કચ્છખબરડૉટકોમ, ડેસ્કઃ ગત ૧૬ ફેબ્રુઆરીએ ભુજ પોલીસના જાપ્તાને ચકમો આપી પંજાબના અમૃતસરમાં ફરાર થઈ ગયેલો ડ્રગ્ઝકાંડનો આરોપી જોબનજીતસિંઘ ઊર્ફે જોબન બલવિન્દરસિંઘ સંધુ જલંધરમાં પકડાઈ ગયો છે. પચાસ લાખની ખંડણી માગવાની ઘટનાની તપાસ કરી રહેલી જલંધરની પોલીસે જે ત્રણ શૂટર્સને પકડ્યાં તે પૈકીનો એક જોબન નીકળ્યો છે. મુંદરામાં જે ૨૦ હજાર કરોડનું ડ્રગ્ઝ પકડાયેલું તેની તપાસના તાર પંજાબ સુધી લંબાયા હતા. NIA અને DRIએ જોબન સહિતના અનેક આરોપીઓની ધરપકડ કરી હતી. જોબન ભુજની પાલારા જેલમાં કેદ હતો. દરમિયાન, અમૃતસરમાં ચાલતાં એક કેસ સંદર્ભે જાપ્તા હેઠળ જોબનને અમૃતસર લઈ જવાયો હતો. કૉર્ટની મુદ્દતેથી પરત ફરતી વેળા કુદરતી હાજતે જવાના બહાને જોબન ફરાર થઈ ગયો હતો. જોબન સામે ૨૦૨૨માં પંજાબમાં ૨૦૦ કિલો ડ્રગ્ઝની હેરાફેરીનો એક અન્ય ગુનો પણ નોંધાયેલો છે.
ખંડણી ના મળી હોત તો વેપારીની હત્યા કરવાનો હતો
જલંધર રૂરલમાં આવતા સરદાર નાકોદર પોલીસ મથકે એક અઠવાડિયા અગાઉ મનપ્રીતસિંઘ નામના બીઝનેસમેને ફરિયાદ નોંધાવી હતી કે તેને ઈંગ્લેન્ડના નંબર પરથી વૉટસએપ કૉલ આવેલો અને તેની પાસે પચાસ લાખ રૂપિયાની ખંડણી મગાઈ છે. પોલીસે તપાસ કરતાં મૂળ પંજાબના કપૂરથલાના અને વર્ષોથી ઈંગ્લેન્ડમાં સ્થાયી થયેલાં બે ગેંગસ્ટર જગદીપસિંઘ ઊર્ફે જગ્ગા અને ગલાના નામ ખૂલ્યાં હતાં. પોલીસે આ ગુનામાં સ્થાનિકે ત્રણ જણાંની ધરપકડ કરી પૂછપરછ કરતાં જોબનસિંઘ અને તેના અન્ય બે સાગરીતોના નામ ખૂલ્યાં હતાં.
ખંડણી ના મળે તો હત્યાનું પ્લાનીંગ હતું
જલંધરના એએસપી ડૉ. અંકુર ગુપ્તાએ જણાવ્યું કે જો મનપ્રીત પચાસ લાખ રૂપિયા ના આપે તો તેની ગોળી મારી હત્યા કરવાનું આયોજન હતું. જોબન અને તેના બે સાગરીતો આ હત્યા કરવાના હતા. જોબન પાસેથી પોલીસને પોઈન્ટ બત્રીસ બોરની પિસ્તોલ અને પાંચ જીવતાં કારતૂસ મળી આવ્યાં છે. જોબનના ઈંગ્લેન્ડ સહિતના અન્ય દેશોમાં સ્થાયી થયેલાં પંજાબના ખૂંખાર ગેંગસ્ટર્સ સાથે સંપર્કો હોવાનું બહાર આવ્યું છે.
Share it on
|