|
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉની કૉર્ટે વીજ ચોરીના બે જુદાં જુદાં કેસમાં સંડોવાયેલા એક જ આરોપીને દોષી ઠેરવીને અનુક્રમે એક અને દોઢ વર્ષની કેદ ફટકારી લાખોની વીજળી ચોરીની રકમનો દંડ ભરવા ચુકાદો આપ્યો છે. વીજ ચોરીને લગતાં મોટાભાગના કેસોમાં કાયદાની આંટીઘૂંટીની ઓથે આરોપીઓ કૉર્ટમાંથી નિર્દોષ ઠરે છે. ત્યારે, ભચાઉની ખાસ કૉર્ટના આ ચુકાદા મહત્વપૂર્ણ છે. ૦૨-૦૭-૨૦૨૨ના રોજ PGVCL દ્વારા વીજ ચેકીંગ ઝુંબેશ હાથ ધરાઈ હતી. સામખિયાળી સબ ડિવિઝન હેઠળ આવતા ભચાઉના આધોઈ ગામે આંબાભાઈ ધરમશી દુબરીયાની અનાજ દળવાની ઘંટીના વીજ કનેક્શનમાંથી વીજ વિભાગે ગેરરીતિ પકડી પાડી હતી.
મેઈન સપ્લાય લાઈનમાં વધારાનો બીજો વાયર જોડીને, વીજ મીટર બાયપાસ કરીને વીજ વપરાશ કરીને વીજ ચોરી કરતો હતો.
વીજ તંત્રએ આરોપીને ૧૬ હજારના કમ્પાઉન્ડીંગ ચાર્જ અને ૨.૭૦ લાખની વીજ ચોરી મળી ૨.૮૬ લાખ ભરવાનો હુકમ કરીને વીજ ચોરીનો કેસ દાખલ કરેલો.
સાત મહિના બાદ વીજ ચોરીનો બીજો ગુનો નોંધાયેલો
સવા સાત મહિના બાદ PGVCL દ્વારા હાથ ધરાયેલી વીજ ચેકીંગ ઝુંબેશ દરમિયાન આધોઈમાં આંબાભાઈ દુબરીયાની એ જ આટા ચક્કીમાંથી ફરી ૭.૮૨ લાખની વીજચોરીનો પર્દાફાશ થયેલો. અગાઉના ચેકીંગ વખતે વીજ જોડાણ કટ થઈ ગયાં બાદ આરોપી નજીકના વોટર વર્ક્સના થાંભલા પરથી લંગર ખેંચીને ઘંટી ચલાવતો હતો. જે અંગે વધુ એક કેસ દાખલ થયેલો.
કૉર્ટે બંને ગુનામાં દોષી ઠેરવી કેદ અને દંડ ફટકાર્યા
ભચાઉની ખાસ ઈલેક્ટ્રિસીટી કૉર્ટના જજ ભરત એલ. ચોઈથાણીએ આરોપીને બંને ગુનાઓમાં દોષી ઠેરવી અલગ અલગ દંડ અને કેદની સજા ફટકારી છે. પ્રથમ ગુનામાં કૉર્ટે એક વર્ષની સાદી કેદ સાથે દંડ પેટે ૨.૮૬ લાખ ભરવાનો હુકમ કર્યો છે. તો, બીજા ગુનામાં દોઢ વર્ષની સાદી કેદ સાથે ૮ લાખ ૨ હજાર રૂપિયાનો દંડ ભરવા હુકમ કર્યો છે. બંને કેસમાં ભચાઉના સરકારી વકીલ ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજા અને એમ. આર. જાડેજાએ દલીલો કરી હતી.
સમાજમાં દાખલો બેસે તે માટે સજા જરુરીઃ જજ
આંબાભાઈની ઊંમર હાલ ૮૨ વર્ષની છે. બચાવ પક્ષના વકીલે રાહત આપવા અરજ કરી હતી. પરંતુ, કૉર્ટે સમાજને ગંભીર અસર પહોંચાડતો ગુનો હોવાનું ઠેરવી પ્રોબેશન (સજામોકૂફી)નો લાભ આપવાનો ઈન્કાર કરતાં જણાવ્યું કે વીજળી ના ફક્ત જરુરિયાત છે બલ્કે વીજળી વગર વિકાસ પણ શક્ય નથી. તેની ચોરી કરવાથી વીજ કંપનીને આર્થિક નુકસાન થવા સાથે દેશનો વિકાસ પણ રૂંધાય છે. વીજચોરીના કારણે ઘણાં જરૂરતમંદો સુધી વીજ પુરવઠો પૂરો પાડી શકાતો નથી. તેથી આવા કેસોમાં આરોપીને યોગ્ય નશ્યત કરવી જરૂરી અને આવશ્યક છે. જેથી આવા ગુનાઓનું પ્રમાણ અટકે અને સમાજમાં દાખલો બેસે.
Share it on
|