કચ્છખબરડૉટકોમ, ભુજઃ ગત ૧૨ જાન્યુઆરીના રોજ કચ્છની જળસીમામાંથી પકડાયેલાં ૨૨ વર્ષના પાકિસ્તાની માછીમારને ભુજ સેશન્સ કૉર્ટે બે વર્ષની સખ્ત કેદ સાથે ૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સિંધના સુજાવલ પ્રાંતના કાળો ડુંગરના રહેવાસી બાબુ આલુ ઈલિયાસ આફાત ઊર્ફે ઉમર ગનીને બીએસએફના જવાનોએ ભારતીય જળ સીમામાંથી ઝડપ્યો હતો. તેની પાસેથી પાકિસ્તાની ચલણના બસ્સો રૂપિયા, 3 કિલોગ્રામ દરિયાઈ કરચલાં, એક ટોર્ચ તથા સ્વિમીંગ ટ્યુબ મળી આવેલાં. ભુજ જોઈન્ટ ઈન્ટરોગેશનમાં વિવિધ સુરક્ષા એજન્સીઓએ તેની સઘન પૂછપરછ કરેલી પરંતુ બાબુની કોઈ ગતિવિધિ શંકાસ્પદ હોય તેમ જણાયું નહોતું. બાબુ સામે દયાપર પોલીસે ૨૪-૦૪-૨૦૨૫ના રોજ ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી બદલ વિધિવત્ ગુનો દાખલ કર્યો હતો.
આ કેસમાં આજે ભુજ સેશન્સ જજ દિલીપ પી. મહિડાએ બાબુને ફોરેનર્સ એક્ટની કલમ ૧૪ (એ) હેઠળ બે વર્ષની સખ્ત કેદ અને ૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, કૉર્ટે બાબુને પાસપોર્ટ એક્ટની કલમ ૩ હેઠળ ૧ વર્ષની કેદ તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ ૧૨૦ હેઠળ બે હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. બાબુને તેનો કાયદાકીય બચાવ કરવા માટે સરકારી વકીલની નિઃશુલ્ક સેવા ઉપલબ્ધ કરાવાઈ હતી.
Share it on
|