|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ નજીક આવેલા ઢોરી ગામે યુવકે ૨૮ વર્ષની યુવતીને દૂધની ડેરીની ઓરડીમાં મળવા બોલાવીને પથ્થર વડે મોઢું છુંદી નાખી ઘાતકી હત્યા કરી નાખી હોવાનો બનાવ બન્યો છે. સવારે સાડા ૧૧ના અરસામાં મૃતક ઝરીના દાઉદ કુંભારની ઓરડીમાંથી લાશ મળી આવતા ચકચાર પ્રસરી ગઈ હતી. બનાવ અંગે બપોરે એક વાગ્યાના અરસામાં ઝરીનાના ભાઈએ જાણ કરતાં માધાપર પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. પતિથી છૂટાછેડાં લઈ ઝરીના માવતરે રહેતી હતી
ઝરીનાના અગાઉ નિરોણા ગામે લગ્ન થયેલાં. પતિ સાથે મનમેળ ના આવતા લગ્નના ત્રણ વર્ષ બાદ તે છૂટાછેડાં લઈ પિયરમાં રહેતી હતી. એસસી એસટી સેલના નાયબ પોલીસ અધીક્ષક એમ.જે. ક્રિશ્ચીયને જણાવ્યું કે ઝરીનાની હત્યા ગામમાં જ રહેતા હરેશ કાનજીભાઈ ગાગલ (આહીર) નામના યુવકે કરી હોવાનું સ્પષ્ટ થતાં તેને રાઉન્ડ અપ કરી લેવાયો છે.
તું મારી નહીં થાય તો બીજાની પણ નહીં થવા દઉં
મૃતક ઝરીના અને હરેશની લાંબા સમયથી આંખો મળી ગયેલી. દરમિયાન પરિવારે ઝરીનાના બીજા લગ્ન માટેની વાત નક્કી કરેલી. દૂધની ડેરીમાં કામ કરતા હરેશે આજે ઝરીનાને ડેરીએ મળવા બોલાવેલી.
ઝરીનાએ તેના બીજે લગ્ન થવાના હોવાનું જણાવી આ આપણી છેલ્લી મુલાકાત છે તેમ કહેતાં હરેશ ઉશ્કેરાઈ ગયો હતો. તું મારી નહીં થાય તો તને બીજા કોઈની પણ નહીં થવા દઉં તેમ જણાવીને હરેશે પથ્થર વડે ઝરીનાની હત્યા કરી નાખી હતી.
ઘટના વિશે જાણ થતાં મુસ્લિમ કુંભાર સમાજના રફીક મારા સહિતના આગેવાનો હોસ્પિટલમાં દોડી ગયાં હતા. પોલીસે હત્યાની કલમો તળે ગુનો દાખલ કર્યો છે. રફીક મારાએ હત્યાના બનાવમાં એકથી વધુ આરોપી હોવાની શંકા દર્શાવી, પોલીસ તટસ્થ તપાસ કરે તેવી માગ કરી છે.
Share it on
|