click here to go to advertiser's link
Visitors :  
13-Jan-2026, Tuesday
Home -> Bhachau -> Illegal trade of betel nut Kutch police seizes betel nut wort Rs 1 Cr in Adhoi
Monday, 12-Jan-2026 - Samkhiyali 1848 views
આધોઈમાં કટિંગ ટાણે ત્રાટકી પોલીસે ૧ કરોડની સોપારી જપ્ત કરીઃ કાળો કારોબાર ખૂલશે
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ કંડલા અને મુંદરા જેવા બંદરો પર કસ્ટમની આંખમાં ધૂળ નાખી અથવા ભ્રષ્ટ અધિકારીઓની મિલિભગત થકી દાણચોરીથી ભારતમાં ઘૂસાડાતી સોપારીનો વધુ એક કાળો કારોબાર પ્રકાશમાં આવ્યો છે. પોલીસે ભચાઉના આધોઈમાંથી ૧ કરોડ ૬ લાખ ૬૦ હજારના મૂલ્યની ૨૬ હજાર ૬૫૦ કિલોગ્રામ સોપારીનો જથ્થો જપ્ત કર્યો છે.
સોપારીના કટિંગ ટાણે પોલીસે પાડ્યો દરોડો

બાતમીના આધારે બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અને સામખિયાળી પોલીસે આધોઈના શાહુનગરમાં મકાન નંબર- ૬૮માં રહેતા હિરેનપુરી ઈશ્વરપુરી ગોસ્વામી (ઉ.વ. ૨૭) રહેણાકમાં દરોડો પાડ્યો હતો.

મકાનના આંગણામાં સોપારી ભરેલાં ૧૪૩ કોથળાં પડ્યા હતા અને આંગણા પાસે પાર્ક ટ્રેલરમાં સોપારીના ૨૨૫ કોથળા પડ્યાં હતા.

ટ્રેલરમાં રહેલી સોપારીનો જથ્થો હિરેનના આંગણામાં ઉતારવામાં આવ્યો હતો. હિરેનના ઘરે માલ ઉતારવાની વ્યવસ્થા નજીકમાં રહેતા મનીષ રઘુનાથ નાથબાવાએ કરેલી. સ્થળ પરથી હિરેન, મનીષ સાથે ટ્રક ડ્રાઈવર દિપારામ જાટ (રહે. રાજસ્થાન) ઝડપાયો હતો.

અમદાવાદથી સોદો કરવા આવેલા બે વેપારી ઝપટે

હિરેનના મકાનમાં અન્ય ચાર જણાં હાજર જોવા મળ્યાં હતા. આ લોકો સોપારીનો સોદો પાર પાડવા એકઠાં થયા હતા. પોલીસે સ્થળ પર હાજર એઝાઝ જમીલ સોરઠીયા (૫૧, સરખેજ, અમદાવાદ) અને મહમદ ઈકબાલ આરબિયાણી (૩૧, ડાયમંડ એવન્યૂ, ખાનપુર ચોક, અમદાવાદ)ની પૂછપરછ કરતાં તેમણે સોપારી ખરીદવા આવ્યા હોવાનું જણાવ્યું હતું.

અંજારના પરેશે ખોટું ઈ-વે બિલ રજૂ કર્યું

સ્થળ પર હાજર પરેશ જયંતીલાલ શાહ (૫૧, ઓમ વિલા સોસાયટી, સતાપર રોડ, અંજાર)ની પૂછપરછ કરતા તેણે એઝાઝ અને ઈકબાલ માટે સોદો કરાવી આપવા આવ્યો હોવાનું જણાવેલું. સોપારી ક્યાંથી મગાવી છે તેવું પૂછાતાં પરેશે પોલીસને ૬ઠ્ઠી જાન્યુઆરી ૨૦૨૬ના રોજ જનરેટ થયેલું ઈલેક્ટ્રોનિક વે બિલ આપ્યું હતું. જેમાં ૨૪ હજાર ૫૦૦ કિલોગ્રામ સોપારીનો જથ્થો કર્ણાટકથી અંજાર મોકલાતો હોવાનું દર્શાવાયેલું.

ઈ વે બિલમાં સોપારીનો જથ્થો લઈ જતા વાહનનો કોઈ નંબર નહોતો.

