કચ્છખબરડૉટકોમ, ભુજઃ છરીની અણીએ લૂંટ આચરવાના ગુનામાં ઝડપાયેલો ગાંધીધામના ખારીરોહરનો આરોપી માનકૂવા પોલીસના લૉકઅપમાંથી નાસી છૂટતાં પશ્ચિમ કચ્છ પોલીસમાં દોડધામ મચી છે. ગત રાત્રે દસ વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. લૂંટ કેસમાં પોલીસે પકડેલો ઉમર ઊર્ફે શકીલ કારા કટીયા (ઉ.વ. ૨૩, રહે. ખારીરોહર, ગાંધીધામ) પોલીસ કસ્ટડીમાં હતો. રાત્રે તેને જમવાનું આપવા માટે પીએસઓએ લૉક અપ ખોલ્યું તે સમયે છાતીમાં દુઃખતું હોવાનું બહાનું કરીને તે બહાર નીકળ્યો હતો. બાદમાં પીએસઓને ધક્કો મારીને પોલીસ મથકમાંથી નાસી છૂટ્યો હતો. હાજર પોલીસ કર્મચારીઓ કંઈ સમજે તે પહેલાં તે અંધારામાં ઓગળી ગયો હતો.
ઘટના અંગે જાણ થતાં સર્વત્ર નાકાબંધી કરાઈ ઠેર ઠેર તપાસ હાથ ધરાઈ છે.
ઉલ્લેખનીય છે કે ગત ૧૬ જૂલાઈની મધરાત્રે ત્રણ વાગ્યે સુખપર પાસેથી ઈકો કાર લઈ પસાર થતાં ૬૦ વર્ષિય છાપાના ફેરિયાને અટકાવી, ગળા પર છરી રાખીને ઉમર અને તેનો સાગરીત મુસ્તાક સોઢા સાત હજાર રોકડાં રુપિયા અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી બાઈક પર નાસી છૂટ્યાં હતા. માનકૂવાના ઈન્ચાર્જ પીઆઈ પી.પી. ગોહિલ સહિતની ટીમે આંખમાં સુરમો આંજીને આખી રાત આરોપીની ગહન શોધખોળ ચલાવી છે.
Share it on
|