click here to go to advertiser's link
Visitors :  
09-Jun-2026, Tuesday
Home -> Bhuj -> Mother and Disabled Son Found Dead Inside Locked House in Bhuj
Wednesday, 20-May-2026 - Bhuj 29395 views
મોત આ રીતે ત્રાટકતું હશે? ભુજમાં બંધ ઘરમાંથી માતા અને વિકલાંગ પુત્રની લાશ મળી
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ શહેરના રવાણી ફળિયામાં આજે ભેદી સંજોગોમાં વયોવૃધ્ધ માતા અને વિકલાંગ પુત્ર મૃત્યુ પામેલી હાલતમાં મળી આવતા પોલીસ ખાતું ચકરાવે ચઢ્યું છે. ઘટનાની પ્રાથમિક તપાસમાં બેઉના મૃત્યુ આકસ્મિક રીતે થયાં હોવાનું પોલીસનું અનુમાન છે. રવાણી ફળિયામાં રહેતા ૭૦ વર્ષિય રસીલાબેન પ્રફુલ્લચંદ્ર બારમેડા અને ૩૪ વર્ષિય પુત્ર ભારત બેઉના અલગ અલગ રૂમમાંથી મૃતદેહ મળી આવ્યા હતા. ઘર અંદરથી બંધ હતું. સવારે ૧૦.૩૦ના અરસામાં દરવાજો ના ખૂલતાં પોલીસને જાણ કરાઈ હતી.
પોલીસને સીસીટીવીના ફૂટેજમાં આ દ્રશ્યો જોવા મળ્યાં

મકાનની અંદર પ્રત્યેક ખંડમાં ત્રણ સીસીટીવી કેમેરા અને એક કેમેરા ઘરની બહાર લગાડાયેલો હતો. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજનું અવલોકન કરતાં બહારથી ઘરની અંદર કોઈ આવ્યું નથી. વહેલી સવારે માતા પથારીમાંથી ઊભાં થવા પ્રયાસ કરે છે પરંતુ ઉઠી શકતી નથી અને પછી પથારીમાં જ પડી જાય છે તેવું સીસીટીવી ફૂટેજમાં દેખાય છે. ત્યારબાદ થોડાંક કલાકો બાદ બીજા રૂમમાં રહેલો શરીરે સંપૂર્ણ વિકલાંગ પુત્ર ભારત પણ માંડ માંડ ઊભો થવાના પ્રયાસમાં નીચે ફસડાઈ જતો જણાય છે અને બેડની પાસે રહેલા ડ્રેસીંગ ટેબલ સાથે તેનું ગળું ઘસાતું હોવાનું જણાય છે.

આકસ્મિક મોતના પ્રાથમિક અનુમાન સાથે PM રિપોર્ટની રાહ

પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે માતાનું સવારે હાર્ટ એટેકથી નિધન થયું હશે. માતાના મૃત્યુથી અજાણ પુત્રએ સવારે માતાને ના જોતાં પોતે ઊભાં થવા પ્રયાસ કર્યો હશે અને અકસ્માતે મૃત્યુ નીપજ્યું હશે.

ભારત છેલ્લાં દોઢેક દાયકાથી સંપૂર્ણ લકવાગ્રસ્ત હતો. ભૂકંપ સમયે પિતા અને એક પુત્રનું મૃત્યુ નીપજેલું. ગોઝારા ભૂકંપમાં રસીલાબેનના દિયર અને જેઠ સહિતના મોટાભાગના સ્વજનો ગુજરી ગયેલાં.

એકલવાયું જીવન જીવતાં માતા પુત્ર પર અચાનક આ રીતે મોત ત્રાટક્યું તે બાબત મોટાભાગના લોકોને ગળે ઉતરતી નથી. પોલીસ પોસ્ટમોર્ટમના વિગતવાર રિપોર્ટની રાહ જોઈ રહી છે. ઘટનાની તપાસ ભુજ એ ડિવિઝનના પીઆઈ એમ.આર. નકુમ અને મહિલા પીએસઆઈ એચ.આર. મોરી કરી રહ્યાં છે.

Share it on
   

Recent News  
ભુજ માધાપરમાં તરખાટ મચાવનારો રીઢો ચેઈન સ્નેચર હવે મોરબીમાં હાથ અજમાવતાં ઝડપાયો
 
ભુજની ખાનગી હોસ્પિટલમાં બખેડોઃ ત્રિપુટીએ કોન્સ્ટેબલને માર મારીને ગુસ્સો ઉતાર્યો!
 
નાના વરનોરામાં ૨૧ ગેરકાયદે દુકાનો પર ફર્યું બુલડોઝરઃ ૩૭.૫૦ લાખની જમીન દબાણમુક્ત