પોલીસે સવાલો કરતા પરેશે આ બિલ  સોપારીના બીજા માલનું હોવાનું જણાવેલું.

આનંદકુમાર સૂત્રધાર હોવાની આશંકા

એ જ રીતે, સાતમા શખ્સ આનંદકુમાર સરસચંદ્રસિંઘ (રહે. આદિપુર મૂળ રહે. સ્વાગત ટ્વિન્સ, સરગાસણ ચોકડી, ગાંધીનગર) પાસેથી પોલીસને પ્રિમિયમ ગ્લૉબલ પ્રોડક્ટ, ઑથોરાઈઝ્ડ સિગ્નેચર નામનો લાલ રંગનો સિક્કો, કંટેઈનરના તૂટેલાં સીલ ભરેલી પ્લાસ્ટિકની નાની કોથળી, લેપટોપ મળી આવ્યા હતા.

૧.૫૧ કરોડનો મુદ્દામાલ કબજે કરાયો

૧ કરોડ ૬.૬૦ લાખની સોપારી ઉપરાંત અમદાવાદથી કંપાસ જીપમાં આવેલા ઈકબાલની ૭ લાખની જીપ, આનંદકુમારની ૧૦ લાખની કિઆ કાર, ૨૫ લાખનું ટ્રેલર, સાતેય જણના કબજામાંથી જપ્ત કરાયેલાં ૨.૧૫  લાખના મૂલ્યના ૧૦ મોબાઈલ ફોન, ૨૫ હજારનું લેપટોપ વગેરે મળીને કુલ ૧.૫૧ કરોડનો મુદ્દામાલ કબજે કરાયો છે. તમામ સામે સામખિયાળી પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૩ (૨), ૬૧ (૨), ૩૩૬ (સી) અને ૩૪૦ (૨) હેઠળ પોતાના ફાયદા હેતુ ભેગાં મળી આયોજનપૂર્વક ષડયંત્ર રચીને સોપારીનો જથ્થો છળકપટથી મેળવી તથા ખોટું ઈ વે બિલ રજૂ કરવાના આરોપ સબબ સાયબર પોલીસ સ્ટેશનના ASI ભગીરથસિંહ જાડેજાએ સરકાર તરફે ફરિયાદ નોંધાવી છે.

૩ દિવસના રીમાન્ડઃ કૌભાંડના તાર ખૂલવાની આશા

પોલીસે આનંદકુમારની હાજરી વિશે વધુ કોઈ ફોડ પાડ્યો નથી. સોપારીનો આ જથ્થો ખરેખર ક્યાંથી આવ્યો છે? દાણચોરીનો માલ હોવાની શંકા છે ત્યારે આ માલ કોણે મગાવેલો? જવાબદાર તંત્રોની આંખમાં ધૂળ નાખીને કઈ મોડસ ઓપરેન્ડીથી બંદરો પર સોપારીનું સ્મગલિંગ અને ભારતમાં વેચાણ થાય છે? પરેશ શાહ અને આનંદકુમારની ભૂમિકા કેવી છે તે સહિતના અનેક પ્રશ્નો સર્જાયાં છે. તેનો તાગ મેળવવા આજે આરોપીઓને કૉર્ટમાં રજૂ ત્રણ દિવસના રીમાન્ડ મેળવ્યાં છે. તપાસકર્તા પીઆઈ કિંજલબેન રાઠોડે જણાવ્યું કે સોપારીનો જથ્થો કોણ, કેવી રીતે, ક્યાંથી લાવ્યું હતું તે સહિતની બાબતો અંગે ગહન પૂછપરછમાં વિગતો સ્પષ્ટ થશે.

Share it on
   

Recent News  
માધાપરમાં રોડ વચ્ચે બેસીને હવામાં ખુલ્લી તલવાર વીંઝતા યુવકે સર્જી દહેશત
 
ભદ્રેશ્વરમાં દીકરીની નજર સમક્ષ પિતાએ છરી ઝીંકી માતાની ઘાતકી હત્યા કરી
 
૩.૮ ડિગ્રીએ નલિયામાં સીઝનનો સૌથી ઠંડો દિવસઃ વાહનોની સીટ પર બરફની છારી જામી