કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજમાં વ્યાજખોર પિતા પુત્રએ માસિક આઠ અને દસ ટકાના વ્યાજે આપેલાં સાડા પાંચ લાખ રૂપિયા સામે 14.40 લાખ વસૂલ્યાં છતાં પોણા પાંચ લાખની ઉઘરાણી બાકી હોવાનું કહીને લેણદારને માર મારી ધમકી આપી હોવાનો બનાવ બહાર આવ્યો છે. બનાવ અંગે યશ ઊર્ફે ગુરુ જીતેન્દ્ર કોઠારી અને તેના પિતા જીતેન્દ્ર કોઠારી (રહે. જૂની રાવલવાડી, ભુજ) સામે મનોજ હિરાલાલ ઠક્કરે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ભંગારનો વાડો ધરાવતા મનોજ ઠક્કરે પોલીસને જણાવ્યું કે તેની દીકરીને જન્મજાત બ્લડ કેન્સર છે અને તે મંદબુધ્ધિની છે. તેની સારવાર માટે નાણાંની જરૂરિયાત ઊભી થતાં ત્રણ વર્ષ અગાઉ તેણે ભુજ બસ પોર્ટમાં ચાની હોટેલ ધરાવતા યશ પાસેથી દસ દિવસમાં ટૂકડે ટૂકડે ત્રણ વખત સાડા પાંચ લાખ રૂપિયા વ્યાજે મેળવ્યાં હતાં.
પ્રથમ દોઢ લાખ રૂપિયા 6 ટકે, બે લાખ 8 ટકે અને બે લાખ 10 ટકે મેળવ્યાં હતાં. ચૂકવણીરૂપે દર મહિને 40 હજારનો હપ્તો ભરવાનો નક્કી થયું હતું. 5.50 લાખ સામે ત્રણ વર્ષ સુધી એટલે કે ઓક્ટોબર 2024 સુધી ફરિયાદીએ નિયમિતપણે મહિને 40 હજાર લેખે તેમને 14.40 લાખ રૂપિયા ચૂકવી આપ્યાં છે.
ત્યારબાદ નાણાં ચૂકવવાનું બંધ કરતાં પિતા પુત્રએ હજુ રૂપિયા લેવાના બાકી નીકળતાં હોવાનું કહીને પઠાણી ઉઘરાણી શરૂ કરેલી. 20મી એપ્રિલના રોજ પિતા પુત્રે ફરિયાદીને બસ સ્ટેશન ખાતે બોલાવીને 4.75 લાખ ચૂકવવાના બાકી હોવાનું કહીને ફરિયાદીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આદિપુરમાં ત્રણ વ્યાજખોરો સામે ફરિયાદ દાખલ
આદિપુરમાં બે વર્ષ અગાઉ વ્યાજે મેળવેલાં બે લાખ રૂપિયા ટૂકડે ટૂકડે ચૂક્તે કરી દેવાયાં હોવા છતાં વ્યાજખોર શખ્સે તેના ભાઈ અને સાગરીત સાથે મળીને એક યુવકને જબરદસ્તી બાઈક પર બેસાડી નિર્જન વિસ્તારમાં લઈ જઈને મારકૂટ કરી પરાણે દસ્તાવેજોમાં સહી કરાવડાવી હોવાનો બનાવ બહાર આવ્યો છે. એટલું જ નહીં, આરોપીઓએ ફરિયાદીની પત્નીની દુકાને જઈને ત્યાં પણ ધાક ધમકી કરી છે. મેઘપર કુંભારડીના ગુરુકૃપાનગરમાં રહેતો 38 વર્ષિય આશિષકુમાર ગુપ્તા ખાનગી કંપનીમાં વેલ્ડર તરીકે નોકરી કરે છે.
ગત રાત્રે 8 વાગ્યાના અરસામાં તે નોકરી પૂરી કરીને બસમાંથી ઉતરી ઘર તરફ જતો હતો ત્યારે બાઈક પર આવેલાં બે યુવકો ‘કુલદીપ તને બોલાવે છે’ કહી તેને બાઈક પર બળજબરીથી બેસાડીને કેનાલ તરફ લઈ ગયાં હતાં.
એક જણો કુલદીપનો ભાઈ હતો અને બીજો તેનો અજાણ્યો સાગરીત હતો. કંઈક અજુગતું થવાની આશંકાથી ફરિયાદીએ પત્નીને જાણ કરવા ફોન બહાર કાઢતાં તેમણે તેનો ફોન ઝૂંટવી લીધો હતો. કેનાલ પાસે કુલદીપ જાદવ આવ્યો હતો. તેના હાથમાં રેવન્યૂ સ્ટેમ્પ ચોડેલાં દસ્તાવેજોનું બંડલ અને હથિયાર જેવું કંઈક હતું.
ત્રણે જણે તેને મારકૂટ કરી હતી અને કુલદીપે બળજબરીથી તે દસ્તાવેજોમાં તેની સહી કરાવી લીધી હતી. જો કે, ફરિયાદીએ તેમાં પોતાની અસલી સહી કરી નહોતી.
બાદમાં આરોપીઓ તેને ફરી બાઈક પર બેસાડી રોડ પર ઉતારી નાસી ગયાં હતાં. બનાવ અંગે ફરિયાદીએ પત્નીને જાણ કરી તો પત્નીએ તેને જણાવ્યું કે કુલદીપનો ભાઈ અને અજાણ્યો શખ્સ બાઈક પર પહેલાં તેની દુકાને આવેલાં અને ત્યાં નાણાંની ઉઘરાણી મુદ્દે ધાકધમકી કરેલી. આશિષે જણાવ્યું કે કુલદીપના રૂપિયા ચૂક્તે કરી દીધા હોવા છતાં તે ઉઘરાણી બાકી હોવાનું કહીને અત્યાચાર ગુજારી રહ્યો છે.
Share it on
|