click here to go to advertiser's link
Visitors :  
13-Jun-2025, Friday
Home -> Bhuj -> MP Couple robbed of 2.30 Lakh by MP Gang in Bhuj
Sunday, 08-Jun-2025 - Bhuj 13146 views
રીઢા ચીટરોને છાવરવાનું પરિણામ! ભુજમાં MPના નગરસેવક યુગલ જોડે ૨.૩૦ લાખની લૂંટ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કોલકતાના યુવકને ભુજ બોલાવી દસ લાખ રૂપિયાની ઠગાઈ કરવાના પ્રકરણમાં તોડબાજ કોન્સ્ટેબલ અને રીઢા ચીટરોની ટોળકીને SP વિકાસ સુંડાએ સરેઆમ છાવરતાં આવી ચીટર ગેંગો બેફામ બનવાની કચ્છખબરે દર્શાવેલી ભીતિ સાચી ઠરી છે. ભુજમાં સસ્તાં સોનાના નામે ઠગાઈ કરતી રીઢા ચીટરોની ચોકડીએ મધ્યપ્રદેશના નગરસેવક યુગલને વાહનોથી ધમધમતાં ભુજ માધાપર રીંગ રોડ ભરબપોરે લૂંટી લીધું છે.

શનિવારે બપોરે બાર વાગ્યે સ્મૃતિવન મ્યુઝિયમ સામે ઝાંસી કી રાની સર્કલ પાસે થયેલી લૂંટના બનાવ અંગે ભુજ બી ડિવિઝન પોલીસે ભેદી સંજોગોમાં ૨૬ કલાક બાદ છે..ક આજે બપોરે બે વાગ્યે ફરિયાદ દાખલ કરી છે.

નચિંત પોલીસે ફરિયાદ દાખલ થવામાં થયેલા વિલંબ અંગેનું કારણ દર્શાવવું ફરજિયાત હોવા છતાં તે અંગે કોઈ વિગત દર્શાવી નથી!  

ફરિયાદી ૩૨ વર્ષિય રાજેન્દ્ર મિશ્રા મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાના હરપાલપુર શહેરની નગરપાલિકાનો નગરસેવક છે. મિશ્રા તેની પત્ની સાથે કચ્છમાં ફરવા આવ્યો છે. ગુરુવારે ઑફિસના કોમ્પ્યુટર ઓપરેટર મહેન્દ્ર સોનીએ ફોન કરીને  રાજેન્દ્રને જણાવેલું કે ભુજમાં બજાર ભાવ કરતાં ૧૫થી ૨૦ ટકા ઓછાં ભાવે સસ્તામાં સોનું આપતી એક વ્યક્તિ જોડે તેનો અગાઉ સંપર્ક થયેલો. મહેન્દ્ર સોનીએ તે શખ્સનો મોબાઈલ નંબર આપીને રાજેન્દ્ર મિશ્રાને સંપર્ક કરવા કહેલું.

રાજેન્દ્રએ તે નંબર પર ફોન કરતાં અબ્દુલ ફારુક સમા નામના ચીટરે ફોન ઉપાડેલો અને તેણે તેને ભુજના જ્યુબિલી સર્કલ પર મળવા બોલાવેલો.

રાજેન્દ્ર જ્યુબિલી સર્કલ પર ગયેલો ત્યારે GJ-12 FA-9774 નંબરની એક સફેદ ક્રેટા કારમાં અજાણ્યા માણસને લઈને અબ્દુલ સમા ત્યાં આવેલો અને સોનાનું બિસ્કિટ બતાડવા માટે પોતાના ઘરે આવવા જણાવી તેની ગાડી પાછળ આવવા કહીને તૈયબા ટાઉનશીપમાં લઈ ગયો હતો. અહીં એક ઘરમાં રાજેન્દ્રને સોનાનું બિસ્કીટ બતાડેલું અને પોતે દુબઈથી અહીં લાવીને પંદર વીસ ટકા ઓછા ભાવે વેચાણ કરતાં હોવાનું જણાવેલું. જો કે, હાલ પોતાની પાસે બહુ રુપિયા ના હોવાનું જણાવીને રાજેન્દ્ર પરત લોહાણા મહાજન વાડીમાં રાખેલાં રૂમ પર આવી ગયો હતો.

બેફામ ચીટરો શનિવારે બપોરે સરાજાહેર લૂંટ કરી ફરાર

શનિવારે રાજેન્દ્ર તેની પત્ની સાથે સ્મૃતિવન ફરવા આવ્યો હતો તે સમયે બપોરે બાર વાગ્યે ચીટરોએ તેનો ફરી સંપર્ક કરીને તેને સ્મૃતિવન સામે બાપા સીતારામની મઢુલી પાસે મળવા બોલાવ્યો હતો. રાજેન્દ્ર તેમને મળવા ગયો ત્યારે એ જ સફેદ ક્રેટા કારમાં લઈને આવેલા ત્રણ ચીટરોએ ‘તમારી પાસે જેટલાં રૂપિયા હોય તેટલા રૂપિયા આપો, આ બિસ્કીટ સેમ્પલરૂપે લઈ જાવ, ત્યાંની માર્કેટમાં વેચીને ભરોસો બેસે પછી વેપાર કરજો’ તેવી વાતો કરી હતી.

વાત વાતમાં રાજેન્દ્ર પોતાની પાસે હાલ ૨.૩૦ લાખ રૂપિયા હોવાનું બોલી ગયો હતો. વાતો વાતોમાં અચાનક જ એક જણે રાજેન્દ્રની પત્ની પાસે રહેલી ૨.૩૦ લાખ રોકડાં રૂપિયા ભરેલી બેગ ઝૂંટવી લીધી હતી અને બીજા લોકો રાજેન્દ્રને ધક્કો મારી ગાડી લઈ નાસી છૂટ્યાં હતાં.

રાજેન્દ્રએ પણ પોતાની કારથી તેમનો પીછો કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ ગાયબ થઈ ગયાં હતાં. બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પશ્ચિમ કચ્છમાં અગાઉ સૌરભ તોલંબિયા, સૌરભ સિંઘ, રેન્જ આઈજી ડી.બી. વાઘેલા જેવા અધિકારીઓએ આવા ચીટરો સામે કડક એક્શન લઈને તેમની કમર તોડી નાખી હતી. પરંતુ, પોતાની ફરજ ભૂલીને બે ટકાના નેતાના આદેશને સરન્ડર થઈને આરોપીઓને સરેઆમ છાવરી રહેલા હાલના અધિકારીઓના લીધે પશ્ચિમ કચ્છમાં ફરી ઠગ ગેંગો બેફામ બને તેવી શક્યતા અસ્થાને નથી.
Share it on
   

Recent News  
નકલી નોટોથી ઠગાઈ થાય તે અગાઉ LCBએ રહેણાકમાં રેઈડ કરી ૬ ચીટરને રંગેહાથ પકડ્યાં
 
એકતરફી પ્રેમાંધ પીપરના યુવકે યુવતીની હત્યા કરીઃ જખણિયામાં ભુજના યુવકની હત્યા
 
એવું શું થયું કે અમદાવાદમાં એર ઈન્ડિયાનું ડ્રીમ લાઈનર આગનો ગોળો બની ક્રેશ થયું?