કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છના માંડવી તાલુકાના ત્રગડી ગામના રીઢા બૂટલેગરે વધુ એક વખત પોલીસની આંખમા ધૂળ નાખીને મગાવેલા ૪૧.૪૫ લાખના ઈંગ્લિશ દારુ અને બિયરનો જંગી જથ્થો લોકલ ક્રાઈમ બ્રાન્ચે જપ્ત કર્યો છે. જો કે, દર વખતની જેમ એકે'ય આરોપી ઝડપાયો નથી! બાતમીના આધારે LCBએ આજે સાંજે ત્રગડી ગામે કટિંગ ટાણે દરોડો પાડીને સીમાડામાં નિર્જન ઝાડીઓવાળી સરકારી પડતર જમીનમાં રાખેલો શરાબના જંગી જથ્થા સાથે ક્રેટા, ઈનોવા, બોલેરો અને ચાર મહિન્દ્રા પીક અપ જીપ ડાલા તથા બે બાઈક મળી નવ વાહનો જપ્ત કર્યાં છે. ૧૭.૭૯ લાખની કિંમતના વિવિધ બ્રાન્ડના શરાબની ૧૬૩૨ નંગ બાટલીઓ અને ૨૩.૬૫ લાખની કિંમતના બિયરના ૧૦ હજાર ૭૫૨ ટીન, ૬૦.૨૦ લાખના વાહનો મળી કુલ ૧ કરોડ ૧ લાખ ૬૫ હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
ત્રગડીના લિસ્ટેડ બૂટલેગર યુવરાજ વજુભા જાડેજાએ અબડાસાના ખાનાય ગામના સાથી બૂટલેગર પાર્ટનર જીતુ ઊર્ફે જીતીયો મંગલસિંહ સોઢા તથા નિલેશ નવુભા જાડેજા, સંજય નવુભા જાડેજા, મેહુલ ચંદુભા ઝાલા અને દિવ્યરાજ સુરેન્દ્રસિંહ ઝાલા સાથે મળીને પરપ્રાંતમાં દારુનો જથ્થો મગાવી કટિંગ કરતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી.
યુવરાજનો માલ પકડાય છે પણ તે કે સાગરીતો કેમ નહીં?
ઉલ્લેખનીય છે કે ૨૩ મેના રોજ સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ત્રગડીમાં કટિંગ ટાણે રેઈડ પાડીને યુવરાજે મગાવેલો ૮૩.૭૮ લાખનો ઈંગ્લિશ શરાબનો જથ્થો જપ્ત કરેલો. તે કેસમાં યુવરાજ સાથે દિવ્યરાજ અને મેહુલ ચંદુ ઝાલા વગેરે સાગરીતો સામે ફરિયાદ નોંધાવાઈ હતી. તો, ૯મી જૂલાઈના રોજ એલસીબીએ માંડવીના કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારના તલવાણા ગામે રોડ પર પાર્ક કરેલા ગેસ ટેન્કરમાંથી યુવરાજે મગાવેલો ૧.૫૫ કરોડનો શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો.
યુવરાજનો કરોડો રૂપિયાનો માલ પકડાય છે, માલ આરામથી પંજાબ કે રાજસ્થાનથી કચ્છમાં આવી જાય છે પરંતુ મુખ્ય સૂત્રધાર જ પકડાતો નથી. પકડાય છે તો કેવળ તેણે મગાવેલો શરાબનો જથ્થો.
આવો કરોડોનો ઈંગ્લિશ દારૂ અઠવાડિયામાં કેટલી વખત કચ્છમાં ઠલવાય છે? શું આવા દરોડા પોલીસ એક્ટિવ છે તેવું દેખાડવા ખાતર પડે છે? માંડવી, મુંદરા, અબડાસા અને નખત્રાણા પંથકમાં છૂટકમાં ઈંગ્લિશ દારૂ વેચતાં બૂટલેગરો પાસે કેમ કદી માલની અછત નથી સર્જાતી? ACBના કેસ બાદ જિલ્લા બહાર બદલી પામેલો જૂનો વહાલો વહીવટદાર હજુ પણ અહીં પડ્યોપાથર્યો રહીને કોના આશીર્વાદથી માંડવી મુંદરાના બૂટલેગરો પાસે ઉઘરાણાં કરતો ફરે છે? વગેરે પ્રશ્નો ઊંડી વિચારણા માગી લે તેવા છે.
Share it on
|