવાનો ભય હોઈ અત્રે નામ લખ્યું નથી.
બાળાને ૫.૨૫ લાખ રૂપિયા વળતર આપવા હુકમ
કૉર્ટે ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઑથોરીટીને ગુનાનો ભોગ બનનાર બાળાને ૫.૨૫ લાખ રૂપિયા વળતર તરીકે ચૂકવવા તથા ચાઈલ્ડ વેલફેર કમિટી અને ડિસ્ટ્રીક્ટ ચિલ્ડ્રન પ્રોટેક્શન યુનિટને દીકરીના સમાજમાં સ્વસ્થ પુનર્વસન માટે મદદ કરવા સૂચના આપી છે.
સમાજમાં આવા કૃત્યને કદી સ્થાન ના હોઈ શકે
ચુકાદમાં વિશેષ જજે નોંધ્યું કે બાળકો અતિ સંવેદનશીલ હોય છે અને જ્યારે બાળક પોતાની જાતને વાલીના વાલીપણામાં સુરક્ષિત સમજતું હોય ત્યારે જો આવો બને છે તો તેનાથી બાળકની માનસિક સ્થિતિ પર ઘણી બધી અસર પડે છે, જેની તેના સમગ્ર જીવન દરમિયાન લાંબા ગાળાની નેગેટિવ અસર રહે છે. આરોપી દીકરીની નજરમાં પિતા તુલ્ય હતો અને તેણે આવું કૃત્ય આચર્યું છે તે અતિ નિંદનીય છે અને આપણા સમાજમાં આવા કૃત્યને કોઈપણ રીતે સ્થાન હોઈ શકે નહીં તે હકીકત છે.
Share it on
|