કચ્છખબરડૉટકોમ, ભુજઃ દેશભરના માર્ગો પર ઠેર ઠેર ઊભાં થઈ ગયેલાં ટોલ પ્લાઝા સરાજાહેર સરકારી લૂંટનું માધ્યમ બની રહ્યાં હોવાની વ્યાપક લોકફરિયાદો ઉઠી રહી છે. ૨૨ માર્ચ ૨૦૨૨ના રોજ બજેટ પરના ચર્ચાસત્રમાં કેન્દ્રીય પથ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જાહેરાત કરેલી કે હવે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર દર ૬૦ કિલોમીટરના અંતરે એક જ ટોલ પ્લાઝા હશે. જો ૬૦ કિલોમીટરની અંદર બે ટોલ પ્લાઝા હશે તો આગામી ત્રણ મહિનામાં તે ટોલ પ્લાઝા બંધ કરી દેવાશે તેવી ખાતરી આપું છું. ગડકરીની આ ખાતરી પણ પોકળ ‘જુમલો’ સાબિત થઈ રહી છે.
કચ્છ કોંગ્રેસના સિનિયર નેતા વી.કે. હુંબલે જણાવ્યું કે હાલ ભુજથી ભીમાસર વચ્ચે બની રહેલાં ફોરલેન નેશનલ હાઈવે નંબર ૩૪૧ પર ૬૦ કિલોમીટરના બદલે ૩૬ કિલોમીટરના અંતરે બે ટોલ પ્લાઝાનું નિર્માણ થઈ રહ્યું છે! એક ટોલ પ્લાઝા વરસામેડી ગામ પાસે બની રહ્યો છે અને બીજો કુકમા ગામ પાસે.
આ ગંભીર નિયમભંગ મુદ્દે તપાસ કરી તત્કાળ અસરથી દખલ કરવા ગડકરીને કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે આજે અધિક કલેક્ટરના માધ્યમથી આવેદન પત્ર મોકલી આપ્યું છે. કચ્છ સરહદી જિલ્લો છે અને અહીં મુંદરા તથા કંડલા જેવા બે મહત્વના બંદરો આવેલાં છે. ટ્રાન્સપોર્ટના વ્યવસાય પર કચ્છના લાખો લોકો રોજગાર મેળવે છે ત્યારે નિયમભંગ કરીને નિર્માણ થઈ રહેલાં ટોલ પ્લાઝાના લીધે ભવિષ્યમાં લોકોને મોટી નુકસાની સહન કરવાનો વારો આવશે તેવી રજૂઆત કરાઈ છે.
Share it on
|