|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ઓનલાઈન ઈ કોમર્સ કંપની સામે ફરિયાદ નોંધાવવા માટે ગુગલમાં ગ્રાહક સુરક્ષા સંસ્થાનો નંબર શોધવા જતા ગઠિયાઓએ ભુજની વર્કિંગ વુમનના ખાતામાંથી ૧.૬૧ લાખ રુપિયા પડાવી લીધા હોવાનો બનાવ બહાર આવ્યો છે. ભુજમાં મેડિકલ એજન્સીમાં કામ કરતી ૩૫ વર્ષિય નિરલ સુભાષભાઈ પવાણી (ઠક્કર) નામની મહિલાએ એપ્રિલમાં મિશો ઓનલાઈન શોપિંગ સાઈટ પર ઓર્ડર કરી આઈ ફોન ચાર્જરના બે કવર મગાવ્યા હતા. બે કવરના બદલે એક જ કવર મળેલું પરંતુ રુપિય બે કવર લેખે જમા લેવાયાં હતા. કંપનીએ હાથ અધ્ધર કરી દેતાં નિરલબેને ફરિયાદ નોંધાવવા માટે ગુગલમાં ગ્રાહક સુરક્ષા સંસ્થાનો સંપર્ક નંબર મેળવવા સર્ચ કરેલું.
સર્ચ દરમિયાન તેમને ગ્રાહક સુરક્ષા દળ નામની કોઈ ભળતી સંસ્થાનો લેન્ડ લાઈન નંબર મળેલો.
તેમણે ફોન કર્યાં બાદ ગઠિયાઓએ ફરિયાદ નોંધાવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટેની એક લિન્ક મોકલેલી અને ફોર્મ ફી પેટે પાંચ રૂપિયા ઓનલાઈન પે કરવા જણાવેલું. મિરલબેને ફોર્મ ભરીને પાંચ રૂપિયા પે કરેલાં પરંતુ ગઠિયાઓએ યુક્તિપૂર્વક તેમના ખાતામાંથી ૧.૬૧ લાખ રૂપિયા મેળવી લીધા હતા. બનાવ અંગે ભુજ બી ડિવિઝન પોલીસે ગ્રાહક સુરક્ષા દળના નામે તેમની સાથે વાત કરનારાં ત્રણ અજાણ્યા મોબાઈલ નંબરધારકો અને બે બેન્ક ખાતાં ધારકો સામે આઈટી એક્ટ સહિતની કલમો તળે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
Share it on
|