કચ્છખબરડૉટકોમ, માંડવીઃ બાળકો સાથે થતાં જાતીય અત્યાચારની ઘટનાઓને અટકાવવા માટે ભારતમાં પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ અમલમાં છે. આવી ઘટના ધ્યાને આવે કે પોલીસે તુરંત તેનું કોગ્નિઝન્સ લઈ એફઆઈઆર દાખલ કરવી ફરજિયાત છે. પરંતુ, માંડવી તાલુકાના વીંઢ ગામની પ્રાથમિક શાળાના મનોવિકૃત શિક્ષક સામે વાલીઓએ કરેલી લેખિત રજૂઆતના ત્રીજા દિવસે પણ ગઢશીશા પોલીસે આ શિક્ષક વિરુધ્ધ કોઈ ગુનો દાખલ કરવામાં કોઈ ગંભીરતા દાખવી નથી. ફરિયાદ નોંધવા મામલે ચલકચલાણું ખેલાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, શિક્ષકની ગેરવર્તણૂક ધ્યાને આવતાં તેને શિક્ષણ વિભાગે તત્કાળ અસરથી સસ્પેન્ડ કરી દીધો છે.
બુધવારે હોબાળો થતાં શિક્ષક નાસી ગયેલો
વીંઢ ગામની પંચાયતી પ્રાથમિક શાળાની શિક્ષિકાના પિતાનું અવસાન થતાં તે રજા પર ઉતરી છે. જેથી શિક્ષણકાર્ય ચાલું રહે તે માટે નજીકના બાંભડાઈ ગામની શાળાના શિક્ષકને ચાર્જ અપાયો હતો. જો કે, મનોવિકૃત એવા આ શિક્ષકે બાળ વિદ્યાર્થીઓને મોબાઈલ ફોનમાં અશ્લીલ ફોટોગ્રાફ અને વીડિયો બતાડવાનું શરૂ કર્યું હતું.
મામલો વાલીઓ સુધી પહોંચતાં સૌ વાલીઓ બુધવારે રોષભેર શાળાએ ધસી ગયાં હતાં. વાલીઓ આવી રહ્યાં હોવાની ‘ગંધ’ આવી જતાં શિક્ષક શાળાના તાળાં મારી, મોબાઈલ બંધ કરીને અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો.
ત્યારબાદ વાલીઓએ ગામના સરપંચ મહેન્દ્રસિંહ જાડેજા અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને જાણ કરીને ગઢશીશા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યાં હતાં.
ફરિયાદ નોંધવા મામલે ખેલાતું ચલકચલાણું
સરપંચ મહેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે આ શિક્ષકની વર્તણૂક અનુચિત હોવા મુદ્દે બાંભડાઈ ગામના લોકો પણ ગઢશીશા પોલીસ મથકે રજૂઆત કરવા આવી પહોંચ્યાં હતાં. પોલીસ સ્ટેશનમાં હાજર સ્ટાફે ‘પીઆઈ સાહેબ રજામાં છે’ તેમ જણાવી ગ્રામજનોની રજૂઆત અંગે અરજી લખી હતી.
પોલીસે ફરિયાદ નોંધી લીધી હોવાનું માનીને સૌ ઘરે પરત ફર્યાં હતાં.
બીજી તરફ, ગઢશીશા પીઆઈ કે.એસ. ચૌધરીએ જણાવ્યું કે તે સમયે પોતે રજા પર હતા પરંતુ બનાવ ધ્યાને આપતાં તેમણે જમાદારને અરજદારોને બોલાવી ફરિયાદ નોંધવા સૂચના આપેલી. જમાદાર ગામમાં ગયા પરંતુ કોઈ જવાબદાર વાલી કે વ્યક્તિ હાજર ના હોઈ પાછાં ફર્યાં હતાં. સરપંચે જણાવ્યું કે ‘જમાદારનો ફોન આવેલો કે તે અરજી મામલે જવાબ લખવા ગામમાં રૂબરૂ આવે છે પરંતુ પછી જમાદાર આવ્યાં જ નહોતાં’
સ્વતઃ સંજ્ઞાન લેવાના બદલે સસ્પેન્સનથી સંતોષ
આ ઘટના ધ્યાને આવતાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશ ખટારીયાએ ગ્રામજનોના નિવેદનો લઈને જિલ્લા સ્તરે રીપોર્ટ મોકલતાં શિક્ષકને તુરંત સસ્પેન્ડ કરી દેવાયો હતો. ખટારીયાએ જણાવ્યું કે અગાઉ આ શિક્ષક ગાંધીધામ તાલુકાના અંતરજાળમાં ફરજ બજાવતો હતો અને ત્યાં પણ અનુચિત હરકતોના કારણે તેની માંડવી તાલુકામાં બદલી કરવામાં આવી હતી.
એક બાબત સપાટી પર સ્પષ્ટ રીતે તરી આવે છે કે આ શિક્ષક મનોવિકૃત જણાય છે અને જ્યાં ફરજ બજાવતો હોય તે શાળાના ભૂલકાંઓ જોડે વિકૃત હરકતો આચરે છે.
શિક્ષણ વિભાગે આજે ભલે તેને સસ્પેન્ડ કર્યો હોય પરંતુ મામલો ઠંડો થયાં બાદ ગમે તે રીતે સેટિંગ કરી તે ફરી નોકરી પર ક્યાંક કોઈ શાળામાં ગોઠવાઈ જાય તેવી શક્યતા છે. ત્યારે, કોઈ આગળ આવે કે ના આવે આવા મનોવિકૃત શિક્ષક સામે પોલીસે અથવા શિક્ષણ વિભાગે જાતે ફરિયાદી બનીને સરકાર તરફે ગુનો દાખલ કરવો જોઈએ એમ જાણકારો માની રહ્યાં છે.
Share it on
|