કચ્છખબરડૉટકોમ, ભુજઃ માધાપરમાં ગાંધી સર્કલવાળા માર્ગ પર રોડ વચ્ચે બેસીને ખુલ્લી તલવાર વીંઝીને રાહદારીઓમાં દહેશત સર્જનાર યુવકનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોના પગલે પોલીસે યુવકની અટક કરી લીધી હતી.
Video :
માધાપરના યક્ષ મંદિર સામે જોગીવાસમાં રહેતો ૨૨ વર્ષિય પપ્પુ છગનભાઈ ભીલ નામના યુવકે શનિવારે આ દહેશત સર્જી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે પપ્પુના માતા પિતા વર્ષો પૂર્વે મૃત્યુ પામેલાં છે. છૂટક મજૂરી કરી પેટિયું રળતો પપ્પુ માનસિક અસ્વસ્થ છે.
પપ્પુને શનિવારે અચાનક એવી તો ધૂન ચઢી કે માતાજીના મંદિરમાં રહેલી તલવાર લઈને જાહેર રોડ પર આવીને હવામાં વીંઝવા માંડ્યો હતો. વીડિયો વાયરલ થયાં બાદ પોલીસે જાહેર સુલેહ શાંતિના ભંગ બદલ તરત તેની અટકાયત કરી હતી. જામીન પર છૂટતી વખતે તેણે પોતે ફરી કદી આવી ભૂલ નહીં કરે તેમ જણાવી માફી માગી હતી.