કચ્છખબરડૉટકોમ, ભુજઃ માધાપરના યુવકને હની ટ્રેપ કરવાના કિસ્સામાં અનપેક્ષિત અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. જે યુવકે પોતાને હની ટ્રેપ કરીને યુવતીએ રેપની ફરિયાદ નોંધાવવાની ચીમકી આપી છ લાખ રૂપિયા આપવાની માંગણી કરેલી તે યુવતીએ યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે! માધાપર રહેતા ડીકેશપુરી ગોસ્વામીએ ગત રાત્રે માધાપર પોલીસ મથકે રાજકોટની યુવતી વિરુધ્ધ પરસ્પરની મરજીથી હોટેલમાં શરીર સંબંધ બંધાયો હોવા છતાં તેણે બીજા દિવસે રેપની ખોટી ફરિયાદ નોંધાવવાની ધમકી આપીને નાણાંની માંગણી કરી હોવાની ફરિયાદ નોંધાવેલી. પોલીસે ફરિયાદ દાખલ કરીને આજે યુવતીને માધાપરની તે જ હોટેલમાંથી ઝડપી પાડી હતી. દરમિયાન યુવતીએ આજે ફરિયાદી વિરુધ્ધ તે જ પોલીસ મથકમાં રેપની ફરિયાદ નોંધાવી છે.
આવું થાય તો કોણ ફરિયાદ નોંધાવવા આગળ આવે?
કાયદાની પરિભાષામાં આવી ફરિયાદને ‘આફ્ટરથૉટ’ તરીકે લેખવામાં આવે છે. કચ્છમાં હની ટ્રેપની અસંખ્ય ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂકેલી છે. એકવાર પોલીસ ચોપડે જે યુવતી વિરુધ્ધ પોલીસે બ્લેકમેઈલીંગ કરી ખંડણી માગવાની ફરિયાદ નોંધી હોય, તે યુવતીની પોલીસ ધરપકડ કરે અને પછી તે જ યુવતીએ આરોપ મુજબ જે ધમકી આપી હતી તે રીતે રેપની ફરિયાદ નોંધાવીને પરોક્ષ રીતે ધમકી પૂરવાર કરી બતાડી છે.
વક્રતા એ છે કે જો આવું થાય તો ફરી કોણ હની ટ્રેપની ફરિયાદ નોંધાવવા આગળ આવશે?
ઉલ્લેખનીય છે કે બે વર્ષ અગાઉ આદિપુરના એક અગ્રણી બીઝનેસમેને હની ટ્રેપની ફરિયાદ નોંધાવ્યાં બાદ તેની વિરુધ્ધ રેપની ફરિયાદ નોંધાવવા અલગ અલગ યુવતીઓએ કચ્છના વિવિધ પોલીસ મથકોમાં ભારે ધમપછાડાં કર્યાં હતાં. પરંતુ, પોલીસે સીધી એફઆઈઆર દાખલ કરવાના બદલે તેમની અરજીઓ લઈ, તેની તપાસ કરી બાદમાં ગુનો ના બનતો હોવાનો રીપોર્ટ કરીને એફઆઈઆર દાખલ કરી નહોતી.
પોલીસે ધાર્યું હોત તો સીધી એફઆઈઆર દાખલ કરવાના બદલે અરજી લઈ તે અંગે તપાસ કરી બાદમાં ફરિયાદ દાખલ કરવા કે ના કરવા અંગે નિર્ણય લઈ શકી હોત.
મુદ્દો એ છે કે જો આ રીતે પોલીસ પહેલાં હની ટ્રેપની ફરિયાદ દાખલ કરે અને બાદમાં આરોપી યુવતીની પણ રેપ અંગેની ક્રોસ કમ્પ્લેઈન્ટ દાખલ કરે તો આવા ગુનાનો ભોગ બનનાર કયો પુરુષ ફરિયાદ નોંધાવવા હવે પછી આગળ આવશે? મુદ્દો યુવતીની ફરિયાદની સત્યતા અંગેનો નહીં પણ તે કયા સંજોગોમાં દાખલ કરાઈ છે તેનો છે.
Share it on
|