કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજમાં મટન શોપ ચલાવતાં ૨૫ વર્ષિય યુવકને આદિપુરની યુવતી મારફતે પ્રેમ જાળમાં ફસાવી પાંચ જણે કાવતરું ઘડીને નકલી પતિ અને નકલી પોલીસ બનીને ૨૧ લાખ રૂપિયા પડાવી લીધાં હોવાનો બનાવ બહાર આવ્યો છે. ૧૭-૧૧-૨૦૨૪થી ૨૫-૦૨-૨૦૨૫ દરમિયાન બનેલા બનાવ અંગે ભુજ એ ડિવિઝન પોલીસે આદિપુરની મુસ્કાન નામની યુવતી સહિત પાંચ લોકો સામે ગુનો દાખલ કરીને કેટલાંક આરોપીઓની અટક કરી ગહન પૂછપરછ હાથ ધરી છે. શહેરના હારુન જ્વેલર્સ પાસે ખાટકી ફળિયામાં રહેતા અને મટન શોપ ધરાવતા મહેબુબ શબ્બિર ખાટકીએ બનાવ અંગે મુસ્કાન, કોડકી રોડ પર ધારાનગરમાં રહેતા કોંગ્રેસી કાઉન્સિલર અબ્દુલ્લ હમીદ સમા, ખાટકી ફળિયામાં રહેતા સરફરાઝ રજાક ખાટકી, અંજારના મામદ નોડે તથા પોલીસ તરીકે ખોટી ઓળખ આપનાર મોબાઈલ નંબરધારક મળી પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદીએ જણાવ્યું કે પાંચે જણે ભેગાં મળીને તેને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા પડાવવાનું ષડયંત્ર રચ્યું હતું. જેના ભાગરૂપે મુસ્કાન નામની સ્ત્રી તેને હિલગાર્ડનમાં ફરવા લઈ ગઈ હતી. બેઉ જણ બાઈક પર હિલગાર્ડનથી પરત જતા હતા ત્યારે અબ્દુલ્લ સમાએ બેઉના ફોટોગ્રાફ પાડી દઈને અન્ય આરોપીઓને મોકલી આપ્યાં હતાં.
અંજારના મામદ નોડેએ આ ફોટોના આધારે મુસ્કાન પોતાની પત્ની હોવાનું જણાવીને ફરિયાદીને ડાટી ડફારા કરી બ્લેકમેઈલ કરીને મામલાની પતાવટ માટે ૧૯ લાખ રૂપિયાની માંગણી કરી હતી. ફરિયાદીએ તે રૂપિયા ચૂકવી દીધાં હતાં.
આરોપીઓએ ફરિયાદીને દબાણમાં લાવવા ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ખોટી અરજી કરેલી.
જેમાં સમાધાનના નામે અજાણ્યા મોબાઈલ પરથી પોલીસ કર્મચારી તરીકે ખોટી ઓળખ આપીને ત્રણ લાખ રૂપિયાની માંગણી કરાયેલી. અબ્દુલ્લ સમા અને સરફરાઝે નકલી પોલીસ વતી આ ત્રણ લાખ રૂપિયા મેળવ્યાં હતાં. આમ આરોપીઓએ કાવતરું રચીને ૨૧ લાખ રૂપિયા પડાવી લીધાં હોવાનું સ્પષ્ટ થતાં પાંચેય સામે BNS કલમ ૩૦૮ (૬), ૩૫૧ (૨), ૬૧ (૨), ૨૦૪ મહેબુબે ફરિયાદ નોંધાવી છે.
Share it on
|