કચ્છખબરડૉટકોમ, ભુજઃ જામીન લાયક ગુનો હોવા છતાં આરોપીની અટક બાદ થયેલી જામીન અરજી સાંભળવામાં નીચલી કૉર્ટ સુનાવણી માટે એક દિવસની મુદ્દત રાખીને બીજા દિવસે જામીન આપ્યાં હોવાના મામલે ભુજની સેશન્સ કૉર્ટે સૂચક ટીપ્પણી કરી છે. આ જ ગુનાના એક આરોપીએ કરેલી આગોતરા જામીન અરજીને મંજૂર કરીને સેશન્સ જજે ચુકાદાની નકલ મુખ્ય જિલ્લા ન્યાયાધીશને મોકલી આપવા ઘટતું કરવા જણાવ્યું છે. શેરડીમાં ગેરકાયદે કપચી કાઢતાં ચાર જણે હુમલો કરેલો
માંડવી તાલુકાના શેરડી ગામની સીમમાં સ્ટોન ક્રશર પ્લાન્ટ ધરાવતા ભુજના જૈમિન પરવાડિયાએ ગઢશીશા પોલીસ મથકમાં ગોપાલ ગઢવી, જગદીશ ગઢવી અને બે હિટાચી મશીનના અજાણ્યા ઓપરેટર વિરુધ્ધ ચોથી માર્ચે ફરિયાદ નોંધાવી હતી કે આરોપીઓ તેમના પ્લાન્ટ પાસે આવેલી તેમની લીઝની જમીનમાંથી હિટાચી વડે બ્લેકટ્રેપ (કપચી)નું ખનન કરી રહ્યાં હતાં. તેમને ખનન કરવા ના પાડતાં ગોપાલ અને જગદીશે દાદાગીરી કરીને પાઈપથી તેમના પર હુમલો કર્યો હતો. હુમલામાં હિટાચીના ડ્રાઈવરો પણ સામેલ થયાં હતાં. ચારે જણે કરેલા હુમલામાં ડાબા હાથે ફ્રેક્ચર સહિતની ઈજા થઈ હોવાનું જણાવાયું હતું. જેના પગલે ગઢશીશા પોલીસે BNS કલમ ૧૧૭ (૨), ૧૧૫ (૨), ૩૫૨, ૩૫૧ (૩) અને ૫૪ હેઠળ ગુનો નોંધ્યો હતો.
જામીનલાયક ગુનામાં બે જણ ત્રણ દિવસ કસ્ટડીમાં રહેલાં
આ ગુનામાં ઝરપરા ગામના ભીમશી સવરાજ રવિયાએ સેશન્સ કૉર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. કેસની સુનાવણી સમયે સેશન્સ જજ શિલ્પાબેન કાનાબારે ગુનો જામીન લાયક હોવા છતાં આગોતરા જામીન અરજી શા માટે દાખલ કરવી પડી તે મુદ્દે તપાસ કરતાં સ્પષ્ટ થયું હતું કે અગાઉ આ જ ગુનામાં પોલીસે ૯ માર્ચે બે આરોપીની અટક કરીને ૧૦ માર્ચે તેમને નીચલી કૉર્ટમાં રજૂ કરેલાં. આરોપીઓએ તે જ દિવસે જામીન અરજી દાખલ કરેલી પરંતુ નીચલી કૉર્ટે બીજા દિવસની મુદ્દત રાખીને ૧૧ માર્ચે અરજીની સુનાવણી કરી તેમને જામીન મુક્ત કરેલાં.
પોલીસ કે કૉર્ટ પાસે આવા કોઈ પાવર્સ જ નથી
સેશન્સ જજે નીચલી કૉર્ટે આપેલો હુકમ જોયો ત્યારે તેમાં દસ માર્ચના રોજ મુદ્દત પાડતી વખતે નીચલી કૉર્ટે પ્રારંભિક તબક્કે એમ જણાવ્યું હતું કે ‘અરજી સુનાવણી માટે મુકરર કરી છે અને તપાસકર્તા અમલદારને ફરિયાદીના તમામ મેડિકલ પેપર્સ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે’
નીચલી કૉર્ટના આ હુકમ અંગે ટીપ્પણી કરતાં સેશન્સ જજે જણાવ્યું કે જ્યારે બેઈલેબલ (જામીનલાયક) ગુનામાં જામીન આપવા ફરજિયાત છે, પોલીસ અધિકારી કે લૉઅર કૉર્ટ પાસે જામીન અરજી રીજેક્ટ કરવાની કોઈ વિવેકાધીન સત્તાઓ (ડિસ્ક્રેશનરી પાવર્સ) જ નથી તેવા સમયે ફિક્સ ફૉર હિયરીંગ કરવાના કે બેઈલ એપ્લિકેશન મુલતવી રાખવાના પણ પાવર્સ ન જ હોય.
CrPC કલમ ૪૩૬ ખૂબ જ સ્પષ્ટ છે. જામીન લાયક ગુનામાં અગાઉના આરોપીઓને ત્રણ ત્રણ દિવસની કસ્ટડી ભોગવવી પડી છે ત્યારે હાલના આરોપીની ધાસ્તી વ્યાજબી છે. આ અદાલત પાસે આગોતરા જામીન અરજી એન્ટરટેઈન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચતો નથી તેમ કહી તેમણે અરજીને મંજૂર કરી છે.
જિલ્લા ન્યાયાધીશ આ બાબતે ઘટતું કરે તેવી વિનંતી
પોતાના એડિશનલ સેશન્સ જજ તરીકેના કાર્યકાળમાં આ પ્રકારનો બીજો હુકમ ધ્યાને આવ્યો હોવાનું જણાવીને કૉર્ટે આ હુકમની એક નકલ મુખ્ય જિલ્લા ન્યાયાધીશને મોકલવા સૂચના આપી છે. જો તેમને યોગ્ય જણાય તો કચ્છ જિલ્લામાં જામીન લાયક ગુનામાં ફિક્સ ફૉર હિયરીંગ કરવાની ચાલતી આવી પધ્ધતિ બાબતે યોગ્ય માર્ગદર્શન અને સૂચનાઓ તાબાની અદાલતોને કરે તેવી વિનંતી છે તેમ સેશન્સ જજ કાનાબારે જણાવ્યું છે. આ કેસમાં બચાવ પક્ષે આર.એસ. ગઢવીએ દલીલો કરી હતી.
Share it on
|