click here to go to advertiser's link
Visitors :  
09-May-2025, Friday
Home -> Bhuj -> Man Brutally Beaten And Stabbed In Bhuj Last Night Four Booked
Friday, 21-Mar-2025 - Bhuj 70184 views
ભુજના જ્યુબિલી સર્કલ નજીક થારમાં આવેલા ૪ ગુંડાએ યુવાનની હત્યાનો કર્યો પ્રયાસ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ રાજ્યભરમાં પોલીસ ગુંડાઓ અને અસામાજિક તત્વો પર તૂટી પડી છે તે વચ્ચે ભુજમાં ગત મોડી રાત્રે ચાર જણે જ્યુબિલી સર્કલ નજીક યુવક પર ઘાતક હથિયારો સાથે જીવલેણ હુમલો કરી તેની હત્યાનો પ્રયાસ કર્યાનો બનાવ બહાર આવ્યો છે. યુવક અને તેના પિતરાઈ ભાઈને માર મારી ચારે જણ બ્લેક કલરની થારમાં નાસી ગયાં હતાં. હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે અને હાલ તે ખાનગી હોસ્પિટલમાં બેહોશીની હાલતમાં સારવાર હેઠળ છે.

શહેરના કેમ્પ એરિયામાં રહેતા હરપાલસિંહ બળવંતસિંહ સોઢાએ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ગત રાત્રે ૧૧ વાગ્યાના અરસામાં તે તથા કાકાનો પુત્ર યોગેન્દ્રસિંહ સોઢા અને અન્ય બે મિત્રો મળી ચાર જણાં જ્યુબિલી ગ્રાઉન્ડમાં રમાતી મેચ જોવા ગયેલાં. દરમિયાન, યોગેન્દ્રસિંહના ફોન પર અક્ષયરાજસિંહ વાઘેલાનો ફોન આવ્યો હતો અને યોગેન્દ્રએ તેને ગ્રાઉન્ડ સામે આવેલી ટી પોઈન્ટ નામની દુકાન પાસે રૂબરૂ મળવા બોલાવ્યો હતો. યોગેન્દ્ર સાથે ફરિયાદી સહિત ચારે જણ આ દુકાન આગળ આવીને ઊભેલાં.

તે સમયે યોગેન્દ્રએ ફરિયાદીને જણાવ્યું હતું કે ‘મારે છએક માસ અગાઉ બજાજ ફાઈનાન્સના રૂપિયા બાબતે અક્ષય જોડે બોલાચાલી થયેલી અને તેનું મનદુઃખ રાખીને મને ફોન કર્યો છે’

થોડીકવાર બાદ GJ-09 BJ-9934 નંબરની કાળા રંગની થાર કાર આવી હતી. કારમાંથી અક્ષય સાથે ભાવેશ ગોસ્વામી, જુવાનસિંહ સોઢા અને સત્યરાજસિંહ વાઘેલા એ ચાર જણ ધારિયા અને છરી જેવા ઘાતક હથિયારો સાથે નીચે ઉતર્યાં હતાં અને યોગેન્દ્ર જોડે ઝઘડો કરી મારકૂટ કરવા માંડ્યાં હતાં.

ભાવેશે તેના હાથમાં રહેલી છરી વડે યોગેન્દ્ર પર બેથી ત્રણ ઘા ઝીંકી દીધાં હતાં.

યોગેન્દ્રને બચાવવા પડેલાં ફરિયાદીને પણ આરોપીઓએ માર માર્યો હતો જેમાં તેને હાથમાં સામાન્ય ઈજા થઈ હતી. બબાલના પગલે લોકો એકઠાં થઈ જતાં ચારે જણ થારમાં બેસીને મારી નાખવાની ધમકી આપી રવાના થઈ ગયાં હતાં.

યુવક ગંભીર હાલતમાં સારવાર હેઠળ

લોહીલુહાણ યોગેન્દ્રને જી.કે. જનરલ હોસ્પિટલ લઈ જવાયો હતો પરંતુ ઈજા ગંભીર હોઈ તેને કે.કે. પટેલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. સારવાર હેઠળ રહેલો યોગેન્દ્ર હાલ બેહોશીની હાલતમાં જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. ડૉક્ટરોએ જણાવ્યું કે છરીનો એક ઘા ડાબી બાજુ ફેફસાં સુધી અને બીજો ઘા છેક આંતરડા સુધી વાગ્યો છે, જેનાથી મૃત્યુ નીપજી શકે. ભુજ એ ડિવિઝન પોલીસે આજે બપોરે ચારે આરોપી સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો નોંધ્યો છે. પીઆઈ હાર્દિક ત્રિવેદીએ તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
ભુજના ગામડાઓમાં કેબલ સહિત ચાર ચોરીઓ કરનારી કુકમાની ગેંગને પધ્ધર પોલીસે ઝડપી
 
ભચાઉના તોરણિયામાં ઘેરબેઠાં ગાંજાની ખેતી! ૪.૨૧ લાખનો ૪૨ કિલો ગાંજો જપ્ત
 
કચ્છ સહિત ૧૫ સૈન્ય થાણાં પર ડ્રોન/ મિસાઈલ્સથી પાક.નો હુમલાનો પ્રયાસ નિષ્ફળ