કચ્છખબરડૉટકોમ, ભુજઃ ચાર દિવસ અગાઉ ગત બારમી તેરમી મેની રાત્રે ભુજ તાલુકાના ડગાળા ગામે બે મંદિરમાં ચોરીના પ્રયાસ કરી ૪૭ હજારનું નુકસાન કરવાના બનાવમાં પધ્ધર પોલીસે આજે સાંજે ગુનો નોંધીને ગણતરીના કલાકોમાં બે આરોપીને ઝડપી પાડ્યાં છે. મંગળવાર બુધવારની રાત્રે ડગાળા (જૂના ગામ)માં આવેલા ચામુંડા માતાજી અને મોમાય માતાજીના મંદિરમાં ચોરીનો પ્રયાસ થયો હતો. તસ્કરોએ મંદિરના દરવાજાના તાળાં તોડી દાન પેટીને તોડવા પ્રયાસ કરેલો પરંતુ તે તૂટી નહોતી. પકડાઈ જવાની બીકે તસ્કરોએ બંને મંદિરમાં સીસીટીવી કેમેરા તોડી નાખેલા અને એક મંદિરમાંથી સીસીટીવી ફૂટેજ રેકોર્ડ કરતું ડીવીઆર ઉઠાવી ગયાં હતાં. તસ્કરોએ આ રીતે કુલ ૪૭ હજારનું નુકસાન કરેલું.
મોમાય મંદિરના ટ્રસ્ટીએ આજે બનાવ અંગે પધ્ધર પોલીસે ફરિયાદ નોંધાવી હતી. પધ્ધરના પીઆઈ એ.જી. પરમારે તરત જ ઊંડી તપાસ કરી, બાતમીદારો મારફતે લેર ગામ પાસે હાજર બે શકમંદને ઉઠાવ્યાં હતાં.
પ્રાથમિક પૂછપરછમાં જ બેઉ જણે ડગાળાના બંને મંદિરમાં કરેલી ચોરીના પ્રયાસનો ગુનો કબૂલી લીધો છે. ઝડપાયેલો ઉમર સિધિક સમા ભુજના ખાવડા નજીક આવેલા જુણા (દેઢિયા) ગામનો અને ઝકરીયા અમીન સમા નાના દિનારાના વતની છે. પોલીસે ગુનામાં વપરાયેલી બાઈક અને બે મોબાઈલ ફોન કબજે કર્યાં છે.
Share it on
|