કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજમાં એક વ્યાજખોરે ૪૦ હજાર રૂપિયા પર દૈનિક ૬૦૦ રૂપિયા લેખે ૮૨ હજાર રૂપિયા મેળવી લીધા હોવા છતાં વધુ દોઢ લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને યુવક પર બરફના સોયાથી હુમલો કર્યો છે. બનાવ અંગે ભુજ બી ડિવિઝન પોલીસે અમન ઠક્કર નામના વ્યાજખોર અને તેના અજાણ્યા સાગરીત વિરુધ્ધ ફરિયાદ નોંધી છે. ૩૧ વર્ષિય મનોજ ભાસ્કરભાઈ રાજપૂત રેલવે સ્ટેશન પાસે આવેલી આશાપુરા ટાઉનશીપમાં રહે છે અને ઑટો રીક્ષા ચલાવે છે. ૬ માસ પૂર્વે જરૂર પડતાં મનોજે તેના મિત્ર સંદિપ ઠક્કર પાસે ૪૦ હજાર રૂપિયા માગેલા. સંદિપે પોતાની પાસે નાણાંની સગવડ ના હોવાનું જણાવી તેના ભત્રીજા અમન ઠક્કર સાથે મુલાકાત કરાવી વ્યાજે નાણાં આપવા ભલામણ કરી આપેલી. અમને મનોજને રોજ વ્યાજપેટે ૬૦૦ રૂપિયા આપવાની શરતે ૪૦ હજાર રૂપિયા આપેલાં અને બાંહેધરી પેટે કોરો ચેક લઈ લીધો હતો.
મનોજે છ માસમાં ૪૦ હજાર સામે ૮૨ હજાર રૂપિયા ચૂકવી દીધાં છે છતાં અમનના વ્યાજનું ચક્ર અટક્યું નથી. અમન વ્યાજ અને મૂડીપેટે હજુ દોઢ લાખ રૂપિયા માંગી અવારનવાર પઠાણી ઉઘરાણી કરી ચેક બાઉન્સનો કેસ કરવાની ધમકી આપ્યાં કરે છે.
મંગળવારે બપોરે સવા બાર કલાકે અમન અજાણ્યા સાગરીત સાથે મનોજના ઘરે આવેલો. મનોજને તેની એક્સેસ મોપેડ પર બેસાડીને એકોર્ડ હોસ્પિટલે ચાની કિટલીએ લઈ આવેલો. ત્યારબાદ મનોજને સ્થળ પર બેસી રહેવાની સૂચના આપી અજાણ્યા સાગરીતને મનોજનું ધ્યાન રાખવાનું કહીને નીકળી ગયો હતો. થોડીવાર બાદ અમનના સાગરીતે મનોજને ગાળો ભાંડીને અહીંથી જવાની કોશીશ કરી તો હાથ પગ તોડી નાખીશ કહીને ધમકી આપી હતી. મનોજે પોતાની હોમ લોનની પ્રોસેસ કરી રહેલાં પિન્ટુ ઠક્કરને ફોન કરીને સ્થળ પર બોલાવ્યો હતો. તે સમયે અમન પણ ત્યાં આવી ગયેલો.
પિન્ટુએ ૧૦-૧૫ દિવસમાં મનોજની હોમ લોન પાસ થઈ જશે તેમ જણાવેલું પરંતુ અમને મારે તો અત્યારે જ રૂપિયા જોઈએ છે કહીને મનોજને ગાળો ભાંડી મુઢ માર મારવા માંડેલો. અમને નજીકમાં રહેલા બરફવાળા છકડામાંથી સોયો કાઢીને મનોજના જમણા પગની સાથળમાં બે ઘા કર્યા હતાં.
Share it on
|