કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજની પાલારા ખાસ જેલમાં ગત મધરાત્રે હાથ ધરાયેલાં સિક્રેટ કમ્બાઈન્ડ ઓપરેશન દરમિયાન મહિલા યાર્ડની બેરેક નંબર એકમાંથી એક એન્ડ્રોઈડ ફોન, જીયો કંપનીનું રાઉટર, ચાર્જર અને યુએસબી ડેટા કેબલ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. ગત મધરાત્રે ૧૧.૧૫ વાગ્યાથી જેલની સ્થાનિક ઝડતી સ્ક્વૉડ ઉપરાંત LCB, SOG, પેરોલ ફર્લો સ્ક્વૉડ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડ વગેરેના પીઆઈ, પીએસઆઈ સહિતના કાફલાએ સર્વત્ર સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરેલું. જેલની પુરુષ, મહિલા બેરેક અને હાઈ સિક્યોરીટી ઝોનમાં હાથ ધરાયેલી ઝડતી દરમિયાન મહિલા બેરેકમાંથી એન્ડ્રોઈડ ફોન, રાઉટર, ચાર્જર અને ડેટા કેબલ મળી આવ્યાં હતાં.
આ ઉપકરણોનો કોણે અનધિકૃત ઉપયોગ કર્યો છે અને તેના દ્વારા જેલમાં બેઠાં બેઠાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિને આચરવામાં આવી છે કે કેમ, આ ઉપકરણો કેવી રીતે અને ક્યારે જેલમાં ઘૂસાડવામાં આવેલાં સહિતના અનેક સવાલો સર્જાયાં છે. જેલના જેલર બી.કે. જાખલે અજાણ્યા લોકો સામે બીએનએસની કલમ ૨૨૩ અને જેલ અધિનિયમ તળે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે પાલારા જેલમાં સમયાંતરે મોબાઈલ ફોન મળી આવતાં રહ્યાં છે, તે અંગે ફરિયાદો નોંધાતી રહે છે પરંતુ પાછળથી તપાસનો નિષ્કર્ષ કદી જાહેર જ થતો નથી.
Share it on
|