કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજની લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતા ભુજના કુખ્યાત બુકી ઓમ ધર્મેન્દ્રભાઈ ડાભીની અટક કરી છે. ભુજની નવી રાવલવાડીમાં નરસિંહ મહેતા નગરમાં રહેતા ઓમ ડાભી તેની ફોરચ્યુનર કારમાં ફરતાં ફરતાં સટ્ટો કાપતો હોવાની બાતમીના આધારે LCBએ તેને દબોચી લીધો છે. ભુજના આ કુખ્યાત બુકી પાસેથી જપ્ત કરેલા ફોનને ચેક કરતાં તેના માસ્ટર આઈડીમાં ૩૦ લાખનું બેલેન્સ હોવાનું સ્પષ્ટ થયું છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ માસ્ટર આઈડી મીત રાઠોડ નામના શખ્સે આપી હતી. આરોપીએ રામભાઈ નામના એક ગ્રાહકની આઈડી પણ મળી આવી છે.
પોલીસે ૨૦ લાખની ફોરચ્યુનર કાર, ૧ લાખનો મોબાઈલ ફોન જપ્ત કરી આરોપીની અટકાયત કરી છે.
ઓમને માસ્ટર આઈડી આપનાર મીત રાઠોડ માધાપરનો રીઢો બુકી છે. અગાઉ સ્ટેટ મોનિટરીંગ સેલની ટુકડીએ ભુજના પ્રમુખ સ્વામીનગરમાં રહેતા બુકી મીત ઊર્ફે બબુ કાન્તિલાલ ઠક્કરની આ જ મોડસ ઓપરેન્ડીથી સટ્ટો રમાડતાં ક્રેટા કારમાંથી ઝડપેલો ત્યારે તેને માસ્ટર આઈડી આપનાર એક શખ્સ તરીકે મીત રાઠોડનું નામ ખુલ્યું હતું.
મીત રાઠોડની છાપ પોલીસ ખાતામાં ‘વ્યવહારુ માણસ’ તરીકેની છે.
સામાન્ય મારામારીના બનાવને જેમ હત્યાના પ્રયાસમાં ખપાવીને નિર્દોષ લોકોની મારકૂટ કરી વરઘોડો કાઢવામાં આવે છે તે રીતે માધાપરનો મીત રાઠોડ પકડાય ત્યારે તેનો વરઘોડો તો ઠીક પણ પ્રેસનોટ અને ફોટો પણ જારી કરવામાં આવતાં નથી. બાકી, ‘હું તો હંડ્રેડ પરસન્ટ ઓનેસ્ટ છું’ ‘હું કોઈના બાપથી બીતો નથી’ તેવા ફાલતુ દાવા કરીને મૂછે તાવ દેતા ઘણાં લોકો રાત પડે ને વહીવટદારને ખાનગીમાં દેશી દારૂના બૂટલેગરનો હપ્તો આવ્યો કે નહીં તેવી અચૂક પૃચ્છા કરી લેતાં કંઈક ખાંસાહેબો કચ્છમાં આવીને ક્યારે ખોવાઈ ગયાં તેની પણ આખા ગામને ખબર છે!
Share it on
|