કચ્છખબરડૉટકોમ, ભુજઃ અંજારના મેઘપર બોરીચીમાં આવેલા એક સ્પામાં અડધી રાત્રે ઘૂસી જઈને યુવતીઓ સાથે શારીરિક અડપલાં કરી છેડતી કરીને મેનેજર યુવતી પર એસિડ એટેક કરનાર ગુજસીટોકના આરોપીની જામીન અરજી કૉર્ટે ફગાવી દીધી છે. ગત ત્રીજી જૂનની રાત્રે બનેલા બનાવ અંગે અંજાર પોલીસે ગુનો નોંધ્યા બાદ તેમની ક્રાઈમ કુંડળી તપાસીને વસંત રમેશ કોલી, અઝહર ઊર્ફે શબ્બિર નઝમુદ્દીન બાયડ અને ફિરોઝ રમજુ લંઘાને ગુજસીટોકના ગુનામાં ફીટ કરી અંદર કરી દીધા હતા. ૭મી જૂલાઈથી જેલમાં ફીટ થયેલા અઝહરે ભુજની વિશેષ કૉર્ટમાં જામીન અરજી કરેલી. જો કે, અઝહર સામે ૨૦૨૦થી ૨૦૨૫ દરમિયાન ૨૦થી વધુ ગંભીર ગુના દાખલ થયેલા હોવાના ગુનાહિત ભૂતકાળ સહિત ગુનામાં તેની સક્રિય સંડોવણી અંગે વિસ્તૃત દલીલો કરીને જિલ્લાના મુખ્ય સરકારી વકીલ એચ.બી. જાડેજાએ તેની જામીન અરજી ફગાવી દેવા રજૂઆત કરી હતી. આરોપી સામે નોંધાયેલો ગુનો ગંભીર હોવાનું તેમજ જામીન પર છૂટે તો સાક્ષીઓને ધાક ધમકી કરી શકે અથવા પુરાવા સાથે ચેડાં કરી શકે તેવી સંભાવના દર્શાવીને વિશેષ જજ દિલીપ મહિડાએ અરજી ફગાવી દીધી છે.
Share it on
|