click here to go to advertiser's link
Visitors :  
15-Jun-2026, Monday
Home -> Bhuj -> Man Kills Self After Wife Files False Rape FIR Marries Another Man
Monday, 15-Jun-2026 - Bhuj 2901 views
જેની જોડે ભાગીને નિકાહ કર્યા તે યુવતીએ રેપની FIR કરી બીજે લગ્ન કરતા યુવકનો આપઘાત
કચ્છખબરડૉટકોમ, ભુજઃ मोहब्बत की अदालत में गवाही नहीं होती, दिल टूटने की कोई तबाही नहीं होती... वोह छोड़ गए हमें तो क्या ताजुब है, बेवफाओं की कोई एक पनाह नहीं होती... જે યુવતી જોડે ભાગીને નિકાહ કરેલા તે યુવતીએ થોડાં દિવસ બાદ રેપની ફરિયાદ કરી. યુવક જેલમાં હતો ત્યારે યુવતીએ યુવકના જ ગામના બીજા યુવક જોડે લગ્ન પણ કરી લીધાં. ત્યારબાદ આ બધો પ્રપંચ રચનારાં પાંચ જણ યુવકને મારી નાખવાની ધમકીઓ આપવા માંડ્યાં. કંટાળીને યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો.
ગુરુ-શુક્રની રાત્રે વીજ થાંભલા પર લટકી આપઘાત

ભુજ તાલુકાના ભીરંડિયારા ગામે ભંડારી વાંઢમાં રહેતા ૨૩ વર્ષિય રઝાક વલીમામદ રાયશી નામના યુવકે ગત તારીખ ૧૧ અને ૧૨ જૂનની રાત્રે ઘરથી અડધો કિલોમીટર દૂર હમધાણી વાંઢ જવાના રસ્તે એક વીજ થાંભલા પર લટકીને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

રઝાકના ઓશિકા નીચેથી પોતાને મરવા મજબૂર કરનાર પાંચ લોકોના નામ લખેલી મરણચિઠ્ઠી મળી આવી હતી. જેના આધારે ધોરડો પોલીસે પાંચે સામે આત્મહત્યાના દુષ્પ્રેરણ બદલ ગુનો દાખલ કર્યો છે.

રઝાકે અંતિમ પગલું ભર્યું તેના થોડાંક દિવસો અગાઉ તેના જીવનમાં ભારે ઝંઝાવાત આવ્યો હતો. આઈશર ટેમ્પોનું ડ્રાઈવીંગ કરતા રઝાકને આદિપુરમાં રહેતા તેના નજીકના સંબંધીની દીકરી અફસાના (નામ બદલેલું છે) સાથે પ્રેમ સંબંધ હતો. અફસાનાના પરિવારની નામરજી હોઈ ૮ એપ્રિલના રોજ રઝાક પ્રેમિકાને લઈ કચ્છ બહાર ભાગી ગયેલો. રઝાકના પરિવારે ધોરડો પોલીસ સ્ટેશનમાં અને અફસાનાના પરિવારે આદિપુર પોલીસ મથકમાં અલગ અલગ ગુમનોંધ લખાવેલી.

કચ્છથી ભાગીને બાડમેરમાં નિકાહ કરેલાં

રઝાક અફસાનાને રાજસ્થાનના બાડમેર લઈ ગયેલો. અહીં ૧૧ એપ્રિલના રોજ બેઉ જણે મૈત્રી કરાર કરેલાં. ત્યારબાદ ૧૭ એપ્રિલના રોજ બેઉ જણે નિકાહ કરી લીધેલાં. દરમિયાન, રઝાક અફસાના જોડે રાજસ્થાનમાં હોવાનું સ્પષ્ટ થતાં રઝાકના સંબંધી જુણસ નુરમામદ રાયશી અને કમાલશા સૈયદ બેઉને ૨૨ એપ્રિલે રાજસ્થાનથી ભંડારી વાંઢ પરત લઈ આવેલાં. અફસાના અંગે ગુમ નોંધ દાખલ કરાવાઈ હોઈ બંનેને આદિપુર પોલીસ મથકે રજૂ કરાયેલાં. તે સમયે સમાજના આગેવાનોએ થોડાંક સમયમાં એકબીજા સાથે લગ્ન કરાવી દેવાનું નક્કી કરીને બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવેલું.

પરત આવ્યા બાદ અચાનક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ

અચાનક ૧ મેના રોજ અફસાનાએ રઝાક સામે આદિપુર પોલીસે સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવેલી. અફસાનાએ લખાવેલું કે ડિસેમ્બર માસમાં રઝાકે તેના ઘરની પાછળ તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચરેલું. આ કેસમાં આદિપુર પોલીસે બીજી મેના રોજ રઝાકની ધરપકડ કરી તેને જેલમાં મોકલી આપેલો.

રઝાક જેલમાં હતો ને યુવતીએ બીજા નિકાહ કર્યાં

રઝાક એક માસથી જેલમાં હતો તે સમયે ૫ જૂનના રોજ અફસાનાના ભીરંડિયારાના દરિયા ગુલાબી રાયશી સાથે નિકાહ કરી દેવાયા હતા. અફસાનાના નિકાહ થયાના બીજા દિવસે ૬ જૂનના રોજ રઝાક જામીન પર જેલ બહાર આવેલો અને અફસાનાના બીજા નિકાહની વાત જાણીને તેના પગ નીચેની ધરતી ખસી ગઈ હતી. એટલું જ નહીં, રાજસ્થાનથી તેને સમજાવી પરત લઈ આવનાર કમાલશા સૈયદે જ પીઠ પાછળ ભૂંડી ભૂમિકા ભજવી હોવાની ખબર પડતાં ખૂબ હતાશ થઈ ગયેલો.

જામીન પરથી બહાર આવ્યાં બાદ અફસાનાના બે ભાઈ સહિતના આરોપીઓએ રઝાકને મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કરેલું.

ઘટના અંગે ધોરડો પોલીસે જામીન સુમાર રાયશી, ઈશાક સુમાર રાયશી, કમાલશા અલીશા સૈયદ, ગુલાબી રમજાન રાયશી, દરિયા ગુલાબી રાયશી વિરુધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૮ અને ૩ (૫) હેઠળ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
અંજારઃ ભાવિ પતિની જાસૂસી કરાવવી મોંઘી પડી! યુવકે બળજબરીથી ૭.૫૦ લાખ પડાવ્યાં
 
એશિયાના સૌથી સમૃધ્ધ માધાપર ગામમાં ‘ઓપરેશન વંડી’ સરપંચ પર ભલામણોનો મારો!
 
ટપ્પરની વાડીમાં કટિંગ ટાણે ત્રાટકી LCBએ ૭૯.૫૨ લાખનો દારૂ બિયરનો જથ્થો જપ્ત કર્યો