કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છની ખાવડા રણ સરહદે ધરમશાળા પાસેથી એક લબરમૂછિયો પાકિસ્તાની છોકરો ઝડપાયો છે. બકરાં ચરાવવવાનું કામ કરતો લબરમૂછિયો છોકરો ગત રાત્રે પિતાએ ઠપકો આપતાં નારાજ થઈને ઘર છોડીને પગપાળા રણ સરહદ ઓળંગી કચ્છમાં આવી ચઢ્યો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે. આજે બપોરે બાર વાગ્યાના અરસામાં સંવેદનશીલ સરહદી ધરમશાળા વિસ્તારમાં શંકાસ્પદ યુવક ફરતો હોવાની માહિતી મળતાં રાજ્ય સરકારની ગુપ્તચર એજન્સીના કર્મચારીઓએ દોડી જઈને તેને ઝડપી લીધો હતો. યુવકનું નામ લવકુમાર S/o સરુપ દેવા ભીલ છે અને તે રણ સરહદથી થોડેક દૂર આવેલા પાકિસ્તાનના ડિપ્લો તાલુકાના ગામનો રહેવાસી છે.
લવકુમાર પાસેથી પચાસ રૂપિયાની ચલણી નોટ, બાકસ અને સીમ કાર્ડ વગરનો એક મોબાઈલ ફોન મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
લવકુમાર સગીર વયનો છે કે પુખ્ત વયનો તે અંગે પોલીસે મેડિકલ પરીક્ષણ કરાવવા નક્કી કર્યું છે. હાલ વિવિધ ગુપ્તચર એજન્સીઓ લવકુમારની પૂછપરછ કરી રહી છે.
Share it on
|