|
કચ્છખબરડૉટકોમ, ભુજ (ઉમેશ પરમાર) ભુજના નારાણપર (પસાયતી) ગામના એક ખેડૂત પાસે જમીન વિવાદ મામલે અરજીઓ કરીને કહેવાતી રીતે ત્રણ લાખ રૂપિયાની માંગણી કરવા મામલે LCBએ ભુજના નવીનગીરી દેવગીરી ગોસ્વામી નામના શખ્સ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે. ફરિયાદમાં ખેડૂતે આરોપ લગાવ્યો છે કે નવીને પોતાની પત્રકાર અને આરટીઆઈ એક્ટીવિસ્ટ તરીકે ઓળખ આપી ૨૦૨૩થી તેની પાછળ પડી ગયો હતો. બે વર્ષ અગાઉ નવીને ફરિયાદી શિવજી લાલજી પિંડોરીયાએ નારણપર (રાવરી) ગામે આવેલી સર્વે નંબર 8વાળી જમીનની લાગુની સરકારી પડતર જમીન પર ગેરકાયદે કબજો કર્યો હોવાની કલેક્ટરને અરજી કરેલી.
ત્યારબાદ નવીને નારાણપરમાં ફરિયાદીની ઑફિસે રૂબરૂ આવીને પોતે લેન્ડગ્રેબિંગ એક્ટ ગુનો દાખલ થવા અરજી કરી હોવાનું જણાવીને તે કેસમાંથી બચવું હોય તો એક લાખ રૂપિયા આપવા પડશે તેમ જણાવતાં તેને તે જ દિવસે એક લાખ રૂપિયા આપી દીધા હતા.
બે વર્ષ બાદ ફરી અરજી કરી ત્રણ લાખ માગ્યા
ગયા મહિને નવીને આ જમીન પરના દબાણ મામલે અરજી કરેલી. જે અન્વયે તે માપણી કરાવવા માટે DILR અને પોલીસ સાથે સ્થળ પર આવેલો. પોલીસ અને માપણી ટીમ ગયા બાદ નવીને ફરિયાદીને આ જમીન પરની બધી નોંધો રદ્દ કરાવીને શ્રીસરકાર કરાવી દઈશ તેમ કહીને ત્રણ લાખ રૂપિયા માંગેલાં.
દસ દિવસ અગાઉ ફરિયાદીની મેઘપર અને કેરા ગામની ખેતીની જમીનોમાં પડેલી નોંધો રદ્દ કરાવવા નવીને મામલતદારને કરેલી અરજી અન્વયે મામલતદારે શિવજી પિંડોરીયાને ખુલાસો કરવા નોટિસ પાઠવેલી.
મેઘપર અને કેરા ગામની જમીનો પરની નોંધો રદ્દ કરાવવા માટે ૨૦૧૦માં ફરિયાદીના ગામના અરવિંદ નાનજી કેરાઈએ કલેક્ટરને અરજી કરેલી. જેમાં પાછળથી કલેક્ટરે આ અરજીનો નિકાલ કર્યો હતો તેવું પણ ફરિયાદમાં લખાવાયું છે. આમ, ૨૦૨૩માં નવીને એક લાખ રૂપિયા પડાવતાં તથા નવેસરથી અરજી કરીને ત્રણ લાખ રૂપિયાની ખંડણી માગી હોવાના આરોપ સબબ એલસીબીએ તપાસ કરીને માનકૂવા પોલીસ મથકે ૩૦૮ (૨), (૬) અને ૬૨ હેઠળ ફરિયાદ નોંધાવડાવીને નવીનની ધરપકડ કરી છે.
FIRમાં ફક્ત આરોપબાજી છે, પુરાવા ક્યાં છે?
માનકૂવા પોલીસ મથકે દાખલ થયેલી ફરિયાદમાં ફરિયાદી શિવજી પિંડોરીયાએ આરોપી નવીન ગોસ્વામીએ બે વર્ષ અગાઉ એક લાખ રૂપિયા મેળવ્યાં હોવાના કે તાજેતરમાં ત્રણ લાખ રૂપિયા માગ્યા હોવાનો આરોપ કર્યો છે. પરંતુ, તે અંગેના કોઈ પુરાવા હોવાનો એફઆઈઆરમાં કશો ઉલ્લેખ કર્યો નથી.
કચ્છખબરે એલસીબીના પીએસઆઈ જેઠીનો ફોન પર સંપર્ક કરવા પ્રયાસ કર્યો પરંતુ રાબેતા મુજબ પીએસઆઈએ ફોન ઉપાડવાની તસદી લીધી નથી. સમાચાર પ્રગટ થયાનાં ૧૧ કલાક બાદ પોસઈ જેઠીએ જણાવ્યું કે તેમની પાસે સરકારી નંબર નથી અને અંગત નંબર પર આવતાં બધા ફોન ઉપાડવા જરૂરી નથી.
