click here to go to advertiser's link
Visitors :  
20-Dec-2025, Saturday
Home -> Bhuj -> Naliya Court orders to book police staff who assaulted and demanded 50 K
Saturday, 20-Dec-2025 - Bhuj 5083 views
કોઠારાના ૭ પોલીસ કર્મીઓ સામે ફરિયાદ નોંધી તપાસ અહેવાલ આપવા કૉર્ટનો હુકમ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ અબડાસાના રાયધણઝરની વાડીએ ૩૯ વર્ષિય યુવક અને તેના ભાઈને ખોટાં કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને મારકૂટ કરી, પચાસ હજાર રૂપિયાની માંગણી કરવાના બનાવમાં નલિયા કૉર્ટે કોઠારાના ૭ પોલીસ કર્મી પર FIR દાખલ કરવા હુકમ કર્યો છે.  કૉર્ટે ગત મંગળવારે કરેલા આ હુકમથી પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. જો કે, આરોપીઓ સામે હજુ કોઈ FIR નોંધાઈ નથી.
જાણો, શો હતો એ બનાવ

હિંગોરા અસલમ ઝકરીયાએ અગાઉ કોઠારા પોલીસ અને એસપીને મોકલેલી અરજીમાં લખ્યું છે કે તે ખીરસરા (વિંઝાણ) ગામે રહે છે અને નજીકમાં આવેલા રાયધણઝર ગામની સીમમાં લાલજી રાઠોડની વાડીએ ભાગમાં મગફળી વાવી છે.

૨૧-૧૦-૨૦૨૫ની રાત્રે વાડીએ રખોપું કરતો હતો ત્યારે દોઢ વાગ્યે કોઠારા પોલીસ સ્ટેશનના રવિરાજસિંહ જાડેજા સહિત કુલ સાત કર્મચારી તેની વાડીએ આવેલાં.

પોલીસ કર્મચારીઓએ તેને પકડીને ‘બંદુક અને દારુગોળો ક્યાં છે?’ તેવું પૂછેલું. જેથી તેણે પોતાની પાસે બંદુક કે દારુગોળો ના હોવાનું જણાવતાં સાતેય જણે લાકડી, રબરના પટ્ટા અને મુક્કા લાતોથી તેને સખત માર મારીને અધમૂવો કરી દીધો હતો. તેનો મોબાઈલ ફોન લઈ લીધો હતો. બાદમાં નજીકની વાડીએ રહેલા તેના ભાઈ સલીમ ઝકરીયાને અન્ય એક પોલીસ કર્મચારી પકડી લાવેલો. બેઉ ભાઈને ગાળો ભાંડીને પોલીસ જીપમાં બેસાડેલાં.

રસ્તામાં પોલીસ કર્મચારીઓએ અસલમ પાસે પચાસ હજાર રૂપિયાની માંગણી કરેલી. અસલમે પોતે ગરીબ હોવાનું જણાવી પૈસા ક્યાંથી આપું? તેવો જવાબ આપેલો.

મોબાઈલમાં બેસાડીને બેઉ ભાઈને થોડેક આગળ વકાસ જુસબ હિંગોરા અને તેના ભાઈ અબ્દુલ કાદરના બકરાંના વાડા પર લઈ જવાયેલાં. બેઉને પરોઢે પાંચ વાગ્યા સુધી ત્યાં ગોંધી રાખેલાં.

પરોઢે પાંચ વાગ્યે છોડીને પોલીસવાળા જતા રહેલા

રવિરાજે હિંગોરા અસલમના ભાગીદાર લાલજી રાઠોડના પુત્ર ભરતને ફોન કરી જણાવેલું કે ‘આજે મૂકી દીધેલ છે સંબંધ ખાતર. બીજી વખત ગમે તેવા કેસમાં ફસાવી દઈશું’ પોલીસવાળા મોબાઈલ પરત આપીને ચાલ્યાં ગયેલાં.

PSI SPને રજૂઆત છતાં ફરિયાદ ના નોંધાઈ

સખત મારના લીધે શરીરમાં પીડા થતી હોઈ અસલમને સગાં સંબંધીઓ જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ૧૮-૧૦-૨૦૨૫ના રોજ તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો હતો. એમએલસી દાખલ થઈ હોવા છતાં પોલીસ તેની ફરિયાદ લેવા માટે આવી નહોતી. આ મામલે ૨૧-૧૦-૨૦૨૫ના રોજ અસલમે કોઠારા પીએસઆઈને ઉદ્દેશીને ફરિયાદ નોંધવા અરજી કરેલી. કોઠારા પોલીસે ફરિયાદ દાખલ કરી નહોતી કે અરજી કામે તેનું નિવેદન પણ લીધું નહોતું. જેથી અસલમે પશ્ચિમ કચ્છને એસપીને ૧૩-૧૧-૨૦૨૫ના રોજ આ મામલે કોઠારા પોલીસને ફરિયાદ નોંધવાનો હુકમ કરવા અરજી કરેલી.

નલિયા કૉર્ટે FIR દાખલ કર્યો હુકમ

પોલીસ ફરિયાદ દાખલ ના કરતી હોઈ અસલમે નલિયાના અધિક ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટની કૉર્ટમાં અરજી દાખલ કરેલી. કૉર્ટે તેની અરજીને મંજૂર કરીને, અરજીમાં દર્શાવેલી હકીકત જોતાં પ્રથમ દ્રષ્ટિએ કોગ્નિઝેબલ ગુનો બન્યો હોવાનું જણાઈ આવતું હોઈ તેના આધારે ગુનો દાખલ કરવા અને ૬૦ દિવસની અંદર કૉર્ટ સમક્ષ તપાસ અહેવાલ રજૂ કરવા હુકમ કર્યો છે.

Share it on
   

Recent News  
કરોડોનું ફુલેકું ફેરવનાર યુનિક કંપનીના પિતા પુત્રને ભુજ પોલીસ અ’વાદથી પકડી લાવી
 
કિશોરીની છેડતી અને હુમલાના ગુનામાં મોટી રાયણના પિતા પુત્રને એક વર્ષની સખ્ત કેદ
 
સરહદે દારૂના મોબાઈલ અડ્ડાનો પર્દાફાશ કરનાર આગેવાનને LCBએ ખંડણી કેસમાં ફીટ કર્યો