click here to go to advertiser's link
Visitors :  
08-Mar-2026, Sunday
Home -> Kutch -> Lady Bootlegger Caught Again Third Major Liquor Bust in Less Than a Year
Saturday, 07-Mar-2026 - Bhuj 2236 views
ભુજની મહિલા બૂટલેગર નેહા લાખાણીએ ભાડાના ફ્લેટમાં રાખેલો પાંચ લાખનો શરાબ ઝડપાયો
કચ્છખબરડૉટકોમ, ભુજઃ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભુજમાં મહિલા બૂટલેગરે ભાડે રાખેલાં ફ્લેટમાં દરોડો પાડીને ૫ લાખ ૭૫૯૦ની કિંમતના મોંઘાદાટ વિદેશી શરાબની વિવિધ બ્રાન્ડની ૧૮૬ બોટલો જપ્ત કરી છે. આરોપી મહિલા અગાઉ બે વખત દારૂના જથ્થા સાથે ઝડપાઈ ચૂકી છે.

ભુજના પ્રમુખસ્વામીનગરના ગેટ નંબર ૨૨ અને શેરી નંબર ૧૩માં રહેતી ૪૫ વર્ષિય નેહાબેન અક્ષયભાઈ લાખાણીએ ભુજના જ્યુબિલી સર્કલ નજીક આઈયા એપાર્ટમેન્ટના બ્લોક નંબર-૨માં ગ્રાઉન્ડ ફ્લૉર પર ભાડે ફ્લેટ રાખીને તેમાં વેચાણ અર્થે વિદેશી શરાબનો જથ્થો રાખ્યો હોવાની એલસીબીને બાતમી મળેલી.

એલસીબીએ ફ્લેટમાં દરોડો પાડીને બેલેન્ટીઝ, રેડ લેબલ, બ્લેક લેબલ, બ્લેક ડૉગ, બ્લોન્ડ, જૅક ડૅનિયલ, સ્મિરનઑફ્ફ, મેજિક મોમેન્ટ્સ વગેરે બ્રાન્ડના મોંઘાદાટ વિદેશી સ્કૉચ વ્હિસ્કી, વોડકા અને વાઈનની ૧૮૬ બાટલીઓ જપ્ત કરી હતી.

નેહા અગાઉ પણ પોલીસ ચોપડે ચૂકેલી છે. ૨૮-૦૫-૨૦૨૫ના રોજ એલસીબીએ પ્રમુખસ્વામીનગરમાં નેહાના રહેણાકમાં દરોડો પાડીને ૩ લાખ ૩૭૯૬ની કિંમતના વિદેશી શરાબની ૧૧૫ બાટલીઓ જપ્ત કરી હતી. તો, ૧૦-૦૭-૨૦૨૫ના રોજ ભુજ એ ડિવિઝન પોલીસે તેના રહેણાકમાં દરોડો પાડી ૫૧ હજારની ૨૩ બાટલીઓ જપ્ત કરી હતી.

મુંબઈથી માલ લાવે છે, હવે પાસાની શક્યતા

નેહા મુંબઈ જઈને વિવિધ વાઈનશોપમાંથી મોંઘી બ્રાન્ડનો શરાબ ખરીદીને ભુજ લાવી હાઈ સોસાયટીના મદિરાપ્રેમીઓને ઊંચા ભાવે વેચાણ કરે છે. દસ મહિનામાં ત્રીજીવાર દારૂના કેસમાં ચોપડે ચઢતાં હવે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા હવે તેને પાસામાં ફીટ કરાય તેવી શક્યતા છે.

અન્ય દરોડામાં આંકડા લખતી મહિલા પન્ટર ઝડપાઈ

‘વિશ્વ મહિલા દિવસ’ના આગલા દિવસે એકતરફ ભુજમાંથી પોલીસે મહિલા બૂટલેગરનો પાંચ લાખનો દારૂ જપ્ત કરી ક્વૉલિટી કેસ કર્યો છે તો બીજી તરફ ભુજ બી ડિવિઝન પોલીસે આંકડાનો જુગાર રમાડતી મહિલા પન્ટરને પકડી છે. ભુજના આલાવારા કબ્રસ્તાન નજીક ‘નાઈટ મિલન બજાર’ના આંકડા લખતી ૩૫ વર્ષિય કુલસુમ D/o અલીમામદ રાયમાને પોલીસે ૨૬ હજાર ૪૩૦ રોકડાં રુપિયા, આંકડા લખવાની જાડી ડાયરી અને બૉલપેન સાથે ઝડપી પાડી તેની વિરુધ્ધ જુગાર ધારાની કલમ ૧૨ એ હેઠળ કેસ કર્યો છે.

ઘાણીથરમાં કારમાંથી ૫૩ હજારનો દારૂ જપ્ત 

એક તરફ, પશ્ચિમ કચ્છમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે મહિલા બૂટલેગરનો માલ પકડ્યો છે બીજી તરફ પૂર્વ કચ્છમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે રાપરના ઘાણીથર ગામ પાસે સ્વિફ્ટ કારમાંથી ૫૩ હજાર ૭૦૦ની કિંમતના શરાબની ૧૭૯ નંગ ક્વાર્ટર બાટલીઓ જપ્ત કરી છે. પલાંસવાનો બૂટલેગર વિહો ઊર્ફે વિશાલ શક્તાભાઈ ભરવાડ અને ગાંધીધામનો બૂટલેગર રૉકી ઊર્ફે નવઘણ દેવજીભાઈ ભરવાડ બેઉ જણ GJ-12 FD-2969 નંબરની સ્વિફ્ટ કારમાં દારૂનો જથ્થો લઈને પલાંસવાથી ઘાણીથર આવવા નીકળ્યાં હોવાની બાતમીના પગલે એલીસીબીની ટીમે વૉચ ગોઠવેલી. પોલીસને જોઈ આરોપીઓ કાર અટકાવવાના બદલે ગામના સીમાડા તરફ ભાગેલાં. બાદમાં દારૂ ભરેલી કાર મૂકીને અંધારામાં અલોપ થઈ ગયાં હતા.

Share it on
   

Recent News  
વા વાયો ને નળિયું ખસ્યું… ભુજમાં ઉડતી દેખાયેલી એ ભેદી ચીજ સિરિઝવાળા ફુગ્ગાં હતા!
 
ભુજના આકાશમાં પચાસથી વધુ ચળકતાં ડ્રોન જેવા ઉડતાં ભેદી પદાર્થથી લોકોમાં કુતૂહલ
 
જજસાહેબ અમારો બાપ જ માનો હત્યારો છેઃ સંતાનોની જુબાની અને હત્યારા બાપને જનમટીપ