કૉર્ટમાં આવી મૌખિક આરોપબાજી ટકતી નથી. આ જ એલસીબીએ અગાઉ બે કહેવાતા પત્રકારો સામે તોડબાજીની શ્રેણીબધ્ધ રીતે પાંચેક ફરિયાદો નોંધાવેલી પરંતુ એક કેસને બાદ કરતાં મોટાભાગના કેસમાં નીચલી અદાલતે આરોપીઓને જામીન પર મુક્ત કરી દીધેલાં. જે એક કેસમાં જામીન બાકી હતા તેમાં પણ તેઓ જામીન પર મુક્ત થઈને હાલ માર્કેટમાં ફરી રહ્યાં છે. મતલબ, એફઆઈઆરમાં નક્કર પુરાવા વગર કેવળ આરોપબાજી હોય તો તે ચોવીસ કલાક માટે પણ કૉર્ટમાં ટકતી નથી.
મેટર સિવિલની પણ આરોપ લાગતાં ક્રિમિનલ કમ્પ્લેઈન્ટ
ફરિયાદની વિગતો જોતાં જણાય છે કે મામલો જમીન વિવાદને લગતી બાબત દિવાની પ્રકારનો છે. તેમાં કેવળ રૂપિયા પડાવ્યા કે માંગવાના મૌખિક આરોપ હેઠળ તેને ફોજદારી રૂપ અપાયું હોય તો તે ગંભીર બાબત છે. જો પુરાવા વગર આ રીતે ફરિયાદો દાખલ થાય તો કાલે સવારે જે-તે પત્રકારના સમાચારથી દુભાયેલી કોઈપણ વ્યક્તિ કે પોલીસ અધિકારી, જે તે પત્રકારને ટાર્ગેટ કરીને ગમે તે વ્યક્તિને ઊભી કરી સાચાં ખોટાં કેસમાં ફીટ કરી દે તેવી શંકા અસ્થાને નથી.
આરટીઆઈ એક્ટિવિસ્ટ હોવું ગુનો છે?
સરકારી શાસન વ્યવસ્થામાં પારદર્શક્તા આવે, ભ્રષ્ટાચાર ઉજાગર થાય તે હેતુથી કોંગ્રેસની કેન્દ્ર સરકારે દેશવાસીઓને આરટીઆઈ એક્ટની ભેટ આપેલી. કોઈપણ જાગૃત નાગરિક કાયદાની મર્યાદામાં અને કાનૂનસંમત પ્રક્રિયા પ્રોસિજરને અનુસરીને આરટીઆઈ એક્ટ હેઠળ માહિતી માગી શકે છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ હોવું જો ગુનો હોય તો આરટીઆઈ એક્ટ જ નાબૂદ કરી દો ને
પ્રોસિજર ઈઝ ધ પનિશમેન્ટ
કોઈપણ વ્યક્તિને ખોટાં કેસમાં ફીટ કરી જેલમાં ઘાલી દેવાય ત્યારબાદની પ્રક્રિયા ‘પ્રોસિઝર ઈઝ ધ પનિશમેન્ટ’ સમાન બની રહેતી હોય છે. ગુનાકામે તેનો મોબાઈલ ફોન, વાહન જપ્ત કરાય, ધરપકડ બાદ જામીન મેળવવા દોડધામ કરવી વગેરે પ્રક્રિયા નિર્દોષ માણસો માટે પનિશમેન્ટ બની રહેતી હોય છે
આ બદી માટે કોની મિલિભગત છે?
પશ્ચિમ કચ્છમાં દેશી વિદેશી દારુ, જુગાર ક્લબો, સટ્ટા, મટકા, આંકડાની બદી કેટલી હદે વકરેલી છે તે એકાંતરા દિવસે છાપાઓના પાને પ્રગટ થાય છે. ત્યારે, આ બદી વકરવા પાછળ કોની અને કેવી મિલિભગત છે તે કોઈને કહેવાની જરૂર છે ખરી?
ડોશી મરે તેનો વાંધો નથી, વાંધો જમ ઘર ભાળી જાય તેનો
આરોપી ‘દૂધે ધોયેલો છે’ તેવું કોઈ જ પ્રમાણપત્ર આપવાનો અમારો ઈરાદો નથી, તે કામ કૉર્ટનું છે. ડોશી મરે તેનો વાંધો નથી પરંતુ વાંધો જમ ઘર ભાળી જાય તે છે. આવી રીતે ફરિયાદો દાખલ થશે તો કાલે સવારે ગમે તે પત્રકારને ગમે તે ગુનામાં ફીટ કરી દઈ શરણે લાવવા ખેલ શરૂ થશે.
Share it on
|