કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભારત પાકિસ્તાન વચ્ચે ભીષણ યુધ્ધના ભણકારાં વચ્ચે પૂર્વ કચ્છમાં હાઈવે હોટેલો પર થતાં માદક દ્રવ્યોના કારોબારનો સ્પેશિયલ ઓપરેશન ગૃપે વધુ એકવાર પર્દાફાશ કર્યો છે. પોલીસે ભચાઉના ચોપડવા પાસે આવેલી હોટેલ રામદેવના સંચાલકને ૪.૩૮ લાખના મૂલ્યના ૪૩.૮૦ ગ્રામ મેફેડ્રોન (એમડી) ડ્રગ્ઝ સાથે ઝડપી પાડ્યો છે. તેની પાસેથી પોલીસે ૪૭ હજાર ૫૦૦ રૂપિયાની કિંમતનું ૯.૫૦ ગ્રામનું અન્ય શંકાસ્પદ ડ્રગ્ઝ પણ જપ્ત કરાયું છે. મૂળ રાજસ્થાનના જોધપુર જિલ્લાના લુણી તાલુકાનો વતની ૪૮ વર્ષિય ભંવરલાલ ખીયારામ બિશ્નોઈ હોટેલ પર એમડી ડ્રગ્ઝનું છૂટકમાં વેચાણ કરતો હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસે સરકારી પંચો સાથે દરોડો પાડીને હોટેલના કાઉન્ટરમાંથી માદક દ્રવ્યનો જથ્થો જપ્ત કર્યો હતો.
ભાડેથી હોટેલ ચલાવતો ભંવરલાલ આ ડ્રગ્ઝ ક્યાંથી લાવતો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
હોટેલમાંથી પોલીસે ઝીપવાળા ૨૦ નંગ ખાલી પ્લાસ્ટિક પાઉચ, ડ્રગ્ઝનું વજન કરવા માટે વપરાતો ડિજીટલ વજનકાંટો, આરોપીના કબજામાંથી મળેલા ૧૩,૩૦૦ રૂપિયા, બે મોબાઈલ ફોન વગેરે મુદ્દામાલ કબજે કરી ભંવરલાલ સામે ભચાઉ પોલીસ મથકે એનડીપીએસની ધારાઓ તળે ગુનો નોંધાવી ધરપકડ કરી છે. એસઓજી પીઆઈ ડી.ડી. ઝાલા અને પીએસઆઈ વી.પી. આહીર સહિતનો સ્ટાફ દરોડામાં જોડાયો હતો.
Share it on
|