|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ૨૪ માર્ચની રાત્રે ભુજ તાલુકાના દહીંસરા ગામે વાડામાં દરોડો પાડીને માનકૂવા પોલીસે વાછરડાંની કતલનો પર્દાફાશ કરી સ્થળ પર હાજર બે સગાં ભાઈની ગૌવંશ કતલ કરવાના ગુનામાં ધરપકડ કરી હતી. પોલીસે વાડામાં કતલના હેતુથી બંધાયેલાં ગૌવંશના નાનાં મોટાં ૮૫ પશુને મુક્ત કરાવ્યાં હતા. પોલીસે ઝડપેલાં મુસ્તાક જુસબ રાયમા અને ઈસ્માઈલ જુસબ રાયમાને કૉર્ટે જેલમાં ધકેલી દીધા છે. પોલીસે કરેલી આ કાર્યવાહી બાદ બે દિવસમાં નવો વળાંક આવતાં ભારે ઉહાપોહ સર્જાયો છે.
વાત જાણે એમ છે કે ગઈકાલે રાત્રે સાડા આઠ નવના અરસામાં દહીંસરાથી થોડે દૂર વેકરા (રામપર) ગામે એક વાડીમાં બોરકૂવાના કેબલ ચોરવા માટે દહીંસરા ગામનો દિનેશ બાબુ કોલી નામનો યુવક ઘૂસ્યો હતો. વાડીમાલિક દિનેશ શિયાણીને જાણ થયાં બાદ ગ્રામજનોની મદદથી સહુએ ઘેરો ઘાલીને દિનેશ બાબુ કોલીને વાડીમાંથી ઝડપી પાડ્યો હતો. દિનેશે અમુક કેબલ કાપી નાખ્યો હતો.
દિનેશની કબૂલાતઃ અમે ચાર જણે વાછરડું કાપીને વાડામાં મૂકેલું
લોકોએ એકઠાં થઈ દિનેશની મારકૂટ કરતાં તેણે એવી કબૂલાત આપી છે કે ‘પોતે અન્ય ત્રણ કોલી યુવકો જોડે મળીને દહીંસરા વાછરડું કાપીને વાડામાં મૂકી આવેલા અને માનકૂવા પોલીસ મથકના રમેશભાઈ નામના જમાદારને આ અંગે બાતમી આપતા પોલીસે વાડામાં દરોડો પાડી મુસ્તાક અને જુસબની ગૌવંશ કતલના ગુનામાં પકડ્યાં હતા’
વાયરલ વીડિયોથી સર્જાયો ગંભીર સંદેહ
દિનેશની કબૂલાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં માનકૂવા પોલીસે કરેલાં કેસને લઈ ગંભીર સંદેહ સર્જાયો છે. દિનેશ શિયાણીએ પોલીસને જાણ કરીને દિનેશ કોલીને ગઢશીશા પોલીસના હવાલે કરી દઈ તેની સામે મધરાતે અઢી વાગ્યે ફરિયાદ નોંધાવી હતી.
મુસ્લિમ સમાજમાં ભારે ઉહાપોહઃ કાવતરાંખોરોને પકડો
મુસ્લિમ સમાજે આરોપ કર્યો છે કે કેસ કરવાની લ્હાયમાં ગૌવંશની હત્યાનું કાવતરું ઘડાયેલું અને તેમાં બે નિર્દોષ મુસ્લિમ ભાઈઓને ખોટી રીતે ફીટ કરી દેવાયાં છે. AIMIM પાર્ટીના પ્રદેશ મહામંત્રી સકીલ સમાએ જવાબદાર પોલીસ જમાદારને તત્કાળ સસ્પેન્ડ કરવાની માગ કરી જો તે બે દિવસમાં સસ્પેન્ડ ના થાય તો સોમવારે ભુજમાં એસપી કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે. અગાઉ નવેમ્બર ૨૦૨૪માં ભુજ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલાં ગૌવંશ હત્યાનો એક કેસ પણ આ પ્રકારે કાવતરું ઘડીને ખોટી રીતે કરાયો હતો અને તે સમયે મુસ્લિમ સમાજે ભારે વિરોધ દર્શાવેલો તેનો સમાએ ઉલ્લેખ કર્યો છે.
દહીંસરા ગ્રામ પંચાયતની રજૂઆતઃ બેઉ ભાઈ છે નિર્દોષ
મુસ્લિમ સમાજ ઉપરાંત દહીંસરા ગ્રામ પંચાયતના સરપંચ ઈન્દુમતીબેન આશાણી, ઉપ સરપંચ વીરમ રબારી સહિતના પંચાયતના સભ્યો અને અગ્રણી ગ્રામજનોએ પણ બેઉ નિર્દોષ માલધારી યુવકોને મુક્ત કરી કાવતરું કરી ગૌવંશ હત્યા કરનાર ચાર યુવકોની ધરપકડ કરવા એસપી કચેરીમાં લેખીત રજૂઆત કરી છે.
જાણો, માનકૂવા પીઆઈનો વિગતવાર ખુલાસો
દિનેશ કોલીની કબૂલાતનો વીડિયો, સોશિયલ મીડિયા પર મુસ્લિમ સમાજમાં સર્જાયેલાં ઉહાપોહના પગલે પોલીસે પણ મામલાને ગંભીરતાથી લીધો છે. માનકૂવાના પીઆઈ કુલદીપ ગઢવીએ જણાવ્યું કે અમે બનાવની સત્યતા જાણવા આરોપીનો કબજો સુપ્રત કરવા ગઢશીશા પોલીસને જાણ કરી છે.
વાયરલ વીડિયો જોતાં જણાય છે કે દિનેશ કોલીને માર મારીને તેની પાસે દહીંસરાના બનાવની કબૂલાત કરાવાઈ છે. માર મારીને ભય પમાડીને ગુનાની કબૂલાત કરાવાઈ તે શક્યતા નકારી શકાય નહીં.
અમે જ્યારે દહીંસરામાં દરોડો પાડ્યો ત્યારે બેઉ ભાઈઓને રંગેહાથ સ્થળ પરથી પકડ્યાં હતા. કતલ કરાયેલાં વાછરડાનું માંસ વાડાની એક ઓરડીમાં પડેલું.
આરોપીઓને અમે કતલ માટે વપરાયેલી છરી સાથે પકડેલાં. સમગ્ર દરોડાનું વીડિયો રેકોર્ડીંગ પણ કરેલું છે.
દિનેશની કબૂલાતની સત્યતા જાણવા માટે ખરેખર દિનેશ સહિતના ચારે આરોપી દરોડા સમયે ક્યાં હતા તે જાણવા તેમના મોબાઈલ લોકેશન સહિતનો ડેટા પણ એકત્ર કરશું. જે જમાદારનું નામ અપાય છે તે રમેશભાઈ તો ક્યાંય ચિત્રમાં જ નથી. ના તો તેણે અમને બાતમી આપેલી કે ના દરોડા સમયે તે અમારી જોડે સામેલ હતો. મુસ્લિમ આગેવાનોએ સમગ્ર ઘટના અંગે અન્ય અધિકારીઓ પાસે તટસ્થ તપાસ કરાવવા માગ કરી છે.
જે પોલીસે દરોડો પાડ્યો તે જ પોલીસ જો દિનેશ કોલીની કબૂલાત - આરોપની તપાસ કરશે તો સત્ય કદી બહાર નહીં આવે તેવી મુસ્લિમ સમાજને આશંકા છે.
Share it on
|