કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છમાં પોલીસે નશાના કારોબાર પર ધોંસ બોલાવી છે. રાપરમાં પોલીસે ૮ લાખ ૯૯ હજારની કિંમતનો ૨૯૯ કિલોગ્રામ પોસ ડોડાનો જંગી જથ્થો જપ્ત કર્યો છે. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ૧.૯૨ લાખના ૧૯ કિલો ગાંજા સાથે ત્રણ જણને ઝડપ્યાં છે. બીજી તરફ, પૂર્વ કચ્છ LCBએ લાકડીયા નજીક હાઈવે હોટેલમાં દારૂના કારોબારનો પર્દાફાશ કરીને ૩૨ હજારનો ઈંગ્લિશ શરાબ ઝડપ્યો છે. તો, પશ્ચિમ કચ્છ LCBએ મુંબઈથી ટ્રેન મારફતે ૬૧ હજારના મૂલ્યની શરાબની બાટલીઓ લાવનારા ભુજના યુવકને ઝડપ્યો છે.
♦રાપર પોલીસે બાતમીના આધારે આજે બપોરે કાનપર ગામના સ્મશાન નજીકના રોડ પર જાપ્તો ગોઠવીને પ્રાગપર તરફ જઈ રહેલી બોલેરો પીક અપ જીપને અટકાવીને તેમાં રાખેલા કંતાન અને પ્લાસ્ટિકના ૧૫ કોથળામાંથી ૮ લાખ ૯૯ હજારની કિંમતનો ૨૯૯ કિલોગ્રામ પોસ ડોડાનો જંગી જથ્થો જપ્ત કર્યો છે.
♦જીપચાલક ભરત રવજી કોલી (રહે. કિડીયાનગર, રાપર)એ પોલીસને પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું કે તેના ગામના સવાભાઈ દુદાભાઈ ચાવડાએ વર્ધીમાં જવાનું છે કહીને તેની જોડે બોલેરોમાં બેસી, હમીરપરથી આગળ ફતેહગઢ પહેલાં ખાંડેક તરફ જતા રસ્તે લઈ ગયેલો. અહીં રસ્તાની સાઈડમાં પડેલાં પોસ ડોડાના કોથળા જીપમાં ભરીને તેની સાથે પ્રાગપર આવવા નીકળેલો.
♦આ કોથળા પ્રાગપરના ખેતરમાં ખાલી કરવાના હતા. જો કે, કાનપર આવે તે અગાઉ સવો જીપમાંથી ઉતરી ગયેલો અને તેને એકલાને પ્રાગપર જવા જણાવેલું. ઉતાવળમાં સવો જીપમાં તેનો મોબાઈલ ફોન પણ ભૂલી ગયેલો.
♦પોલીસે પાંચ લાખની જીપ, પોસ ડોડા, બે મોબાઈલ ફોન વગેરે મળી કુલ ૧૪ લાખ ૪૯૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ભરત અને સવા બેઉ સામે નાર્કોટિક્સની કલમો તળે ગુનો નોંધ્યો છે. પીઆઈ જે.બી. બુબડીયા અને પીએસઆઈ એચ.વી. કાતરિયા સહિતનો સ્ટાફ કામગીરીમાં જોડાયો હતો.
♦ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ગળપાદરની સહારાનગર સોસાયટીમાં હરપાલસિંહ અજીતસિંહ જેઠવા નામના યુવકના રહેણાકમાં દરોડો પાડીને ૧.૯૨ લાખના ૧૯ કિલો ૨૭૪ ગ્રામ ગાંજા સાથે હરપાલ અને તેના બે સાગરીતોની ધરપકડ કરી છે. હરપાલ ગાંજાનું છૂટક વેચાણ કરતો હોવાની પોલીસને બાતમી મળેલી. તેના ઘરમાંથી જોગેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા (સહારાનગર) અને મનોજ શર્મા નામના બે સાગરીતો ઝડપાયાં છે.
♦કાર્ગો ઝૂંપડટ્ટીમાં રહેતો મનોજ શર્મા જોગેન્દ્રના કહેવાથી એક્ટિવા પર હરપાલને ગાંજાની ડિલિવરી આપવા આવેલો. મનોજને ગાંજાનો જથ્થો અનુ ઉડીયો નામનો આપી ગયેલો. પોલીસે ચારે સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પીઆઈ એમ.ડી. ચૌધરી અને પીએસઆઈ એમ.એચ. જાડેજા, વી.એચ. ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફે સફળ દરોડો પાડ્યો હતો.
♦પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગત રાત્રે લાકડીયાથી ચિત્રોડ જતા રોડ પર બળિયાદેવ હોટેલમાં રેઈડ કરીને હોટેલના રસોડામાંથી ઈંગ્લિશ દારૂની નાની મોટી ૫૭ બોટલો અને બિયરના ૫૫ ટીન મળી ૩૨ હજારનો શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો.
♦હોટેલનો સંચાલક ચંદ્રસિંહ બળવંતસિંહ જાડેજા (રહે. લાકડીયા) ઘરાકોને હોટેલમાં ખાવા સાથે પીવાની સેવા આપતો હોવાની પોલીસને બાતમી મળેલી. જોકે, દરોડા સમયે સંચાલક હોટેલમાં હાજર મળ્યો નહોતો.
♦ભુજમાં વેચાણ અર્થે મુંબઈથી ટ્રેનમાં ઈંગ્લિશ શરાબ લઈને આવનારો ભુજના જ્યેષ્ઠાનગરનો રાજકુમાર રવિલાલ દાવડા નામનો યુવકને તે ઘરે પહોંચે તે પહેલાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે રસ્તામાંથી ઝડપી પાડ્યો છે. રાજકુમાર પાસે રહેલી ટ્રૉલી બેગ અને કોથળામાંથી પોલીસે ૬૧ હજારની કિંમતની વ્હિસ્કી અને રમની ૬૨ બાટલીઓ જપ્ત કરી હતી. ઈન્ચાર્જ પીઆઈ એચ.આર. જેઠી, પીએસઆઈ જે.બી. જાદવ સહિતનો સ્ટાફ કામગીરીમાં જોડાયો હતો.
Share it on
|