|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજની ભાગોળે આવેલા વિસ્તારમાં એક જ શેરીમાં અડોશ પડોશમાં રહેતી ૧૬ અને ૧૭ વર્ષની ત્રણ છોકરીઓએ માવતરો અને પોલીસ ખાતાંને ભારે દોડધામમાં મૂકી દીધા હોવાનો બનાવ બહાર આવ્યો છે. ઘરેથી ભાગીને દિલ્હી પહોંચેલી છોકરીઓનો તત્કાળ અતોપત્તો મળી જતાં પોલીસે તાબડતોબ દિલ્હી દોડી જઈ ત્રણેને ભુજ લઈ આવી માવતરોને સુપરત કરી દેતા સૌને રાહત થઈ છે. ગત રવિવારે બપોર બાદ ત્રણે એકાએક ગાયબ થયેલી
ગયા રવિવારે બપોર બાદ અડોશપડોશમાં રહેતી ત્રણ છોકરીઓ અચાનક ગાયબ થઈ જતા તેમના માવતર ભારે ચિંતામાં મૂકાઈ ગયાં હતા. સગાં વહાલાં અને પરિચિતોને પૂછપરછ કરવાથી લઈ ત્રણે જણી જ્યાં ગઈ હોવાની શક્યતા હતી તે તમામ સ્થળોએ તેમની ભાળ કાઢવા ભરપૂર પ્રયાસો કરાયેલા પરંતુ કોઈ ભાળ મળી નહોતી. છેવટે બીજા દિવસે સોમવારે માવતરોએ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવીને દીકરીઓ ગુમ થઈ હોવાની જાણ કરેલી.
સગીર વયની ત્રણ ત્રણ છોકરીઓ એકસાથે ગાયબ થઈ જતા ભુજ એ ડિવિઝન પોલીસ ઈન્સ્પેક્ટર એ.એમ. પટેલ પણ ચોંકી ઉઠ્યાં હતા.
ત્રણે દીકરીઓ ગરીબ ઘરની હતી. ઘરેથી કપડાં લત્તા જેવી થોડીક ચીજવસ્તુ લઈને સ્વેચ્છાએ નીકળી ગઈ હતી. કોઈની પાસે મોબાઈલ ફોન નહોતો. પોલીસે સીસીટીવી સર્વેલન્સના આધારે ત્રણે દીકરીઓને ટ્રેસ કરવા કવાયત્ હાથ ધરી હતી.
દિલ્હીના દુકાનદારનો QR કોડ મોકલ્યો ને ટ્રેસ થઈ ગઈ
પીઆઈ પટેલે જણાવ્યું કે ત્રણે છોકરીઓ ઘરેથી નીકળીને ટ્રેન મારફતે દિલ્હી પહોંચી હતી. થોડાં ઘણાં પૈસા હતા તે ટ્રેનની ટિકિટમાં ખર્ચાઈ ગયાં હતા. ખાવાનું ખરીદવા માટે પૈસા ના હોઈ ૨૪ કલાક સુધી ભૂખી તરસી રહી હતી.
પૈસાનો મેળ કરવા એક છોકરીએ દિલ્હી રેલવે સ્ટેશન પાસે એક દુકાનદારને વિનંતી કરી ઓનલાઈન પેમેન્ટ માટે તેનો QR કોડ મેળવી, નિકટના એક સ્વજનનો સંપર્ક કરીને તાત્કાલિક એક હજાર રૂપિયા મોકલવા વિનંતી કરતો ફોન કર્યો હતો.
આ અંગે જાણ થતાં જ પોલીસે તુરંત તે દુકાનદારનો સંપર્ક કરી યુવતીઓની ભાળ મેળવી લીધી હતી. બાદમાં દિલ્હી રેલવે પોલીસનો સંપર્ક કરી ત્રણે છોકરીઓને તેમની મદદથી મહિલા કલ્યાણ કેન્દ્રમાં મોકલાવી દીધી હતી. આ પ્રયાસો સાથે જ એક ટીમ દિલ્હી રવાના થયેલી અને ત્રણે છોકરીઓનો કબજો લઈ, ત્યાંની ચાઈલ્ડ વેલફેર કમિટી સમક્ષ રજૂ કરીને પરત ભુજ લઈ આવીને તેમના માવતરને ત્રણેનો કબજો સોંપી દીધો છે.
પીઆઈ પટેલે જણાવ્યું કે ત્રણે છોકરીઓ ગરીબીથી કંટાળીને દિલ્હી જઈને નાનું મોટું કામ કરીને ખૂબ પૈસા કમાવા ઈચ્છતી હતી.
બે છોકરીઓ દસમા ધોરણ સુધી ભણેલી છે. હાલ તો યુવાન દીકરીઓ સહીસલામત મળી જતાં માવતરોના કાળજે ટાઢક વળી છે.
Share it on
|