|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ આગામી છઠ્ઠી જૂન શુક્રવારના રોજ દેશ અને દુનિયાભરના મુસ્લિમ બિરાદરો બકરી ઈદ (ઈદ અલ અઝ્હા)ની ઉજવણી કરશે. ઈસ્લામ ધર્મમાં આ પર્વની કુરબાનીના પર્વ તરીકે ઉજવણી થાય છે. ગાંધીધામના મુસ્લિમ અને કોંગ્રેસી આગેવાન હાજી જુમા રાયમાએ જણાવ્યું કે દર વખતે ઈદ આવે ત્યારે જીવદયાના નામે સસ્તી પ્રસિધ્ધિ માટે અમુક લોકો નિવેદનો આપે છે તેમને અન્ય લોકોને તેમની ધાર્મિક બાબતોમાં સલાહ ના આપવા સૂચન કર્યું છે. રાયમાએ જણાવ્યું કે જાનવરોની કુરબાનીથી પ્રદૂષણ થતું નથી. જાનવરોની બલિ પર હિંસાની વાત કરનારા લોકો મોબ લિંચિંગ જેવી માણસોની બલિઓ પર કેમ ચૂપ રહે છે?
મુસ્લિમોના ધાર્મિક તહેવારો કોઈ કલ્પનાઓના આધાર પર નથી પરંતુ દરેક તહેવાર પાછળ એક લોજીક હોય છે તે સમજવું જરુરી છે. આખી દુનિયા જાણે છે ઘેટાં બકરાંનો ઉપયોગ ખેતર ખેડવા કે કોઈ અન્ય કામ માટે નથી થતો.
ફક્ત ઈદ પર જ નહીં બારેમાસ નોનવેજ ખવાય છે અને નોનવેજ ખાવાવાળાની સંખ્યા મુસ્લિમ સમાજ કરતાં અન્ય નોન મુસ્લિમ સમાજની વધુ છે.
સરકારી સબસિડી સાથે ચાલતાં કતલખાનાઓમાં દરરોજ કેટલાં પ્રાણીઓ કપાય છે? કયાં પ્રાણીઓ કપાય છે? કતલખાનાના માલિકો કયા ધર્મના છે? ત્યાં કેમ કોઈ સલાહ સૂચનો આપવા જતાં નથી વગેરે સવાલો પણ તેમને કર્યાં છે. સાથોસાથ મુસ્લિમ બિરાદરોને અન્ય ધર્મોના લોકોની લાગણીને અનુલક્ષીને કુરબાની આપેલા જાનવરના ફોટો, વીડિયો વોટ્સએપ કે સોશિયલ મીડિયા પર નહીં મૂકવા તથા જાહેરમાં કુરબાની ના કરવા અનુરોધ કર્યો છે.
Share it on
|