કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના સરપટ નાકા બહાર આશાપુરા નગરમાં રહેતા ૨૮ વર્ષિય યુવકની રાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સોએ ઘાતકી હત્યા કરી નાખી હોવાનો બનાવ બહાર આવતાં પોલીસ તંત્રએ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. અહીં રહેતા હનીફ નુરમામદ સમાની લાશ વહેલી સવારે ઘર નજીક આશાપુરા મંદિર પાસે આવેલી દુકાનના ઓટલા પર પડી હતી. મૃતકના મોંઢા અને નાકમાંથી લોહી નીકળેલું હતું અને બાજુમાં ધોકાના કટકાં પડ્યા હતા. બનાવ અંગે હનીફના મોટાભાઈ જબ્બાર સમાએ અજાણ્યા શખ્સ સામે હત્યાની કલમ તળે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ પોલીસને જણાવ્યું કે સવારે પોણા સાતના અરસામાં ભાઈની લાશ અહીં પડી હોવાની જાણ થયેલી. હનીફ ગત રાત્રે સાડા નવના અરસામાં અનિલ ગોર નામના તેના મિત્ર સાથે બહાર ગયો હતો. બનાવ અંગે અનિલ ગોર પાસે વધુ કોઈ વિગત હોવાની શક્યતા છે. હનીફની કોણે અને શા માટે હત્યા કરી તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ વિગત સામે આવી નથી.
Share it on
|