કચ્છખબરડૉટકોમ, ભુજઃ પિતા સામે બ્લેકમેઈલ કરી ખંડણી માગવાની નોંધાવેલી ફરિયાદની અદાવત રાખીને પુત્રએ ફરિયાદીના પુત્ર અને ભત્રીજા પર કાર ચઢાવી દઈ હત્યાનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ માધાપરમાં પોલીસ ચોપડે નોંધાયો છે. પોલીસે ‘કચ્છ કલાપી’ નામના સાપ્તાહિકના પત્રકાર વિમલ મોતીલાલ સોનીના પુત્ર કરણ સોની વિરુધ્ધ ગુનો નોંધી તેને રાઉન્ડ અપ કરી લીધો છે. માધાપરમાં જ્વેલરી શોપ તથા હોટેલ ધરાવતા ૪૬ વર્ષિય મનોજ મોહનલાલ સોનીએ ફરિયાદમાં જણાવ્યું કે જૂલાઈ ૨૦૨૩માં તેમણે વિમલ સોની અને તેના સાગરીત ભાવેશ કાનજી ભાનુશાલી વિરુધ્ધ માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલી.
વિમલ અને ભાવેશે મનોજ સોની વિશે બદનક્ષીકારક લખાણ છાપવાની ધમકી આપીને મહિને ત્રીસથી ચાળીસ હજારનો હપ્તો આપવાની ધમકી આપેલી.
આ ફરિયાદની અદાવત રાખીને વિમલના પુત્ર કરણે બુધવારે રાત્રે ૯ વાગ્યાના અરસામાં માધાપર બાપા સીતારામની મઢુલીથી ગાંધી સર્કલ તરફ જતાં રોડ પર કે-નાઈન જીમ નજીક એક્સેસ મોપેડ પર જઈ રહેલા મનોજ સોનીના ૧૭ વર્ષિય પુત્ર મિતેન અને ૧૬ વર્ષિય ભત્રીજા મિલાપ પર પાછળથી નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કાર ફૂલસ્પીડે ચઢાવી દઈને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, મોપેડ હંકારી રહેલા મિલાપે બચવા માટે ગાડી રોડ નીચે ખાડામાં ઉતારી દેતાં બંનેનો આબાદ બચાવ થયો હતો. બંને જણ રાજકોટમાં ભણે છે અને શાળામાં વેકેશન હોઈ ઘરે આવ્યાં છે.
ઘટના બાદ બેઉ જણે ઘરે આવીને વાત કરતાં ફરિયાદીએ કરણને ફોન કર્યો ત્યારે કરણે ધમકી આપતાં જણાવ્યું હતું કે ‘તું કરણ સોનીને ઓળખતો નથી. તારા છોકરા પર ગાડી ચડાવીશ અને તને પણ છરી નાખી મારી નાખીશ’
બનાવની તપાસ કરી રહેલાં પીએસઆઈ બી.એ. ડાભીએ જણાવ્યું કે કરણ બૂટલેગર છે અને તેની સામે અગાઉ દારુ વેચવા સબબના ચારથી પાંચ ગુના દાખલ થયેલાં છે. આરોપીને રાઉન્ડ અપ કરી લેવાયો છે.
Share it on
|